રાજકોટના પ્રવેશદ્વાર ગણાતા માધાપર ચોકડીએ મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ત્રણ વર્ષના લાંબા સમય બાદ હવે અહીં ટ્રાફિકની ઝંઝટમાંથી મુક્તિ મળી છે. આ બ્રિજથી સમગ્ર સૌરાષ્ટ્રમાંથી આવતા વાહનચાલકોને હવેથી સરળતા રહેવાની છે.
રાજકોટ શહેરના માધાપર ચોકડી ખાતે રૂ. 60 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનીને તૈયાર થઇ ગયો છે જેનું ઉદ્ઘાટન આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં થયું છે.
શહેરના માધાપર ચોકડી ખાતે 1124.70 મીટરની લંબાઈ, 23.82 મીટરની પહોળાઈ અને 5.50 મીટરની ઊંચાઈ સાથે રૂ. 60 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બન્યો છે.
ત્રણ વર્ષના લાંબા સમય બાદ હવે ટ્રાફિકની ઝંઝટમાંથી મળશે મુક્તિ : મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલી જોડાઈને બ્રિજને ખુલ્લો મુકાવ્યો
1124.70 મીટરની લંબાઈ, 23.82 મીટરની પહોળાઈ અને 5.50 મીટરની ઊંચાઈ ધરાવતો ઓવર બ્રિજ : દરરોજ અવરજવર કરતા અંદાજે 50 હજાર જેટલા વાહનચાલકોને રહેશે સરળતા
ટ્રાફિક વ્યવસ્થા સુચારૂરૂપ અને સુદ્રઢ બનાવવા માટે એક પછી એક ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યા છે, ત્યારે તાજેતરમાં કેકેવી ચોકમાં ડબલ ડેકર બ્રિજનું વડાપ્રધાનના હસ્તો લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે બાદ જેમાં માધાપર ચોકડી ખાતેના ઓવર બ્રિજને ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે. જેના કારણે ટ્રાફિક જામમાંથી વાહન ચાલકોને મુક્તિ મળશે.
હકીકતમાં સુરતની માફક સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ પણ ઓવર બ્રિજ નગરી બની રહ્યું છે. જેમાં માધાપર ચોકડી ખાતે 60 કરોડ રૂપિયાના ખર્ચે ઓવર બ્રિજ મંજૂર કરવામાં આવ્યો હતો.
જેને એપ્રિલ-2023 સુધીમાં તૈયાર કરી દેવાનું નક્કી કરવામાં આવ્યું હતુ. જ્યારે માધાપર ચોકડી ખાતેના ઓવર બ્રિજનું કામ આપવામાં આવ્યું, ત્યારે 15 મહિનામાં કામ પૂર્ણ કરવાની શરત મૂકવામાં આવી હતી. જો કે કામ ખૂબ જ ધીમુ ચાલ્યું હતુ, જેના કારણે 6 મહિનાનો વિલંબ થઈ ગયો હતો. હાલ આ બ્રિજનું કામકાજ પૂર્ણ થઈ જતા તેને ખુલ્લો મુકવામાં આવ્યો છે.
માધાપર ચોકડી ખાતે આ ઓવરબ્રિજ 1124.70 મીટરની લંબાઈ, 23.82 મીટરની પહોળાઈ, 5.50 મીટરની ઊંચાઈ ધરાવે છે. જ્યારે સર્વિસ રોડની પહોળાઈ 9.10 મીટર રાખવામાં આવી છે.
જામનગર તેમજ રાજકોટથી અમદાવાદ તરફ જવા માટે માધાપર ચોકડીથી જવુ પડતુ હતુ. આ ઉપરાંત મોરબીથી રાજકોટ પ્રવેશવા માટે પણ માધાપર ચોકડીએ આવવું પડતું હોય મોટા પ્રમાણમાં ટ્રાફિક રહેતો હતો. જેના કારણે માધાપર ચોકડી ખાતે અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી. જેમાંથી હવે મુક્તિ મળી જશે.
માધાપર ચોકડીએ ભારે ટ્રાફિક રહેતા ફ્લાયઓવર બનાવવાનું કામ 2020માં શરૂ થયું હતું.
આખરે 3 વર્ષે ફ્લાયઓવરનું કામ પૂર્ણ થતા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ થયું છે.
આ બ્રિજથી જામનગર-રાજકોટ રોડ પરના દૈનિક 50,000થી વધુ વાહનચાલકોને લાભ થશે.
આ બ્રિજથી સમય અને ઇંધણ બન્નેનો બચાવ થશે : મુખ્યમંત્રી
આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પાયાની આંતરમાળખાકીય જેવી કે વીજળી, રસ્તા, નેટવર્ક જેવી સુવિધાઓ રાજયના દરેક વિસ્તાર સુધી પહોંચે તેવી કાર્ય-સંસ્કૃતિ વિકસાવી છે, આ પરંપરાને રાજ્ય સરકારની ટીમ આગળ ધપાવી આ સુવિધાઓને વધુ સુદ્રઢ કરવાનું કાર્ય કરી રહી છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આ બ્રિજથી રાજકોટના નાગરિકોની સુવિધામાં વધારો થશે તેમજ આસપાસના ઔદ્યોગિક વિસ્તારોના મોટા વાહનોને પણ આવનજાવનમાં વધુ સગવડ મળશે.
આ ફ્લાયઓવર થકી જામનગર- રાજકોટ વચ્ચે અવરજવર કરતા નાગરિકોના સમય અને ઇંધણનો બચાવ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને જરૂરી આંતરમાળખાકીય સુવિધાથી સજજ બનાવી અન્ય રાજ્યો માટે રોલ મોડલ બનાવ્યું હતું. દેશમા 9 વર્ષમાં 3 લાખ 28 હજાર કી. મી.ના ગ્રામીણ રસ્તાઓનું નિર્માણ થયું છે. દેશમાં રોજના 37 કી. મી. હાઈવેનુ નિર્માણ થઇ રહ્યું છે. ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સુદ્રઢ માળખાને વધુ વિકસિત કરવા માટે આ વર્ષના બજેટમાં રૂ. 20,600 કરોડ જેટલી રકમ અને હાઇવેને ફોરલેન બનાવવા માટે 2800 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. 2200 કરોડના ખર્ચે ત્રણ હાઇવેને સિકસલેન કરવાની કામગીરી પ્રગતિમાં છે.
હવે અન્ડરબ્રિજની કામગીરી શરૂ કરવાનું આયોજન
અહીં ઓવરબ્રિજની સાથે અન્ડરબ્રિજની પણ કામગીરી કરવાની છે. બંને બ્રિજ એકસાથે બનાવવાનું ચાલુ કરાય તો ટ્રાફિકની બાબતે અરાજકતા સર્જાઈ જાય. આ જ કારણે પહેલા ઓવરબ્રિજનું કામ પૂરું કરી ત્યાં વાહન વ્યવહાર ચાલુ કરાશે. હવે જિલ્લા વહીવટી તંત્ર, માર્ગ અને મકાન વિભાગ તેમજ શહેર પોલીસની બેઠક થશે જેમાં અન્ડરબ્રિજ બનાવવા જરૂરી ટ્રાફિક નિયમન પર ચર્ચા થશે. પહેલો પ્રયાસ એ છે કે, ચોકની વચ્ચે ખોદકામ કરીને આસપાસમાં ટ્રાફિક ચાલુ રાખવો અને જેમ જેમ ખોદકામ આગળ વધે તેમ તેમ રસ્તો બંધ કરવો જેથી અંશતઃ જ રસ્તો બંધ રહે.
ખંઢેરી સ્ટેડિયમે ભારત- ઓસ્ટ્રેલિયા મેચ જોવા જનારાને રહેશે સરળતા
રાજકોટની ભાગોળે આવેલા ખંઢેરી સ્ટેડિયમ ખાતે આગામી 27મીના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે મુકાબલો યોજાવાનો છે. ત્યારે માધાપર ચોકડીએ મેચ જોવા જનારાઓની ભીડ હોવાથી ત્યાંથી પસાર થનારા વાહનોનું પ્રમાણ ખૂબ વધવાનું હતું. જો કે સદનશીબે એ પહેલાં જ બ્રિજ ખુલ્લો મુકાઈ ગયો હોય મેચ જોવા જનારાઓને ટ્રાફિકનો પ્રશ્ન નહિ નડે.