મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ.૨૧ કરોડનો ફાળો અને રૂ.૫૦ કરોડ જેટલી રાહત સામગ્રીનું યોગદાન
કેરળના પુરગ્રસ્ત લોકો માટે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા બચાવ, રાહત અને પૂનવર્સનનો સૌથી મોટો કાર્યક્રમ ઉપાડી લેવામાં આવ્યો છે. રિલાયન્સ ફાઉન્ડેશનના અધ્યક્ષા નીતા એમ.અંબાણીએ આ અંગે જણાવ્યું કે, કેરળના આપણા ભાઈ-ભાંડુઓની આ આફતની ઘડીમાં એક નાગરિક તરીકે અને સંસ્થા તરીકે આપણા સૌની ફરજ છે કે રાજયમાં બચાવ, રાહત અને પુનવર્સનના લાંબાગાળાના પ્રયાસોને આપણે સૌ ટેકો કરીએ. તેમણે કહ્યું કે રિલાયન્સ ફાઉન્ડેશન કેરળના મુખ્યમંત્રીના રાહત ફંડમાં રૂ.૨૧ કરોડનો ફાળો આપશે અને રાજયમાં પુર્વવત સ્થિતિ સ્થપાય નહીં ત્યાં સુધી રાહત અને પુનવર્સનની કામગીરી ચાલુ રાખશે.
તેમણે કહ્યું કે રિલાયન્સ ફાઉન્ડેશન અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સહિત તેની ગ્રુપ કંપનીઓએ કેરળમાં ૧૪ ઓગસ્ટ ૨૦૧૮ થી મોટા રાહત કાર્યો શરૂ કરી દીધા છે. અર્નાકુલમ, વેયાનદ, અલપ્યુઝુહા, ત્રિચુર, ઈડુકકી અને પાઠાનમથિટ્ટા સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓ છે જેમાં રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે. રિલાયન્સ ફાઉન્ડેશન ઈન્ફોર્મેશન સર્વિસની મદદથી હવામાન અંગેની મહત્વની માહિતી તથા કામ ચલાઉ આશ્રય સ્થાન પુરા પાડવામાં આવ્યા છે. રાજયની આફત નિવારણ સતાના અધિકારીઓને ટોલ-ફ્રી હેલ્પલાઈન નંબર પુરા પાડવામાં આવ્યા છે.
રિલાયન્સ ફાઉન્ડેશને આશરે ૧૫,૦૦૦ પરીવારોને તારવ્યા છે કે જેમને કાચું સીધું, વાસણો, આશ્રય, જુતા-ચપ્પલ તથા કપડાનું વિતરણ કરવામાં આવશે. રિલાયન્સ રીટેલમાંથી મોટાભાગની સામગ્રી પુરી પાડવામાં આવશે. રિલાયન્સ રિટેલમાંથી નાસ્તાના પડીકા, ગ્લુકોઝ, સેનિટરી નેપકીન વગેરે સરકાર દ્વારા ચલાવાતા ૧૬૦ રાહત શિવિરોમાં પુરા પાડવામાં આવ્યા છે. આ રાહત શિવિરોમાં આશરે ૫૦,૦૦૦ લોકો આશ્રય લઈ રહ્યા છે. મહારાષ્ટ્ર સરકારને રાહત સામગ્રીનો આશરે ૨.૬ મેટ્રીક ટન વજનનો એક મોટો જથ્થો સોંપવામાં આવ્યો છે જે હવાઈ માર્ગે કેરળ પહોંચાડવામાં આવશે. વધુમાં સાડા સાત લાખ જેટલા વસ્ત્રો, દોઢ લાખ બુટ ચપ્પલ તથા કાચુ અનાજ વિગેરે સામગ્રી અસરગ્રસ્ત લોકોમાં વહેંચવા માટે એકત્ર કરાઈ રહી છે. રિલાયન્સ રિટેલમાંથી જ પુર રાહત માટેની આ બધી સામગ્રી આશરે રૂ.૫૦ કરોડની થવા જાય છે.
નીતા અંબાણીએ વધુમાં જણાવ્યું કે, રાજયના ત્રણ જિલ્લાઓમાં મલયાલમ બોલતા ડોકટરો અને પેરામેડિકલ સ્ટાફ સાથે મેડિકલ કેમ્પ લગાવવામાં આવી રહ્યા છે. રિલાયન્સ ફાઉન્ડેશન સરકારને દવાઓ પુરી પાડશે. જેથી જિલ્લા અધિકારીઓ તેનો ઉપયોગ કરી શકે. પશુઓની સારવાર માટે તથા તેમના ખોરાક માટે પણ રિલાયન્સ ફાઉન્ડેશન પશુ ચિકિત્સા શિવિરોનું આયોજન કરશે. તેમણે કહ્યું કે રિલાયન્સ ફાઉન્ડેશનના સભ્યો સૌથી વધુ અસરગ્રસ્ત શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની યાદી તૈયાર કરશે અને તેમાંની અમુક શાળાઓ અને સાર્વજનિક સંસ્થાઓની મરમ્મત તથા પુન:નિર્માણ હાથ ધરશે.
લોકો આફતના સમયે પોતાનાસગા સંબંધીઓ સાથે વાતચીત કરી શકે તે માટે રિલાયન્સ જિઓએ પોતાના ગ્રાહકો માટે સાત દિવસ સુધી વધુ અમર્યાદિત વોઈસ અને ડેટા પેકની સવલત આપી છે. ઈડુકકી અને અર્નાકુલમમાં બી.એસ.એન.એલ.ની સેવાઓ પુન:સ્થાપિત કરવા માટે જિઓ તરફથી ૧૦૦ એમ.બી.પી.એસ. બેન્ડવીડથ ઈડુકકી તથા અર્નાકુલમ વચ્ચે આપવામાં આવી છે. આ સ્થાને ઘણી બધી જગ્યાએ જમીનો ઘસી પડવાને લીધે આ વિસ્તાર અલગ-અલગ પડી ગયો છે. જિઓએ ૧૮૦૦-૮૯૩-૯૯૯૯ નામનો ટોલ ફ્રી નંબર શરૂ કર્યો છે જે ખોવાયેલા લોકોને શોધવામાં મદદરૂપ થઈ શકે તેમ પણ તેમણે કહ્યું હતું.
નીતા અંબાણીએ કહ્યું કે, રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા અગાઉ પણ દેશમાં કુદરતી આફતો વખતે આગળ આવીને એક મદદગારની ભૂમિકા ભજવી છે. ૨૦૧૩માં ઉતરાખંડના ધરતીકંપ અને પુર, જમ્મુ-કાશ્મીરમાં ૨૦૧૪ના પુર, ૨૦૧૫માં નેપાળના ધરતીકંપ તથા તમિલનાડુ અને ગુજરાતમાં પુર તેમજ મહારાષ્ટ્રમાં ૨૦૧૬માં મરાઠાવાડા ક્ષેત્રમાં અછત દુકાળની સ્થિતિમાં આ પ્રકારની કામગીરી માટે અમારા સેંકડો કર્મચારીઓ તાલીમબદ્ધ થઈને કામ કરતા હોય છે. કેરળમાં પણ પરિસ્થિતિ થાળે પડે ત્યાં સુધી અમે કાર્ય કરવા પ્રતિબદ્ધ છીએ તેમ તેમણે ઉમેર્યું હતું.