અમરેલી ૯ ડિગ્રી અને જુનાગઢમાં ૧૦.૯ ડિગ્રી તાપમાન
રાજયમાં છેલ્લા ૨૫ દિવસથી કાતિલ ઠંડીએ હાહાકાર મચાવ્યો છે. કોલ્ડવેવનું પ્રમાણ ઘટતાં આજે ઠંડીમાં ઘટાડો નોંધાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. નલીયા, રાજકોટ, ગાંધીનગર, અમરેલી, જુનાગઢ સહિતના શહેરોમાં તાપમાનનો પારો ઉંચકાતા ઠંડીનું જોર ઘટયું હતું. વહેલી સવારે અને મોડીરાત્રે ઠંડીનો અનુભવ થાય છે જોકે બપોરના સમયે પંખા ચાલુ રાખવા પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે.
છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ઠંડીનું જોર ઘટયું છે. મોટાભાગના શહેરોમાં લઘુતમ તાપમાનનો પારો ઉંચકાતા લોકોને કાતિલ ઠંડીમાં રાહત મળી છે. જુનાગઢનું લઘુતમ તાપમાન આજે ૧૦.૯ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું તો વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૯ ટકા તો પવનની સરેરાશ ઝડપ ૧.૯ કિમી પ્રતિ કલાક રહેવા પામી હતી. મહતમ તાપમાન ૧૩ ડિગ્રી સેલ્શીયસ રહેવા પામ્યું હતું. ગીરનાર પર્વત પર તાપમાનનો પારો ૬ ડિગ્રી આસપાસ રહ્યો હતો. અમરેલીમાં આજે પણ તાપમાન સિંગલ ડિજીટમાં નોંધાયું છે. અહીં લઘુતમ તાપમાનનો પારો ૯ ડિગ્રી સેલ્શીયસ રહેવા પામ્યો હતો. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૩૯ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૩.૯ કિમી રહેવા પામી હતી. ગઈકાલનું મહતમ તાપમાન ૨૫.૮ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું.
આજે રાજકોટ, નલીયા સહિતના રાજયોના અનેક શહેરોમાં લઘુતમ તાપમાનનો પારો ઉંચકાતા લોકોને ઠંડીમાં રાહત મળી હતી. વહેલી સવારે અને રાત્રીના સમયે ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રો ધારણ કરવા પડે છે પરંતુ બપોરના સમયે આકરા તડકામાં પંખા અને એસી જેવા ઉપકરણો ચાલુ રાખવા પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે.