રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની રિલાયન્સ સ્ટ્રેટેજિક બિઝનેસ વેન્ચર્સ લિમિટેડ (“RSBVL”) દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તેણે ૨૬.૭૬ મિલિયન અમેરિકી ડોલરમાં સ્કાયટ્રેન ઇન્ક. માં વધારાનો ઇક્વિટી હિસ્સો મેળવીને કંપનીમાં ફુલ્લી ડાયલ્યૂટેડ બેઝિઝ પર કુલ ૫૪.૪૬ ટકાની હિસ્સેદારી હાંસલ કરી છે.
યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (USA)ના ડેલવેરના કાયદા મુજબ વર્ષ ૨૦૧૧માં સ્થપાયેલી સ્કાયટ્રેન એક ટેક્નોલોજી કંપની છે. સ્કાયટ્રેને ટ્રાફિકની વૈશ્વિક સમસ્યાને ઉકેલવા માટે પેસિવ મેગ્નેટિક લેવિટેશન એન્ડ પ્રોપલ્શન ટેક્નોલોજીની શોધ કરી છે. સ્માર્ટ મોબિલિટી સોલ્યૂશનનું સર્જન કરવા માટે સ્કાયટ્રેને આ ટેક્નોલોજી ડેવલપ કરી છે.
સ્કાયટ્રેન દ્વારા શોધવામાં આવેલી અતિ આધુનિક ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ તેના દ્વારા ખાસ વિકસાવવામાં આવેલી પેટન્ટેડ પેસિવ મેગ્નેટિક લેવિટેશન ટેક્નોલોજી પર આધારિત છે અને અત્યાધુનિક આઇટી, ટેલિકોમ, ઈંજ્ઞઝ અને એડ્વાન્સ મટિરિયલ ટેક્નોલોજીનો ઉપયોગ કરશે જે ઝડપી, સુરક્ષિત, પર્યાવરણીય રીતે અનુકૂળ અને આર્થિક રીતે પરવડે તેવી હશે. કંપનીને ઇનોવેશન એન્ડેવર્સ જેવા વિશ્વ કક્ષાના નોંધપાત્ર વેન્ચર કેપિટલ ઇન્વેસ્ટર્સની પણ સહાય મળી રહી છે.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, “સ્કાયટ્રેનમાં બહુમતી હિસ્સો હાંસલ કરવો એ ભવિષ્યની ટેક્નોલોજીના નિર્માણમાં રોકાણ કરવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે જે વિશ્વને નવો આયામ આપશે. ભારતમાં અને વિશ્વમાં અન્યત્ર શહેરની અંદર અને શહેરો વચ્ચે ઝડપી કનેક્ટિવિટી માટે, ઝડપી-કાર્યક્ષમ-પરવડે તેવું ટ્રાન્સપોર્ટેશન સર્વિસ પ્લેટફોર્મ વિકસાવવા માટે સ્કાયટ્રેન જે સ્તરની ક્ષમતા ધરાવે છે એ જોઈને અમે ઉત્સાહિત છીએ. અમે દૃઢપણે માનીએ છીએ કે વૈકલ્પિક ઊર્જાનો ઉપયોગ કરીને વાયુ તથા ધ્વનિ પ્રદુષણમાં નોંધપાત્ર ઘટાડો કરીને પ્રદુષણમુક્ત ઝડપી વ્યક્તિગત ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ પર્યાવરણની જાળવણીમાં મહત્વનું યોગદાન આપશે.” આ સોદામાં રિલાયન્સ તરફે કોવિન્ગટન એન્ડ બર્લિંગ એલએલપી કાયદાકીય તથા ફ્રેશફિલ્ડ બ્રૂકહોન્સ ડેરિંગર યુએસ એલએલપી આઇપી સલાહકાર તરીકે હતા.