આજના સમયે ઔદ્યોગિક વિકાસ તો ઝડપભેર વધ્યો છે પરંતુ આ સાથે “પર્યાવરણનું રક્ષણ” પણ એક મહત્વનું અને અવગણી ન શકાય તેવું પરિબળ બન્યું છે. જો હવે અવગણીશું અને વધતા જતા પ્રદુષણને રોકીશું નહીં તો હાલની જે સ્થિતિ છે તેના કરતા પણ ગંભીર સ્થિતિ ઉભી થઈ શકે છે. આથી ગ્રીન ડેવલપમેન્ટ પણ એક મહત્વનો મુદ્દો બન્યો છે. આ તરફ ધ્યાન દોરીશું તો જ સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ શક્ય બનશે.

આથી વિશ્વભરની કંપનીઓ પર્યાવરણની સુરક્ષાની સાથે વિકાસ તરફ આગળ ધપી રહી છે. ત્યારે ભારતની ટોચની નાએ સૌથી મોટી નિકાસકર્તા કંપની રિલાયન્સ પણ આ માટે મેદાને ઉતરી છે. ગઈકાલે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની મળેલી વાર્ષિક સાધારણ સભામાં ચેરમેન મુકેશ અંબાણીએ મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે ભારતને વિશ્વનું ગ્રીન એનર્જી હબ બનાવીશું. આ માટે રૂપિયા 75 હજાર કરોડના રોકાણ કરવામાં આવશે.

દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ ગ્રીન એનર્જી ક્ષેત્રે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપની નવી મહત્વાકાંક્ષી અને નવીન ભૂમિકા નિભાવવા માટે આગામી ત્રણ વર્ષમાં 75,000 કરોડ રૂપિયાના રોકાણની ઘોષણા કરી છે. તેમણે વધુમાં જાહેરાત કરતા જણાવ્યું કે વર્ષ 2030 સુધીમાં 1 લાખ મેગાવોટ (100 ગીગાવોટ) સોલાર પાવર ઉત્પાદન ક્ષમતા સ્થાપિત કરીશું. જેમાં જામનગરનો એક મોટા હબ તરીકે સમાવેશ કરાયો છે. જામનગરમાં ધીરુભાઈ અંબાણી નામનું ગ્રીન એનર્જી કોમ્પલેક્ષ ઉભુ કરવામાં આવશે. જેમાં સૌર સેલ, ફ્યુલ સેલ, ઊર્જા સંગ્રહ માટે બેટરી, તેમજ ગ્રીન હાઇડ્રોજન માટે ચાર મોટા કદના પ્લાન્ટ સ્થાપશે. ચાર ગ્રીન ફેક્ટરીઓની સ્થાપના કરવામાં આવશે. મુકેશ અંબાણીની આ યોજનાથી જામનગર આ ક્ષેત્રમાં ઉત્પાદન તકનીકી અને ઉપકરણોનું એક મુખ્ય કેન્દ્રબિંદુ બનશે.

નોંધનીય છે કે પેટ્રોલિયમ પેદાશો, કોલસો, કુદરતી વાયુ જેવા ખનીજો એટલે કે  આ બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત મર્યાદિત જથ્થામાં હોવાથી તે લુપ્ત થવાને આરે છે. આવા સમયે આવા બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત પર નિર્ભરતા ઓછી કરી સૌર ઊર્જા, પવન ઊર્જા, દરિયાઈ ઉર્જા જેવા પરંપરાગત ઉર્જા સ્ત્રોત તરફ વળવાની ખૂબ જરૂર છે. મોદી સરકારે પણ આ તરફ ધ્યાન દોરી વર્ષ 2022 સુધીમાં 175 ગીગા વોટ સોર ઉર્જા ઉત્પાદિત ક્ષમતા હાંસલ કરવાનું લક્ષ્ય સેવ્યું છે.

સરકારના આ લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં રિલાયન્સ મોટો ફાળો ભજવશે. મુકેશ અંબાણીએ જણાવ્યું છે કે વર્ષ 2030 સુધીમાં ઓછામાં ઓછી 100,000 મેગાવોટ સોલર પાવર ઉત્પાદન ક્ષમતા સ્થાપિત કરવા સાથે કાર્બન ફાઇબર પ્લાન્ટમાં પણ રોકાણ કરશે. જેનાથી કાર્બન ડાયોક્સાઈડના ઉત્સર્જનમાં પણ ઘટાડો કરવામાં મદદ મળશે.

જણાવી દઈએ કે આ સાથે અંબાણીએ ગૂગલ- અને રિલાયન્સ જિઓ દ્વારા સંયુક્ત રીતે વિકસિત વૈશ્વિક સ્તરે સૌથી સસ્તા સ્માર્ટફોન લોન્ચ કરવાની પણ જાહેરાત કરી હતી. તેમણે આ વર્ષે સાઉદી અરામકો સાથે 15 અબજ ડોલરનો સોદો પૂર્ણ કરવાની આશા પણ વ્યક્ત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.