- ખુદ કી દુકાન બનાવવા રિલાયન્સ સજ્જ
- હવે ગૂગલ કલાઉડ સુધી લાંબુ નહિ થવું પડે, દિવાળીએ જીઓ એઆઈ ક્લાઉડ લોન્ચ કરાશે, જેમાં યુઝર્સને 100 જીબી સુધી ફ્રી ક્લાઉડ સ્ટોરેજ મળશે
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડએ ગુરુવારે તેની 47મી વાર્ષિક સામાન્ય સભામાં અનેક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. જેમાં જામનગર ખાતે એઆઈ ડેટા સેન્ટર બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. સાથે એઆઈ કલાઉડ વેલકમ ઓફરનું પણ એલાન કર્યું છે.
કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે આમાં જીઓ યુઝર્સને 100 જીબી સુધી ફ્રી ક્લાઉડ સ્ટોરેજ મળશે. ફોટા, વિડિયો, દસ્તાવેજો અને અન્ય ડિજિટલ સામગ્રીને ક્લાઉડ સ્ટોરેજમાં સંગ્રહિત કરી શકાય છે. આ ઓફર દિવાળી પર લોન્ચ કરવામાં આવશે. અંબાણીએ કહ્યું- જીઓ આઠ વર્ષમાં વિશ્વની સૌથી મોટી મોબાઈલ ડેટા કંપની બની ગઈ છે. દરેક જીઓ વપરાશકર્તા દર મહિને 30 જીબી ડેટા વાપરે છે. તેની કિંમત વિશ્વની સરેરાશના ચોથા ભાગની છે.
મુકેશ અંબાણીએ કહ્યું કે જીઓ બ્રેઈન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પ્રોગ્રામ માટે ગુજરાતના જામનગરમાં એઆઈ ડેટા સેન્ટર બનાવવામાં આવશે. તેમણે એ પણ જણાવ્યું કે જીઓ એઆઈ ક્લાઉડ પણ આ વર્ષે દિવાળી પર યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવશે.
શેરધારકોને સંબોધતાં મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે જામનગર વિશ્વની એનર્જી કેપિટલ છે. 2025 સુધીમાં જામનગર આપણી નવી ઊર્જા વ્યવસાયનું કેન્દ્ર પણ બની જશે. ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા મેન્યુફેક્ચરિંગ કોમ્પ્લેક્સ એક જ સ્થાન પર વિશ્વની સૌથી મોટી, સૌથી આધુનિક, મોડ્યુલર અને સંકલિત ઇકોસિસ્ટમ હશે.
આ દરમિયાન ચેરમેન મુકેશ અંબાણીએ સોલર બિઝનેસને લઈને મોટી જાહેરાત કરી છે. અંબાણીએ ગુરુવારે જણાવ્યું હતું કે કંપની આ વર્ષના અંત સુધીમાં પોતાના સોલર ફોટોવોલ્ટેઇક મોડ્યુલનું ઉત્પાદન શરૂ કરશે. આગામી ક્વાર્ટરમાં અમે અમારી સંકલિત સૌર ઉત્પાદન સુવિધાઓનો પ્રથમ તબક્કો પૂર્ણ કરીશું. આમાં 10 ગીગા વોટની પ્રારંભિક વાર્ષિક ક્ષમતા સાથે મોડ્યુલો, સેલ, ગ્લાસ, વેફર્સ, ઇંગોટ્સ અને પોલિસિલિકોનનો સમાવેશ થાય છે. અમે જામનગરમાં 30 ગીગાવોટ વાર્ષિક ક્ષમતા સાથે સંકલિત અદ્યતન રસાયણશાસ્ત્ર આધારિત બેટરી ઉત્પાદન સુવિધા સ્થાપી છે. બાંધકામ શરૂ થયું છે. ઉત્પાદન આવતા વર્ષના બીજા ભાગમાં શરૂ થશે.
બોનસ શેર રોકાણકારોને લાંબા ગાળે ફાયદો કરશે
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 1:1ના રેશિયોમાં બોનસ શેર આપશે. રિલાયન્સનું માર્કેટ કેપ રૂ. 20.6 લાખ કરોડ છે અને તે ભારતની સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની છે. રિલાયન્સે અત્યાર સુધીમાં પાંચ વખત બોનસ શેર જારી કર્યા છે, જેની શરૂઆત 1980માં 3:5 બોનસ ઈશ્યુ અને 1983માં 6:10 રેશિયોથી થઈ હતી. વર્ષ 1997, 2009 અને 2017માં છેલ્લા ત્રણ બોનસ ઈશ્યુ 1:1ના રેશિયોમાં હતા. ઉદાહરણ તરીકે, જો તમારી પાસે છઈંક ના 100 શેર છે તો તમારી પાસે 200 શેર હશે. જો કે, બોનસ ઇશ્યૂ રોકાણ મૂલ્યમાં ફેરફાર કરતું નથી કારણ કે શેરના ભાવ તે મુજબ ગોઠવાય છે. બોનસ શેર પાછળનો મૂળભૂત સિદ્ધાંત એ છે કે શેરોની કુલ સંખ્યા બાકી રહેલા શેરોની સંખ્યાના સતત ગુણોત્તર સાથે વધે છે ઉદાહરણ તરીકે જો રોકાણકાર કંપનીના 200 શેર ધરાવે છે અને 1:1 બોનસ જાહેર કરે છે, એટલે કે રાખવામાં આવેલ દરેક શેર માટે, તેને 1 શેર બોનસ મળે છે, એટલે કે કુલ 200 શેર બોનસ અને તેની કુલ હોલ્ડિંગ વધીને 400 શેર થશે. પરંતુ ખાસ વાત એ છે કે શેરની સંખ્યામાં વધારો થાય તો પણ બોનસ શેર મેળવનાર રોકાણકારની સંપત્તિમાં વધારો થતો નથી, કારણ કે બોનસ શેર પ્રાપ્ત કર્યા પછી, શેરની કિંમત સમાન પ્રમાણમાં ગોઠવાય છે. તેથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના કિસ્સામાં પણ બોનસ શેર મળવાનો અર્થ એ નથી કે રિલાયન્સના રોકાણકારોની સંપત્તિમાં વધારો થશે. બોનસ શેરની ન તો કંપનીના માર્કેટ કેપ પર કોઈ અસર થશે અને ન તો તેનાથી રોકાણકારોની સંપત્તિમાં વધારો થશે. પણ આનો લાંબા ગાળે ફાયદો થાય છે.
- જીઓ ટીવી ઓએસ, જીઓ હોમ અને જીઓ ટીવી પ્લસ કરાશે લોન્ચ
- જીઓ હવે ત્રણ નવી સેવાઓ સાથે મનોરંજનમાં ચાર ચાંદ ઉમરશે, આ નવી સેવાઓ ટૂંક સમયમાં લોન્ચ થશે
- જીઓ ટીવી ઓએસ
આ એક ઓપરેટિંગ સિસ્ટમ હશે જે તમારા સ્માર્ટ ટીવી અને અન્ય સ્માર્ટ ઉપકરણો પર કામ કરશે. આ ઓએસ તમને એક જ જગ્યાએથી તમામ મનોરંજન સામગ્રીને ઍક્સેસ કરવાની મંજૂરી આપશે. તમે ટીવી શો, મૂવી, લાઇવ ટીવી અને અન્ય સામગ્રી બધું એક જ એપમાં જોઈ શકો છો. જીઓ ટીવી ઓએસનો ઉપયોગ કરવા માટે, તમારે તમારા સ્માર્ટ ટીવી અથવા અન્ય સ્માર્ટ ઉપકરણ પર જીઓ ટીવી ઓએસ એપ્લિકેશન ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવાની જરૂર પડશે. એકવાર ઇન્સ્ટોલ થઈ ગયા પછી, તમે તમારા જીઓ એકાઉન્ટથી લોગ ઇન કરી શકો છો અને તમામ મનોરંજન સામગ્રીને ઍક્સેસ કરી શકો છો.
જીઓ હોમ
આ એક સ્માર્ટ હોમ ડિવાઇસ હશે જે તમારા ઘરના તમામ ઉપકરણોને કનેક્ટ કરશે. તમે જીઓ હોમનો ઉપયોગ કરીને તમારા ઘરની લાઇટ, એસી અને અન્ય ઉપકરણોને નિયંત્રિત કરી શકો છો. તમે વોઇસ કમાન્ડ દ્વારા પણ જીઓ હોમને નિયંત્રિત કરી શકો છો. આનો ઉપયોગ કરવા માટે, તમારે તેને તમારા વાય ફાય નેટવર્ક સાથે કનેક્ટ કરવાની જરૂર પડશે. એકવાર કનેક્ટ થઈ ગયા પછી, તમે જીઓ હોમ એપ્લિકેશનનો ઉપયોગ કરીને તમારા ઘરનાં ઉપકરણોને નિયંત્રિત કરી શકો છો. તમે વોઇસ કમાન્ડ દ્વારા પણ તેને નિયંત્રિત કરી શકો છો.
જીઓ ટીવી પ્લસ
જીઓ ટીવી પ્લસ એક સ્ટ્રીમિંગ સેવા હશે જે તમને હજારો કલાકની મનોરંજન સામગ્રી પ્રદાન કરશે. તમે તેના દ્વારા ટીવી શો, મૂવી, લાઈવ ટીવી અને અન્ય સામગ્રી જોઈ શકો છો. જીઓ ટીવી પ્લસમાં ઘણી ભાષાઓમાં સામગ્રી ઉપલબ્ધ થશે. તેનો ઉપયોગ કરવા માટે, તમારે તમારા સ્માર્ટફોન, ટીવી અથવા અન્ય સ્માર્ટ ઉપકરણ પર જીઓ ટીવી પ્લસ એપ્લિકેશન ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવાની જરૂર પડશે. એકવાર ઇન્સ્ટોલ થઈ ગયા પછી, તમે તમારા જીઓ એકાઉન્ટથી લોગ ઇન કરી શકો છો અને તમામ મનોરંજન સામગ્રીને ઍક્સેસ કરી શકો છો.