ફયુચર ગ્રુપનો રિટેલ, હોલસેલ, લોજીસ્ટીક અને વેર હાઉસ બિઝનેસ રિલાયન્સે ખરીદ્યા બાદ અમેરિકાના એમેઝોન માટે કપરા ચઢાણ
દેશમાં ૧૦૦૦થી વધુ બિગબજાર, એફબીબી, ફૂડ હોલ અને ઈઝી-ડે કલબ સહિતના સ્ટોર ધરાવનારા ફયુચર ગ્રુપને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીએ ખરીદીને રિટેલ જગતમાં એમેઝોન માટે કપરા ચઢાણ ઉભા કર્યા છે. એમેઝોન અગાઉ ફ્યુચર ગ્રુપમાં ૪૯ ટકા હિસ્સો ખરીદવા માગતું હતું. જો કે, રિલાયન્સે આખા ગ્રુપનો સોદો પાડીને એમેઝોનને અટકાવ્યું છે. વર્તમાન સમયે મુળ અમેરિકાનું ઈ-કોમર્સ એમેઝોન ફ્યુચર ગ્રુપ સાથે ઓનલાઈન સેલ્સ માટે ભાગીદાર છે. પરંતુ રિલાયન્સ ફયુચર ગ્રુપ વચ્ચેના સોદાના કારણે આ ભાગીદારી પણ પૂરી થઈ જશે.
વર્ષ ૨૦૨૫ સુધીમાં ભારતનું ઓર્ગનાઈઝ રિટેઈલ માર્કેટ ૧.૩ ટ્રીલીયન ડોલર એટલે કે, ૧ લાખ કરોડથી વધી જશે. અત્યાર સુધી બીગબજાર એટલે કે, ફ્યુચર ગ્રુપ અને રિલાયન્સ વચ્ચે હરિફાઈ હતી. પરંતુ હવે રિલાયન્સનો હાથ ઉપર રહેશે. એકંદરે રિટેલ માર્કેટમાં રિલાન્સનું પ્રભુત્વ વધી જશે.
ફ્યુચર ગ્રૂપના રિટેલ બિઝનેસ પર મુકેશ અંબાણીએ પ્રભુત્વ મેળવી લીધું છે હવે તેઓ ભારતના રિટેલ કિંગ બની ગયા છે. તેની સાથે જ કિશોર બિયાની જે ફ્યુચર ગ્રૂપના માલિક છે તેમની ઉપર ભારે-ભરખમ દેવાનો બોજ પણ દૂર થઇ ગયો છે. મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટિડે ફ્યુચર ગ્રૂપનો રિટેલ, હોલસેલ લોજિસ્ટિક્સ અને વેરહાઉસ બિઝનેસ ૨૪૭૧૩ કરોડમાં ખરીદી લીધો હતો. જેની સાથે જ રિલાયન્સ ફ્યુચર ગ્રુપમાં એમેઝોન માટે દરવાજા બંધ કરી દીધા છે.
રિલાયન્સ અને ફ્યુચર રિટેલ વચ્ચેનો સોદાની શરૂઆત આ વર્ષના પ્રારંભથી ચાલતો હતો. રિલાયન્સ પહેલા અમેરિકન કંપની એમેઝોને પણ ફ્યુચર ગ્રુપમાં રસ દાખવ્યો હતો. પરંતુ આરઆઈએલ સાથેના સોદાથી બિયાનીના દેવાની સમસ્યાઓનો સંપૂર્ણ ઉકેલ આવી ગયો છે. હવે આ ડીલ બાદ કિશોર બિયાની તમામ દેવાની ચૂકવણી કરવામાં મદદ કરશે. અને તમે આગામી દિવસોમાં ફરીથી કંઈક નવું શરૂ કરી શકે છો.
બિગ બજારમાં લગભગ દરેક મધ્યમવર્ગીય પરિવાર સેલની રાહ જોતા હોય છે, કારણ કે સેલ દરમિયાન બિગ બજારમાં તમામ પ્રકારના ઉત્પાદનો પર ભારે છૂટ આપવામાં આવે છે. કંપનીની ટેગલાઇન સૌથી સસ્તું, સૌથી સારું દ્વારા ઘરે-ઘરે ઓળખાણ રજૂ કરાઈ પરંતુ રિટેલ કિંગ તરીકે જાણીતા કિશોર બિયાનીએ હવે તેમનો વ્યવસાય મુકેશ અંબાણીને વેચી દીધો છે.
કિશોર બિયાની એક સફળ ભારતીય ઉદ્યોગપતિ છે. ૨૦૧૯ પહેલાં તેમનો વ્યવસાય ઝડપથી વિસ્તરતો હતો. કિશોર બિયાનીનું ફ્યુચર ગ્રુપ આ વર્ષની શરૂઆતમાં નાણાકીય સંકટમાં આવ્યું હતું. આવું ત્યારે થયું જ્યારે ફ્યુચર રિટેલ લોન ભરપાઈ કરવામાં નિષ્ફળ ગયું. ત્યારબાદ બેંકોએ કંપનીના મોર્ગેજ કરેલા શેરોને જપ્ત કરી લીધા.