એક આઈડિયા જો દુનિયા બદલ દે… રિલાયન્સ જીઓના ટેલિકોમ અને ઈન્ટરનેટ ક્ષેત્રે હરણફાળ ભરવાના આઈડિયાએ ભારતમાં આ ક્ષેત્રોની દુનિયા બદલી નાખી છે. અને ગ્રાહકોને માટે જીઓ જી ભરકેનું સૂત્ર યથાર્થ કર્યુ છે. ટેલિકોમ ક્ષેત્રે રિલાયન્સ જીયોના પ્રદાર્પણથી તીવ્ર હરીફાઈ ઉભી થઈ છે. એટલું જ નહિ આ હરીફાઈમાં ટકવા અન્ય કંપનીઓને લોઢાના ચણા ચાવવા સમાન બન્યું છે. રિલાયન્સે ટેલીકોમ ક્ષેત્રે ઝંપલાવી મોટા પાયે નફો રળવાનું શરૂ કરી દીધું છે. જ્યારે બીજી તરફ અન્ય કંપનીઓ જાણે ધોચમાં પડી હોય તેમ નુકસાન ઉપર નુકસાન કરી રહી છે. આ પાછળનું મુખ્ય કારણ રિલાયન્સની લોસ મેકિંગ બિઝનેસ સ્ટ્રેટેજી ગણી શકાય.
લોસ મેકિંગ બિઝનેશની વ્યુહરચનાથી જીઓએ અધધ.. નફો રળ્યો, અન્ય કંપનીઓને મોટો ફટકો
1.08 લાખ કરોડના દેવામાં ડુબી વોડાફોન-આઈડિયાના નોન-એકઝીકયુટીવ ડાયરેકટર કે.એમ. બીરલાનું રાજીનામું
ટેલિકોમ અને ઇન્ટરનેટ ક્ષેત્રે રિલાયન્સ જીઓએ આવતા વેત’જ સૌ પ્રથમ તો સાવ નજીવા દરે ઈન્ટરનેટ અને ટેલીકોમ સુવિધા પૂરી પાડી. જે દરે વોડાફોન, આઈડિયા જેવી ટોચની કંપનીઓ સુવિધા પ્રદાન ન કરી શકે તેવા તેવી સસ્તી સેવા પહોંચાડી ગ્રાહકોને આકર્ષયા તો આ સાથે માર્કેટમાંથી પ્રતિસ્પર્ધીઓને આઉટ કર્યા અને પછી એક વખત પોતાનો પગદંડો જમાવી દીધા બાદ સેવાઓના દરમાં વધારો કરી દીધો. રીલાયન્સ જીઓની આ લોસ મેકિંગ બિઝનેસ સ્ટ્રેટેજી સામે નબળી પડી રહેલી આઈડિયા અને વોડાફોનનું મર્જર કરવું પડ્યું. આ બે કંપનીઓના મર્જર છતાં એકલી જીઓ કંપની સામે ટકી રહેવું કપરું બન્યું છે.
જીઓ માલામાલ થયું છે તો વોડાફોન આઈડિયા કંગાલ થઈ છે. હાલ વોડાફોન આઈડિયા કંપની પર આશરે 1.08 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. જેને લઈ વોડાફોન ગ્રુપે પણ આમાં નવા રોકાણ કરવાથી ઈન્કાર કરી દીધો છે. એમાં પણ તાજેતરમાં કંપનીના નોન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કુમાર મંગલમ બિરલાએ રાજીનામુ ધરતા કંપનીની મુશ્કેલીમાં વધુ વધારો થયો છે. જાણીતા ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાએ દેવામાં અટવાયેલ વોડાફોન આઈડિયાના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન પદેથી રાજીનામું આપ્યું છે. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે તેમની વિનંતી સ્વીકારી રાજીનામું સ્વીકારી લીધું. અને હિમાંશુ કાપનિયાને નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે ચૂંટ્યા છે.