રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને એચસીએલ ટેક્નોલોજીસ દ્વારા સંયુક્ત રિતે સેમીકંડકટર નિર્માતા આઈએસએમસી એનાલોગમાં 30-30 % હિસ્સો ખરીદવા વાતચીત
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને એચસીએલ ટેક્નોલોજીસ સંયુક્ત રિતે સેમીકંડકટર ક્ષેત્રમાં પ્રવેશ કરી શકે છે. બંને કંપનીઓ આઈએસએમસી એનાલોગમાં 30-30 ટકા હિસ્સો ખરીદવા માટે વાતચીત કરી રહી છે. સેમીકંડકટર મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે અનેક રાહતોની જાહેરાત કરી છે. તેનાથી સેમીકંડકટર સેક્ટરમાં સ્થાનિક કંપનીઓનો રસ વધી રહ્યો છે. રિલાયન્સ અને એચસીએલ બન્ને આઈએસએમસી એનાલોગમાં રૂ. 4,000 કરોડથી વધુનું રોકાણ કરી શકે છે. આ માટે બંને કંપનીઓ વચ્ચે અલગ-અલગ વાતચીત ચાલી રહી છે. જો સોદો પાર પડે તો રિલાયન્સ અને એચસીએલ આઈએસએમસી એનાલોગમાં સ્થાન મેળવી શકે છે. રિલાયન્સના આ સોદાનો હેતુ એ છે કે તે દેશમાં મોટાભાગની સેમીકંડકટર સપ્લાય ચેઇન તૈયાર કરવા માંગે છે. રિલાયન્સ હાલમાં શ્રીપેરુમ્બુદુર અને તિરુપતિમાં ગુગલ સાથે ફીચર ફોન અને સ્માર્ટફોનનું ઉત્પાદન કરે છે. સેમીકંડકટર ચિપ્સનો ઉપયોગ ફોનમાં પણ થાય છે.
સેમીકંડકટર માર્કેટ 16-18%ના દરે વધી રહ્યું છે
ભારતમાં સેમીકંડકટર માર્કેટ 16-18 ટકાના ચક્રવૃદ્ધિ દરે વધી રહ્યું છે. આમાં ખાસ કરીને ડિજિટલ અર્થતંત્રની ઝડપી વૃદ્ધિને કારણે વેગ મળ્યો છે. ભારતમાંથી સેમિક્ધડક્ટર્સની મોટા પાયે નિકાસની પણ સંભાવના છે. આથી આ ક્ષેત્રમાં રોકાણકારોનો રસ જળવાઈ રહેશે.
ચીન અને તાઈવાન વચ્ચેના તણાવને લીધે ફાયદો થશે
ભારત આ ઉદ્યોગને એવા સમયે પ્રોત્સાહન આપી રહ્યું છે જ્યારે ચીન અને તાઈવાન વચ્ચે તણાવ વધી ગયો છે. વિશ્વની સૌથી મોટી કોન્ટ્રાક્ટ ચિપ નિર્માતા તાઇવાનની ટીએસએમસી છે. તાઈવાન ભારત સાથે ઈલેક્ટ્રોનિક્સ અને ચિપ બનાવવાના ક્ષેત્રમાં સહયોગ વધારવા ઈચ્છે છે. સરકારનો ઉદ્દેશ સેમીકંડકટર ઉદ્યોગ માટે ઇકોસિસ્ટમ બનાવવાનો છે. તે પીએલઆઈ તરફથી 18 ક્ષેત્રોને ઉત્પાદન સહાય પૂરી પાડે છે, જેમાંથી કેટલાકે મોટી સફળતા હાંસલ કરી છે.