નવું એરપોર્ટ અમદાવાદ અને રાજકોટ નેશનલ હાઈવે નજીક નિર્માણ પામશે
રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચર(RInfra)ને રાજકોટના હિરાસર ખાતે નવું એરપોર્ટ બનાવવા માટેનો 648 કરોડ રૂપિયાનો કોન્ટ્રાકટ એરપોર્ટ ઓથોરિટીઓફ ઈન્ડિયા(AAI)એ આપ્યો છે. નવું એરપોર્ટ અમદાવાદ અને રાજકોટને જોડાતા નેશનલ હાઈવે-8B નજીક નિર્માણ પામશે. આ એરપોર્ટ રાજકોટના હાલના એરપોર્ટથી 36 કિલોમિટર દૂર બનશે.
આ કોન્ટ્રાકટ માટે લાર્સન એન્ડ ટરબો, દિલિપ બિલ્ડકોન અને ગાયત્રી પ્રોજેકટ્સ સહિતની નવ જેટલી કંપનીઓએ અરજી કરી હતી. આ અંગે રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રિલાયન્સ ઈન્ફાસ્ટ્રકચર લિમિટેડ E&C(એન્જિનિયરિંગ એન્ડ કનસ્ટ્રકશન)ને 648 કરોડ રૂપિયામાં રાજકોટના હીરાસર ખાતે નવું એરપોર્ટ બનાવવાનો કોન્ટ્રાકટ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ આપ્યો છે.
આ અંગે રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચર ઈએન્ડસી સીઈઓ અરૂણ ગુપ્તાએ જણાવ્યું હતું કે હીરાસર એરપોર્ટ પ્રોજેકટના પગલે રિલાયન્સ ઈન્ફાસ્ટ્રકચરનો પોર્ટફોલિયો ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે મજબૂત થશે. રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચર 1,000 કિલોમીટરના રોડ્સ, 140 મેગાવોટનો સોલર પાવર, 4,000 કિલોમિટરની ટ્રાન્ઝમિશન લાઈન્સ અને 9,000 મેગોવોટના થર્મલ પાવરનો પોર્ટફોલિયો ધરાવે છે.