ગુજરાત સરકારની સુજલામ સુફલામ જળસંચય યોજનામાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીએ સક્રિય રીતે ભાગ લીધો છે.સંસ્થાકીય સામાજીક ઉત્તરદાયિત્વ સીએસઆરના ભાગરૂપે આર.આઈ.એલ. દ્વારા જામનગર જિલ્લાના ૫ તાલુકાઓમાં ૨૬ સ્થળોએ અને દેવભૂમિ દ્વારકા તથા વડોદરા જિલ્લાઓમાં એક અકે સ્થળે જળસંચયના કામો હાથ ધરવામાં આવ્યા છે. આ કામગીરી માટે જામનગર જિલ્લામાં ૧૮ જેસીબી અને ૬ એસ્કેવેટર મશીનો, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૨ જેસીબી અને વડોદરા જિલ્લામાં ૩ જેસીબી મશીનો કાર્યરત કરાયા છે.
નહેરોમાંથી કાંપ કાઢીને તેને ઉંડા કરવાનું અને ચેકડેમોનાં નવીનીકરણનું કામ હાથ ધરાયું છે. કંપની દ્વારા જામનગર તાલુકામાં બેડ બંધારા સિકકા, ગાગવા, નાની ખાવડી, જગામેડી અને જાંબુડા; લાલપુર તાલુકામાં કાનાલુસ, સેતાલુસ અને નવાણીયા, કાલાવડ તાલુકામાં રાજસ્થળી ખાતેની ઉંડ ૩ જશાપર, કોડા, ભાડુકીયા, સરવાણીયા, અને બેરાજા જામનગર શહેરની રંગમતી અને ખંભાળીયા તાલુકામાં રામનગર અને ગોલણ સેરડી ખાતે જળ સંચયના કામો ખૂબ ઝડપથી ચાલી રહ્યા છે. વડોદરા નજીકના શેરખી ગામના તળાવને ઉંડુ કરવાનું કામ પણ આર.આઈ.એલ.ના જળસંચય અભિયાન અંતર્ગત હાથ ધરવામાં આવ્યું છે.
જામનગર, દેવભૂમિ દ્વારકા અને વડોદરા જિલ્લા ઉપરાંત રાજયના અરવલ્લી, રાજકોટ અમરેલી, પાટણ,સુરત અને ભરૂચ સહિતના ૬ જિલ્લાઓમાં પણ કંપની દ્વારા સન ૨૦૧૩થી જળસંચય માટે વિવિધ જળ સંગ્રહના માળખાઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ઉપરોકત ૬ જિલ્લાઓનાં ૫૨ ગામોમાં રિલાયન્સ દ્વારા ૧૫૬ ચેકડેમ ૩૧ બોરીબંધ, ૧૮૬ ખેત તલાવડીઓ અને ૭૯ જૂથ કૂવાઓનું નિર્માણ કરાયું છે.
પન્ના અને સસોઈ ડેમની જળસંગ્રહ શકિત વધારવા માટે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા પ્રતિ વર્ષ કાંપ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તદઉપરાંત ગાગવા ચેકડેમનું રૂ. ૨૫ લાખના ખર્ચે નવીનીકરણ કરાયું છે. જળસંચયના પ્રયાસોનાં ભાગરૂપે ૭૩૯૦૦ ઘનમીટર જળ સંગ્રહ કરવાની કંપનીની નેમ છે.
લાલપુર તાલુકાના કાનાલુસ અને નવાણીયા અને જામનગર તાલુકાનાં નાની ખાવડી ગામોનાં તળાવોમાંથી, કાનાલુસની પન્ના નદીમાંથી અને બેડ બંધારાની બે કિલોમીટર લાંબી કેનાલમાથી કાંપ દૂર કરવાનું કામ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કરવામાં આવ્યું છે. જામનગર તાલુકાના રંગપૂર ગામના બે ચેકડેમનાં નવીનીકરણનું કામ પણ હાથ ધરાયું છે. આ જળસંચય કાર્યોથી લાલપુર તાલુકાના કાનાલુસ સેતાલુસ, નવાણીયા, પડાણા અને રંગપુર, જામનગર તાલુકાના નાની ખાવડી અને જીવાપર તથા સીકકા તાલુકાના સીકકા ગામ સહિત કુલ ૧૦ ગામોને ફાયદો થશે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સામાજીક સેવા માટે રચાયેલા રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા પણ જળ સંગ્રહ અને તે માટેના માળખાઓમાં નિર્માણની પ્રવૃત્તિ કાયમી ધોરણે કરવામાં આવે છે.