૧૬ રાજયો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં ૨ કરોડથી વધુ લોકોને કરાઈ રહ્યું છે ભોજન વિતરણ સમગ્ર વિશ્ર્વમાં આટલી મોટી અન્ન સેવાની પહેલ કરનાર એકમાત્ર કોર્પોરેટ ફાઉન્ડેશન બન્યું રિલાયન્સ
રિલાયન્સ ફાઉન્ડેશન એના ભોજન વિતરણના કાર્યક્રમ, મિશન અન્ન સેવાનો વ્યાપ વધાર્યો છે, જેથી સમગ્ર ભારતમાં વંચિત અને ઓછા સંસાધનો ધરાવતા સમુદાયોને ૩ કરોડ લોકોને ભોજન આપી શકાય. આ સાથે મિશન અન્ન સેવા દુનિયામાં કોઈ પણ જગ્યાએ કોઈપણ કોર્પોરેટ દ્વારા હાથ ધરવામાં આવેલો સૌથી મોટો ભોજન વિતરણ કાર્યક્રમ બની જશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઇએલ)ના સમાજોપયોગી કામ કરતા રિલાયન્સ ફાઉન્ડેશને અત્યાર સુધીમાં દેશનાં ૧૬ રાજ્યો અને ૧ કેન્દ્રશાસિત પ્રદેશમાં ૬૮ જિલ્લાઓમાં ૨ કરોડથી વધારે લોકોને ભોજન પ્રદાન કર્યું છે.
રિલાયન્સ ફાઉન્ડેશનનાં સ્થાપક અને ચેરપર્સન શ્રીમતી નીતા અંબાણીએ કહ્યું હતું કે, દુનિયા, ભારત અને સમગ્ર માનવજાત માટે કોવિડ-૧૯ અભૂતૂપર્વ રોગચાળો છે. ભારતમાં લોકડાઉનનો ગાળો લંબાયો છે, એવા સમયે આપણા સર્વેને રોજિંદા કામકાજ પર આજીવિકા ચલાવતા તમામ ભારતીયો પ્રત્યે લાગણી થાય. તેઓ પણ આપણા પરિવાર આપણા ભારત પરિવાર- ના સભ્યો છે. આ જ કારણે રિલાયન્સ ફાઉન્ડેશનમાં અમે જરૂરિયાતમંદોને ભોજન પૂરું પાડવા મિશન અન્ન સેવા પ્રોગ્રામ શરૂ કર્યો છે. આપણી સંસ્કૃતિમાં અન્નદાનને મહાદાન કહેવામાં આવ્યું છે. ઉપનિષદો આપણને શીખવે છે કે, અન્ન બ્રહ્મનું સ્વરૂપ છે. મિશન અન્ન સેવા દ્વારા અમે ૩ કરોડથી વધારે વંચિત અને દેશનાં ફ્રન્ટલાઇન વર્કર્સને ભોજન પૂરું પાડીશું. આ દુનિયામાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ કોર્પોરેટ ફાઉન્ડેશન દ્વારા અત્યાર સુધી હાથ ધરવામાં આવેલો સૌથી મોટો ભોજન વિતરણ પ્રોગ્રામ બની જશે.
આ પ્રોગ્રામ અંતર્ગત રિલાયન્સ ફાઉન્ડેશન રાંધેલુ ભોજન, ભોજન તરીકે ઉપયોગમાં લેવાય તેવા ફૂડ પેકેટ તથા પરીવારોને અનાજની કિટ અને સામુદાયિક રસોડાઓને મોટા જથ્થામાં અનાજ પૂરું પાડી રહ્યાં છીએ. પ્રોગ્રામના લાભાર્થીઓમાં દૈનિક મજદૂરો, ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો, શહેરી સેવા પ્રદાતાઓ, કારખાનાંના કામદારો અને ઘરડાઘરમાં અને અનાથાશ્રમમાં રહેતાં લોકો સામેલ છે. વળી આ પ્રોગ્રામ અંતર્ગત જૂનિયર મેડિકલ સ્ટાફ, પોલીસ કર્મચારીઓ અને સુરક્ષા દળના જવાનોને પણ ભોજન પ્રદાન કરવામાં આવે છે. રિલાયન્સ ફાઉન્ડેશ કેટલાંક સ્થળો પર ફૂડ ટોકનનું વિતરણ પણ કરે છે, જેનો ઉપયોગ રિલાયન્સ ફ્રેશ, રિલાયન્સ સ્માર્ટ સુપરસ્ટોર, રિલાયન્સ સ્માર્ટ પોઇન્ટ અને સહકારી ભંડાર જેવા રિલાયન્સ રિટેલ આઉટેલટમાં વસ્તુ ખરીદવા કરી શકાશે. રિલાયન્સ ફાઉન્ડેશનનો સંપૂર્ણ પરિવાર અને સંપૂર્ણ રિલાયન્સ પરિવાર લોકડાઉન દરમિયાન કોઈ પણ ભારતીયને ભૂખ્યાં ન રહેવું પડે એ સુનિશ્ચિત કરવા યુદ્ધના ધોરણે કામ કરી રહ્યો છે. રિલાયન્સ રિટેલનાં કર્મચારીઓ આ પ્રોગ્રામમાં જરૂરી ચીજવસ્તુઓનું પેકિંગ કરી, તૈયાર કરી અને પુરવઠો પૂરો પાડી પ્રદાન આપી રહ્યાં છે. મુંબઈ, સિલ્વાસા, વડોદરા, પાતાળગંગા, હઝીરા, જઝ્ઝર, શાહડોલ, જામનગર, દહેજ, બારાબાંકી, નગોથાણે, ગાદીમોગા અને હોશિયારપુર જેવી રિલાયન્સની સાઇટમાંથી સ્વયંસેવક કર્મચારીઓ તેમના સંબંધિત સ્થાનોમાં ગરીબ સમુદાયોને નિ:શુલ્ક ભોજનનું વિતરણ કરી રહ્યાં છે. પશ્ચિમ બંગાળ, કેરળ અને ઓડિશામાં રિલાયન્સનાં કેટલાક નિશ્ચિત પેટ્રોલ પંપનો સ્ટાફ આવશ્યક ચીજવસ્તુઓનાં પરિવહનમાં સંકળાયેલા ટ્રક ડ્રાઇવરોને નિ:શુલ્ક ભોજનનું વિતરણ કરી રહ્યાં છે.
રિલાયન્સ ફાઉન્ડેશન ૭૦થી વધારે પાર્ટનર્સને રાહત કિટ અને મોટા પાયે અનાજનો જથ્થો પણ પૂરો પાડે છે, જેઓ સંબંધિત સ્થળો પર આ જ પ્રકારનાં કાર્યક્રમમાં સંકળાયેલા છે. ભોજન વિતરણ પ્રોગ્રામ ઉપરાંત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઇએલ) અને રિલાયન્સ ફાઉન્ડેશને તેમના ૨૪*૭, બહુસ્તરીય, વાસ્તવિક પ્રયાસો સાથે કોવિડ-૧૯ સામેની લડાઈમાં દેશનો વિજય થાય એવું સુનિશ્ચિત કરવા સતત પ્રયાસ કરે છે. આરઆઇએલએ વિવિધ રાહત ભંડોળમાં રૂ. ૫૩૫ કરોડનું પ્રદાન આપ્યું છે, જેમાં રૂ. ૫૦૦ કરોડનું પ્રદાન પીએમ-કેર્સ ફંડમાં કર્યું છે.