મેડિકલ કેમ્પ અને તબીબી શિબીરો તથા રાશનકીટના વિતરણ દ્વારા લોકોને સહાય પુરી પાડવામાં આવી

છેલ્લા કેટલાક દિવસોથી ભયાનક પૂરનો સામનો કરી રહેલા આસામના લોકોને મદદ પહોંચાડવા માટે રિલાયન્સ ફાઉન્ડેશને શુક્રવારે મુખ્યમંત્રી રાહત ફંડમાં 25 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું છે. આસામના મુખ્યમંત્રી ડો. હિમંતા બિસ્વા સરમાએ સોશિયલ મીડિયા પર આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, આ મુશ્કેલીના સમયમાં આસામના લોકોની પડખે રહેવા બદલ મુકેશ અંબાણી અને અનંત અંબાણીનો હું ખૂબ જ આભાર માનું છું. પૂરના કારણે ઊભી થયેલી મુશ્કેલી પરિસ્થિતિને પહોંચી વળવા માટેના રાહત કાર્યોને વેગ મળશે. રિલાયન્સ ફાઉન્ડેશન રાજ્ય સરકાર અને નાગરિક સમાજ સંગઠનો સાથે મળીને આસામમાં રાહત કાર્યોને સતત જારી રાખવામાં આવશે.

પૂરની પરિસ્થિતિનો ખ્યાલ આવતાંની સાથે જ ફિલ્ડ પરની એક ટીમ સાથે રિલાયન્સ ફાઉન્ડેશને આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને રાષ્ટ્રીય આરોગ્ય મિશન, પશુપાલન અને પશુચિકિત્સા વિભાગ, જિલ્લા વહીવટીતંત્રો અને અન્ય નાગરિક સમાજ સંસ્થાઓ સાથે હાથ મિલાવ્યા હતા અને રાહત પૂરી પાડવા અને પૂરને કારણે થતી તકલીફને દૂર કરવા માટેનું પ્રયાસોને ઝડપી બનાવવામાં યોગદાન પૂરું પાડ્યું હતું. કચર જિલ્લામાં રિલાયન્સ ફાઉન્ડેશન સિલચર, કાલૈન, બોરખોલા અને કટીગોરહ બ્લોકમાં તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવેલા રાહત કાર્યોમાં મદદ કરી રહ્યું છે. જ્યારે નાગાંવ જિલ્લાના કાઠિયાટોલી, રાહા, નાગાંવ સદર અને કામપુર બ્લોકમાં પણ રાહત કામગીરી કરવામાં આવી રહી છે.

IMG 20220627 WA0010

મેડિકલ કેમ્પ યોજાઈ રહ્યા છે અને ઈમરજન્સી રાહત કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, રાજ્યમાં અઠવાડિયાના અવિરત વરસાદ પછી સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં આવતાં કચર અને નાગાંવ જિલ્લાઓમાં સંખ્યાબંધ પશુધન શિબિરો પણ યોજવામાં આવી રહી છે.

તબીબી શિબિરોની સાથે, રિલાયન્સ ફાઉન્ડેશન ઘરેલુ સ્તરે તાત્કાલિક રાહત પૂરી પાડવા માટે સૂકા રાશન અને સ્વચ્છતા જરૂરિયાતો પૂરી કરવા માટેની રાહત કીટનું વિતરણ કરી રહ્યું છે. આજદિન સુધીમાં 5,000 ઘરોને કીટ આપવામાં આવી હતી.

વર્ષ ૨0૨1માં રિલાયન્સ ફાઉન્ડેશને આઠ આપત્તિઓ, મુખ્યત્વે ચક્રવાત અને પૂરથી પ્રભાવિત વિવિધ રાજ્યોમાં રાહત પ્રયાસોમાં યોગદાન આપ્યું હતું, જેમાં રાહતની સાથે-સાથે આપત્તિ પહેલા અને પછીના જાગૃતિ અભિયાનનો સમાવેશ થાય છે અને તેમાં ગત વર્ષે 1.7 લાખથી વધુ લોકોને આવરી લેવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.