રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અને એફ.એમ.સી.જી. શાખા રિલાયન્સ ક્ધઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે (આર.સી.પી.એલ.) આજે જાહેરાત કરી છે કે તેણે શ્રીલંકામાં મુખ્યમથક ધરાવતા એલિફન્ટ હાઉસ સાથે એલિફન્ટ હાઉસ બ્રાન્ડના બેવરેજીસના ભારતમાં ઉત્પાદન, માર્કેટિંગ, વિતરણ અને વેચાણ માટે ભાગીદારી કરી છે.
આ જોડાણ કેમ્પા, સોસ્યો અને રાસ્કિક જેવી આઇકોનિક બ્રાન્ડ્સ ધરાવતી આર.સી.પી.એલ.ને તેના બેવરેજીસના પોર્ટફોલિયોમાં વૃધ્ધિ કરવામાં મદદ કરવા ઉપરાંત ભારતીય ગ્રાહકો માટે અસાધારણ નવા ઉત્પાદનો અને વેલ્યુ પ્રોરોઝીશન્સ પણ રજૂ કરશે.
એલિફન્ટ હાઉસની માલિકી સિલોન કોલ્ડ સ્ટોર્સ પીએલસી પાસે છે, જે શ્રીલંકાના સૌથી મોટા લિસ્ટેડ સમૂહ જ્હોન કીલ્સ હોલ્ડિંગ્સ પીએલસીની પેટાકંપની છે. એલિફન્ટ હાઉસ બ્રાન્ડ હેઠળ નેક્ટો, ક્રીમ સોડા, ઇ.જી.બી. (જીંજર બિયર), ઓરેન્જ બાર્લી અને લેમોનેડ સહિતના પીણાંઓની વિશાળ શ્રેણીનું ઉત્પાદન અને વેચાણ કરે છે.
આ ભાગીદારી અંગે બોલતા રિલાયન્સ ક્ધઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડના સીઓઓ કેતન મોદીએ જણાવ્યું હતું કે, બજારમાં મજબૂત વિશ્વસનીયતા ધરાવતા એલિફન્ટ હાઉસ પાસે સમૃધ્ધ વારસો ધરાવતી આઇકોનિક બ્રાન્ડ છે. આ ભાગીદારી અમારા વધતા જતા એફ.એમ.સી.જી. પોર્ટફોલિયોમાં તેના ખૂબ જ પ્રિય પીણાં જ નહીં ઉમેરે, પરંતુ અમારા ભારતીય ગ્રાહકોને ગુણવત્તાયુક્ત ઉત્પાદનો દ્વારા શ્રેષ્ઠ પસંદગી અને વેલ્યુ પ્રપોર્શન પણ પૂરા પાડશે. અનેક સુપ્રસિધ્ધ વૈશ્વિક બ્રાન્ડ્સના ભારતમાં કસ્ટોડિયન હોવાને કારણે રિલાયન્સ એલિફન્ટ હાઉસની 150 વર્ષમાં તૈયાર થયેલી સ્થાપિત ક્ધઝ્યુમર બ્રાન્ડના વધુ વિસ્તરણ માટે સુસજ્જ છે.
જ્હોન કીલ્સ ગ્રૂપના ચેરપર્સન ક્રિશન બાલેન્દ્રાએ જણાવ્યું હતું કે, અમે એલિફન્ટ હાઉસ બ્રાન્ડના ભારતીય બજારમાં વિસ્તરણની જાહેરાત કરતાં ગર્વ અનુભવીએ છીએ. રિલાયન્સ ક્ધઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ સાથેની અમારી ભાગીદારી અમારા હેરિટેજ બ્રાન્ડની સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે અને અમારા ઉચ્ચ-ગુણવત્તાવાળા બેવરેજીસને નવા ગ્રાહક સમૂહ સુધી પહોંચાડવાની અમારી પ્રતિબદ્ધતાને રજૂ કરે છે. અમે ભારતીય ગ્રાહકોની વિવિધ પસંદગીઓને પહોંચી વળવા માટે પ્રેરણાદાયક અને નવીન પીણાના વિકલ્પો પૂરા પાડવા માટે આ ભાગીદારી થકી આવનારી તકની રાહ જોઈ રહ્યા છીએ.
કંપની હાલમાં એક વૈવિધ્યપૂર્ણ એફ.એમ.સી.જી. પોર્ટફોલિયો ધરાવે છે, જેમાં કેમ્પા અને સોસ્યો હજૂરી સહિતની આઇકોનિક બેવરેજ બ્રાન્ડ્સ, લોટસ ચોકલેટ્સ, ટોફીમેન જેવી ક્ધફેક્શનરી રેન્જ અને એલન્સ બગલ્સ તથા મસ્તી ઓયે જેવા સ્નેક્સ ઉપરાંત શ્રીલંકાની અગ્રણી બિસ્કિટ બ્રાન્ડ માલિબનની સાથે ઇન્ડિપેન્ડેન્સ બ્રાન્ડ હેઠળ દૈનિક જરૂરિયાતની ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. હોમ અને પર્સનલ કેરમાં કંપની પાસે ડીશવોશિંગ લિક્વિડ, લોન્ડ્રી ડિટર્જન્ટ, સાબુ અને ટોઇલેટ ક્લીનર્સ જેવા ઉત્પાદનો છે.