- ડીઝલના વેચાણમાં બંને રિફાઇનર્સનો હિસ્સો માર્ચમાં 25.7% રહ્યો : બન્ને કંપનીઓ ઓછા ભાવને કારણે મોટા ગ્રાહકોને આકર્ષિત કરી રહી છે
ખાનગી ક્ષેત્રની રિફાઇનર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને રોઝનેફ્ટ સમર્થિત નયારા એનર્જીએ દેશના જથ્થાબંધ ડીઝલ વેચાણના કારોબારના ચોથા ભાગ પર કબજો કર્યો છે.
ઉદ્યોગના ડેટા અનુસાર, માર્ચમાં ડીઝલના સીધા અથવા જથ્થાબંધ વેચાણમાં રિલાયન્સનો હિસ્સો 14.8% હતો, જે એક વર્ષ અગાઉ 13.3% હતો અને 2021ના સમાન મહિનામાં 9.3% હતો. નયારા એનર્જીનો હિસ્સો માર્ચમાં વધીને 10.9% થયો જે એક વર્ષ અગાઉ 8.7% અને 2021 માં 2.6% હતો.
બંને રિફાઇનર્સનો હિસ્સો માર્ચમાં 25.7% હતો, જે ગયા વર્ષે 22% અને 2021માં 11.9% હતો. ખાનગી કંપનીઓ આક્રમક મૂલ્ય દરખાસ્તો સાથે મોટા ગ્રાહકોને આકર્ષિત કરી રહ્યા છે. રેલ્વે, રાજ્ય માર્ગ પરિવહન વિભાગ, ખાણકામ અને અન્ય ઉદ્યોગો મોટા પ્રમાણમાં ડીઝલનો વપરાશ કરે છે અને સીધા રિફાઈનર પાસેથી ખરીદે છે. પ્રાઈવેટ સેક્ટરના વધતા કારોબારને કારણે માર્ચમાં સરકારી રિફાઈનરીઓનો બજાર હિસ્સો ઘટીને 74.3% થયો હતો. સરકારી રિફાઈનરીઓમાં, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન જથ્થાબંધ ડીઝલના વેચાણમાં અગ્રેસર હતું, ત્યારબાદ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન આવે છે.વાર્ષિક ધોરણે માર્ચમાં દેશમાં ડીઝલના કુલ જથ્થાબંધ વેચાણમાં 27%નો વધારો થયો છે. જો કે, 2021 માં સમાન મહિનાની તુલનામાં વેચાણ 7% ઓછું હતું.
દેશમાં ડીઝલના કુલ વેચાણમાં જથ્થાબંધ વેચાણનો હિસ્સો લગભગ 12% છે, જ્યારે બાકીનું વેચાણ પંપ દ્વારા કરવામાં આવે છે. માર્ચમાં વાર્ષિક ધોરણે પંપ પર ડીઝલનું વેચાણ 1% કરતા ઓછું વધ્યું છે. જોકે, માર્ચ 2021ના સ્તરથી ડીઝલના પંપના વેચાણમાં 14.5%નો વધારો થયો છે.
માર્ચમાં ડીઝલના છૂટક વેચાણમાં ખાનગી ક્ષેત્રના પંપનો હિસ્સો માત્ર 10% હતો, જ્યારે બાકીનો 90% સરકારી રિફાઈનર્સનો હતો. ડીઝલ રિટેલ વેચાણમાં રિલાયન્સનો હિસ્સો 4.6% અને નાયરા એનર્જીનો હિસ્સો 5.4% હતો. નયારા એનર્જી 6,600 પંપનું સંચાલન કરે છે અને રિલાયન્સ 1,700 પંપનું સંચાલન કરે છે, જે દેશના કુલ પંપના દસમા ભાગનો છે.