સિંહોને વિશ્ર્વસ્તરીય આરોગ્ય ચકાસણી અને સારવારનું સુવિધા ઉપલબ્ધ બનાવવા આફ્રિકા, યુએસ અને યુરોપના નિષ્ણાંત પશુ ચિકિત્સકોને બોલાવવા જોઈએ.
વિશ્ર્વમાં એશિયાઈ સિંહોના એકમાત્ર રહેઠાણ ગીર રાષ્ટ્રીય ઉધાન અને વન્યજીવ અભયારણ્ય તથા બૃહદ ગીર વિસ્તારમાં દલખાણીયા રેન્જમાં સપ્ટેમ્બર ૧૨, ૨૦૧૮થી અત્યાર સુધીમાં થયેલા ૨૩ સિંહોના મોતને ધ્યાનમાં લેતા વન્યજીવ પ્રેમી અને રાજય સભા સાંસદ પરિમલ નથવાણીએ કેન્દ્ર તથા રાજય સરકારને ગીરમાં એશિયાઈ સિંહોને વિશ્ર્વસ્તરીય આરોગ્ય ચકાસણી અને સારવાર પુરી પાડવા માટે આફ્રિકા, યુ.એસ અને યુરોપમાંથી વિદેશી પશુચિકિત્સા નિષ્ણાતોની ટીમ બોલાવવા અનુરોધ કર્યો છે.
નથવાણીએ જણાવ્યું હતું કે, ગીર નેશનલ પાર્ક અને વન્યજીવ અભયારણ્યની બહાર સિંહોની સંભાળ લેવા માટે કર્મચારીઓની સંખ્યા અપુરતી છે. લગભગ ૧૬૭ જેટલા સિંહો સુરક્ષિત વિસ્તારની બહાર છે અને દરેક ગાર્ડે ૧૫-૨૦ ગામડા ફરવા પડે છે. તેમણે ઉમેર્યું હતું કે, ગીર અને બૃહદ ગીર વિસ્તારમાં સિંહોની સંખ્યા વધતા લગભગ ૩૦ ટકા જેટલા સિંહ સુરક્ષિત વિસ્તારની બહાર વસવાટ કરે છે. આ સિંહો પર ગેરકાયદે લાયન શો અને અકુદરતી મોતનો ભય રહેલો છે, એમ તેમણે જણાવ્યું હતું.
તેમણે યાદ કરાવ્યું હતું કે કેનાઈન ડિસ્ટેમ્પર વાઈરસ (સી.ડી.વી) અને પ્રોટોઝોન ચેપને કારણે સન ૧૯૯૪માં તાઝાનિયાના સેરેનગેટી રીઝર્વમાં લગભગ ૧૦૦૦ સિંહોના મોત નિપજયા હતા. આફ્રિકા, યુ.એસ અને યુરોપના નિષ્ણાંત પશુચિકિત્સકો આ રોગચાળાને કારણે થતા સિંહોના મૃત્યુને રોકવાનો અનુભવ ધરાવે છે તેથી ભારત સરકાર અને ગુજરાત સરકારે તેમનો સંપર્ક કરીને તેમને ગીરમાં લઈ આવવા જોઈએ. આ નિષ્ણાંતો સિંહોની આરોગ્ય ચકાસણીમાં અને રોગના ફેલાવાને રોકવામાં મદદ કરશે એમ નથવાણીએ જણાવ્યું હતું.
વધુમાં કહ્યું કે સિંહોની સંખ્યાના પ્રમાણમાં તેમની સારવાર માટેની સુવિધા અપુરતી છે. પશુ ચિકિત્સકોની સંખ્યા પણ એક કે બે જ છે. ખરેખર તો સિંહો માટે ખાસ ઈન્સેટિવ કેર એમ્બ્યુલન્સ પ્રકારની સુવિધા હોવી જોઈએ જેથી બિમાર કે ઘાયલ સિંહને ચિકિત્સા માટે લાવતા લાવતા એમ્બ્યુલન્સમાં જ સારવાર આપવાનું શરૂ કરી શકાય. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, સરકાર પાસે જંગલમાં રખડતા કુતરાઓના ત્રાસને રોકવા માટે પણ કોઈ યોજના નથી. સી.ડી.વી.નો ચેપ કુતરાઓને પણ લાગે છે અને તેમના દ્વારા પણ આ રોગ ફેલાય છે.
જો સરકાર નીલગાયને મારવા અંગે વિચારણા કરી શકતી હોય તો કુતરાઓના ત્રાસને દુર માટે પણ વિચારણા કરવી જોઈએ. માત્ર ગુજરાત અને ભારતના જ નહીં પરંતુ સમગ્ર વિશ્ર્વના ગર્વ સમાન એશિયાઈ સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે ગુજરાત અને ભારત સરકાર વધારે ધ્યાન આપે તે માટેનો સમય પાકી ગયો છે એમ નથવાણીએ જણાવ્યું હતું.
સિંહોના લાંબાગાળાનાં સંવર્ધનના ભાગરૂપે, ઈકો-સેન્સિટીવ ઝોનનો વિસ્તાર વધારવો જોઈએ. પર્યાવરણ, વન અને જળ-વાયુ પરિવર્તન વિભાગના સુચન અનુસાર ઈકો-સેન્સિટીવ ઝોન સુરક્ષિત વિસ્તારથી ૧૦ કિલોમીટર સુધીનો હોય શકે છે પરંતુ ગુજરાતમાં આ વિસ્તાર સુરક્ષિત વિસ્તારની સરહદથી માત્ર ૧૦૦-૫૦૦ મીટર જેટલો જ છે એમ નથવાણીએ જણાવ્યું હતું.
તેમણે એમ પણ જણાવ્યું કે ગીર જંગલ આસપાસના રેવન્યુ ક્ષેત્રમાંથી થોડા સિંહોને જામનગર પોરબંદરની પાસેના બરડા ડુંગરના જંગલ તથા વાંકાનેર પાસે રામપરા-વીરડીના જંગલમાં ખસેડવા જોઈએ કારણકે આ જંગલ વિસ્તારોનું વાતાવરણ ગીરને મળતું આવે છે અને સિંહોને અનુકૂળ પણ છે. નથવાણીએ આ બાબતોને ધ્યાનમાં રાખીને પર્યાવરણ, વન અને જળ-વાયુ પરિવર્તન મંત્રી ડો.હર્ષવર્ધન, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ગુજરાતના વન મંત્રી ગણપતસિંહ વસાવાને પત્રો લખ્યા છે.