પૂ. આચાર્યદેવ રાજયશસૂરીશ્વરજી મ.સા.ના 78મા જન્મવર્ષમાં મંગલમય પ્રવેશ અવસરે
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી દ્વારા સંકલિત આ બન્ને પુસ્તકો ગુજરાત રાજ્યના સરકારી પુસ્તકાલયોને ભેટ અપાશે
જૈનકુળમાં જન્મેલા ઝવેરચંદ મેઘાણીએ માત્ર 12 વર્ષની વયે જૈન પાઠશાળામાં પ્રથમ કાવ્યની રચના કરી હતી
સ્વાતંત્ર્ય-સંગ્રામ નિમિત્તે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ રચેલાં દેશભક્તિનાં 15 શૌર્યગીતોનો સંગ્રહ સિંધુડો ઐતિહાસિક ધોલેરા સત્યાગ્રહ અવસરે – 06 એપ્રિલ 1930ના રોજ પ્રસિધ્ધ થયો હતો. આઝાદી કા અમૃત મહોત્સવ અને ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી વર્ષ અંતર્ગત તથા ધોલેરા સત્યાગ્રહ – સિંધુડોની 92મી જયંતી નિમિત્તે ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા સિંધુડોની નવીન સંવર્ધિત આવૃત્તિ પ્રગટ કરાઈ છે.
ગીતાર્થ ગચ્છાધિપતિ પૂ. આચાર્યદેવ રાજયશસૂરીશ્વરજી મ.સા.ના 78મા જન્મવર્ષમાં મંગલમય પ્રવેશ પ્રસંગે તથા પ્રવર્તિની પૂ. સાધ્વીવર્યા વાચંયમા જી મ.સા. (પૂ. બેન મ.સા.)ના 73મા સંયમવર્ષ પ્રવેશ (વૈશાખ વદ છઠ્ઠ)ના મંગલમય અવસરે અમદાવાદ સ્થિત શ્રી સોલા રોડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, લબ્ધિ-વિક્રમનગર ખાતે સિંધુડો અને મેઘાણીગાથાની નવીન સંવર્ધિત આવૃત્તિનું વિમોચન કરાયું હતું. મુનિરાજ શ્રી યશેશયશ વિજય મ.સા.ની પ્રેરણાથી સાહિત્યપ્રેમી ગુરુભક્ત પરિવાર તરફથી આ બન્ને પુસ્તકો ગુજરાત રાજ્યના સરકારી પુસ્તકાલયોને ભેટ અપાશે. નાનપણથી જ રાષ્ટ્રીય-ભાવના ધરાવતાં અને ધોલેરાનાં મૂળ વતની પૂ. બેન મ.સા.એ લીંબડીમાં શાળા-અભ્યાસ દરમિયાન ઝવેરચંદ મેઘાણીને પ્રત્યક્ષ ગાતાં સાંભળ્યાં હતાં.
જૈનકુળમાં જન્મેલા ઝવેરચંદ મેઘાણીએ માત્ર 12 વર્ષની વયે જૈન પાઠશાળામાં પ્રથમ કાવ્યની રચના કરી હતી. આથી આનું સવિશેષ મહત્વ છે. તપાગચ્છાધિપતિ પૂ. આચાર્યદેવ મનોહરકીર્તિસાગરસૂરીશ્વરજી મ.સા., ગચ્છાધિપતિ પૂ. આચાર્યદેવ રાજયશસૂરીશ્વરજી મ.સા., પ્રવર્તિની પૂ. સાધ્વીવર્યા વાચંયમાશ્રીજી મ.સા. (પૂ. બેન મ.સા.), પૂ. સાધુ પૂ. સાધ્વીજી ભગવંતોની પાવન નિશ્રામાં યોજાયેલ વિશેષ કાર્યક્ર્મમાં પિનાકી મેઘાણી ઉપરાંત ગુજરાત રાજ્યના નિવૃત્ત મુખ્ય સચિવ અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવીણભાઈ કે. લહેરી (આઈએએસ), ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ, ગુજરાત રાજ્યના ગ્રંથાલય નિયામક ડો. પંકજભાઈ ગોસ્વામી, ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર અને શિક્ષણવિદ્ ડો. જયેન્દ્રસિંહ જાદવ, વિવિધ જૈન સંઘના અગ્રણીઓ રોહિતભાઈ શાહ, મહેશભાઈ શાહ, પ્રવીણભાઈ આત્મારામ, મુકતકભાઈ કાપડીયા, લોકગાયિકા રાધાબેન વ્યાસ, ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ (રાણપુર) અને ભારત સરકારના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (કે.વી.આઈ.સી.)ની સેન્ટ્રલ ખાદી માર્ક કમિટીના ચેરમેન ગોવિંદસિંહ ડાભી, સ્વરાંજલી અર્પી હતી.28 એપ્રિલ 2022 (ગુરુવાર)ના રોજ સાંજે 5 કલાકે ધોલેરા (ગાંધી ચોક, જૈન ઉપાશ્રય પાસે, મેઈન બજાર) ખાતે કલાત્મક તકતીનું અનાવરણ કરવામાં આવશે. ધંધુકા (જિલ્લા પંચાયતનું રેસ્ટ-હાઉસ, રેલ્વે-ફાટક પાસે) ખાતે રાત્રે 8.30 કલાકે મેઘાણી વંદના (કસુંબલ લોકડાયરો)માં ખ્યાતનામ લોકકલાકારો અભેસિંહ રાઠોડ, રાધાબેન વ્યાસ, હરિસિંહ સોલંકી અને પંકજ ભટ્ટ રમઝટ બોલાવશે.