- આર્ય સમાજના 150માં સ્થાપના દિનના પાવન અવસરે
- દયાનંદ સરસ્વતીજી માત્ર વેદોની મીમાંસા કરનારા ઋષિ નહોતા, પરંતુ દેશમાં નૂતન સાંસ્કૃતિક યાત્રાનો પ્રકાશ પાથરનાર મહર્ષિ હતા: રક્ષા મંત્રી રાજનાથ સિંહ
મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200મી જયંતિની ઉજવણીની શૃંખલામાં નવી દિલ્હી ખાતે રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં સ્મૃતિ ટપાલ ટિકિટનું વિમોચન કરવામાં આવ્યું હતું.
આર્ય સમાજની સ્થાપનાના 150મા વર્ષના આરંભ પ્રસંગે યોજાયેલા આ સમારોહમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે,
રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, 200 વર્ષ પહેલાં જ્યારે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીનો જન્મ ગુજરાતમાં થયો હતો, ભારતીયોને રાજકીય અને સાંસ્કૃતિક રીતે ગુલામ બનાવવાના વિવિધ યોજિત પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. તેવા સમયમાં મહર્ષિ દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજ દ્વારા લોકોમાં રાષ્ટ્રીય અને સાંસ્કૃતિક આત્મવિશ્વાસ જણાવવાનું કાર્ય કર્યું હતું.
રાજનાથ સિંહજી એ જણાવ્યું કે, મહર્ષિ દયાનંદ સરસ્વતી માત્ર વેદોના મીમાંસા કરનારા ઋષિ નહોતા, પરંતુ સમગ્ર દેશમાં નૂતન સાંસ્કૃતિક યાત્રાનો પ્રકાશ પાથરનારા મહર્ષિ હતા.
આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રેરણાદાયી ઉદબોધનમાં ભારતીય સાંસ્કૃતિક વારસો, વૈદિક પરંપરાઓ અને આર્ય સમાજના ઐતિહાસિક યોગદાન પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના જીવન અને તેમના દ્વારા સ્થાપિત આર્ય સમાજના ઉદ્દેશ્યોને યાદ કરતાં કહ્યું કે, આર્ય સમાજના વિચારો ભારતના પુનર્જાગરણનો મૂળ આધાર છે. આ ગૌરવભર્યું છે કે આર્ય સમાજે હિન્દી ભાષા અને ભારતીય સંસ્કૃતિને સાચવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
આચાર્ય દેવવ્રતજીએ આર્ય સમાજના 10 નિયમોમાં ઉલ્લેખિત છઠ્ઠા નિયમ ‘સંસાર પર ઉપકાર કરવો’ પર વિશેષ ભાર મુક્યો.
આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીએ આર્ય સમાજે રાષ્ટ્ર અને સમાજના ઉત્થાનમાં આપેલા યોગદાનની પ્રશંસા કરી અને પ્રધાનમંત્રીના ‘વિકસિત ભારત’ના દ્રષ્ટિકોણનું સમર્થન કર્યું હતું.
મહર્ષિ દયાનંદ સરસ્વતીના શિષ્ય સ્વામી શ્રદ્ધાનંદજી દ્વારા વર્ષ 1902માં ગુરુકુલ કાંગડીની સ્થાપનાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, ગુરુકુલોની સ્થાપનાનો હેતુ એવો દેશભક્ત યુવા તૈયાર કરવાનો હતો, જે માત્ર ભારતની સ્વતંત્રતામાં જ નહીં, પરંતુ દેશની સંસ્કૃતિ, પરંપરાઓ અને વૈદિક મૂલ્યોને પુનજીર્વિત કરવામાં યોગદાન આપે. આર્ય સમાજે આ દિશામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે
આ પ્રસંગે જ્ઞાનજ્યોતિ મહોત્સવ સમિતિના અધ્યક્ષ સુરેન્દ્રકુમાર આર્ય, સાર્વદેશીક આર્યવીર દળના અધ્યક્ષ સ્વામી દેવવ્રત સરસ્વતી, સર્વત્રિક આર્ય પ્રતિનિધિ સભાના વરિષ્ઠ સભ્ય પ્રકાશ આર્ય, આર્ય યુવા સમાજના અધ્યક્ષ યોગી સૂરી, દિલ્હી ભાજપના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા, સ્વાગત સમિતિના સભ્ય રાકેશ ગ્રોવર, શ્રીમતી સુષ્મા શર્મા, યોગેશ અત્રે, દિલ્હી આર્ય પ્રતિનિધિ સભાના જનરલ સેક્રેટરી વિનય આર્ય, દિલ્હીની ટ્રેઝરર વિદ્યામિત્તર ઠુકરાલ, ચીફ પોસ્ટ માસ્ટર જનરલ (દિલ્લી સર્કલ) કર્નલ અખિલેશકુમાર પાંડે, દિલ્હીની આર્ય પ્રતિનિધિ સભાના અધ્યક્ષ ધર્મપાલ આર્ય, આર્ય કેન્દ્રિય સભા દિલ્હીના અધ્યક્ષ સુરેન્દ્રકુમાર રેલ્લી, જનરલ સેક્રેટરી સતીશચંદ્ર ચડ્ઢા, તેમજ અનેક સામાજિક આગેવાનો, મહાનુભાવો અને મોટી સંખ્યામાં આર્ય સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.