ચોમાસા સુધી દૈનિક 20 મિનિટ પાણી વિતરણ વ્યવસ્થા ટકાવી રાખવા મ્યુનિ.કમિશનર અમિત અરોરાનો સરકારને પત્ર
રાજકોટનો વ્યાપ અને વસતી સતત વધી રહી છે. જેની સામે હયાત પાણીના સ્ત્રોતમાં કોઇ વધારો થતો નથી. ચોમાસામાં જળાશયો ઓવરફ્લો થઇ જાય છે પરંતુ ચાર મહિનામાં આ બધા પાણીનો વપરાશ થઇ જતો હોવાના કારણે સરકાર સમક્ષ ખોળો પાથરવાની જરૂરિયાત ઉભી થાય છે. આજી ડેમ આગામી 15 ફેબ્રુઆરીએ જ્યારે ન્યારી ડેમ 31મી મે એ ડૂકી જશે. શહેરીજનોને નળવાટે નિયમિત 20 મિનિટ પાણી પુરૂં પાડવા માટે આજી અને ન્યારી ડેમમાં સૌની યોજના અંતર્ગત 1350 એમસીએફટી નર્મદાના નીર ઠાલવવા માટે મ્યુનિ.કમિશનર અમિત અરોરા દ્વારા રાજ્ય સરકારને પત્ર લખવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ પત્રમાં આજી ડેમમાં 1080 અને ન્યારી ડેમમાં 270 એમસીએફટી પાણી ઠાલવવાની માંગણી કરવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ હાલ શહેરમાં દૈનિક 20 મિનિટ પાણી વિતરણ કરવા માટે 360 એમએલડીની જરૂરિયાત રહે છે. જે પૈકી 140 એમએલડી પાણી આજી ડેમમાંથી, 70 એમએલડી પાણી ન્યારી ડેમમાંથી અને 40 એમએલડી પાણી ભાદર ડેમમાંથી લેવામાં આવશે. જ્યારે 110 એમએલડી પાણી જીડબલ્યૂઆઇએલ મારફત નર્મદા પાઇપલાઇન યોજના દ્વારા ન્યારા અને બેડી ઓફ ટેક ખાતે લેવામાં આવે છે. આજી-1 ડેમમાં હાલ 600 એમસીએફટી પાણી છે. જે 15 ફેબ્રુઆરી સુધી સાથ આપશે.
જ્યારે ન્યારી-1 ડેમમાં 945 એમસીએફટી પાણી સંગ્રહિત છે. જે 31મી મે સુધી સાથ આપશે. ત્યારબાદ આ બંને જળાશયોમાં અનુક્રમે 243 અને 250 એમસીએફટી પાણી ઉપલબ્ધ હશે. જેમાં મોટાભાગે ડેડ વોટર હશે. રાજકોટવાસીઓને ચોમાસા સુધી નળવાટે નિયમિત 20 મિનિટ પાણી આપી શકાય તે માટે આજી ડેમમાં 1080 એમસીએફટી અને ન્યારી ડેમમાં 270 એમસીએફટી જળજથ્થાની જરૂરિયાત રહેશે. પાણી વિતરણ વ્યવસ્થા ટકાવી રાખવા માટે બંને ડેમોમાં સૌની યોજના અંતર્ગત 1350 એમસીએફટી નર્મદાના પાણી ઠાલવવાની જરૂરિયાત રહેશે.
મ્યુનિ.કમિશનર અમિત અરોરા દ્વારા રાજ્ય સરકારના નર્મદા જળ સંપતિ અને કલ્પસર વિભાગને સંબોધીને લખવામાં આવેલા આ પત્રમાં એવી માંગણી કરવામાં આવી છે કે શહેરની પાણી વિતરણ વ્યવસ્થા ચોમાસા સુધી સુચારુંરૂપે જળવાય રહે તે માટે અગાઉની માફક રાજ્ય સરકાર દ્વારા રાજકોટને સૌની યોજના અંતર્ગત નેટ-1350 એમસીએફટી જળજથ્થો આપવામાં આવે જેમાં આગામી 25મી જાન્યુઆરીથી આજી ડેમમાં 1080 એમસીએફટી પાણી ઠાલવવાની જ્યારે 1 મે, 2023થી ન્યારી ડેમમાં 270 એમસીએફટી પાણી ઠાલવવાની શરૂઆત કરવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે. એકમાત્ર ભાદર ડેમમાં રાજકોટને આખું વર્ષ ચાલે તેટલું પાણી હાલ સંગ્રહિત છે.