વૈશ્ર્વિક મહામારી બની ગયેલા કોરોનાને મહાત આપવામાં મહદઅંશે ભારત અને ખાસ કરીને ગુજરાત સવિશેષ સફળ રહેવા પામ્યું છે. એક બાદ એક વાયરામાં સંક્રમણના દરના ઘટાડા અને રિકવરી રેટ વધારવામાં ગુજરાતે કોરોના ખુબજ સારી રીતે મહાત આપી છે. બીજા વાયરાના ખાત્મા સુધી પહોંચેલા ગુજરાતમાં કોરોનાના પગલે લગાવાયેલ આંશિક પ્રતિબંધમાં છુટછાટ આપવાનો નિર્ણય યોગ્ય સમયે કરવામાં આવેલો નિર્ણય બની રહેશે.
રાજ્યના 36 શહેરોમાં નિયમો હળવા કરી સવારે 9:00 થી 3:00 સુધી દુકાનો ખુલ્લી રાખવાના નિર્ણયથી નાના ધંધાર્થીઓ અને ખાસ કરીને સ્વનિર્ભર કામદારોની તૂટી ગયેલી આર્થિક કડી સંધાઈ જશે.
રાજ્યમાં કોરોનાના કેસો ઘટી રહ્યાં છે અને બીજો દૌર અંત તરફ આગળ વધી રહ્યો છે ત્યારે રાજ્યના 8 મહાનગરો સહિત 36 શહેરોમાં આવશ્યક ચીજવસ્તુઓ વહેંચતી દુકાનો સીવાય, નાના-મોટા ધંધાર્થી પર લગાવાયેલ આંશિક પ્રતિબંધ જેવી પરિસ્થિતિ આજથી હટાવી લેતા તમામ દુકાનો, સંસ્થાઓ, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પલેક્ષ, માર્કેટીંગ યાર્ડ, બ્યુટી પાર્લર અને ખાસ કરીને હેર કટીંગ સલુન બપોર સુધી ખોલવાની છુટથી નાના અને મધ્યમ વર્ગના અટકી પડેલા ધંધામાં આજથી નવ સંચાર થશે. સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સરકારે બિનજરૂરી રીતે પ્રજાની હાલાકી ન થાય તે માટે હવે જ્યારે ગુજરાતમાંથી કોરોનાની વિદાય નજીક છે તેવા સંજોગોમાં લોકો અને ખાસ કરીને મધ્યમ અને નાના વર્ગના લોકોની આર્થિક તુટેલી કડી જોડાઈ જાય તે માટે આર્થિક પ્રતિબંધોની હળવાશ યોગ્ય અને ઉચિત સમયે કરવામાં આવી છે.
કોરોના હવે વિદાય ભણી છે પરંતુ ત્રીજી લહેરની ઘાત લટકી રહી છે તેવા સંજોગોમાં સરકાર દ્વારા પ્રજાની સંવેદના અને જરૂરીયાતોને ધ્યાને લઈ આંશિક પ્રતિબંધો હળવા કર્યા છે ત્યારે સરકાર અને તંત્રની સાથે સાથે પ્રજાની પણ એક જવાબદારી બનશે કે આંશિક છુટછાટમાં કોવિડની ગાઈડ લાઈનનું જરા પણ ઉલ્લંઘન ન થાય તેની સાવચેતી રાખવી જોશે. કોરોના જલ્દીથી પીછો છોડે તેમ નથી. એક બાદ એક નવા વેરીએન્ટ આવશે જ તેવા સંજોગોમાં રસીકરણનું કવચ અને સાવચેતી જ કોરોના સામે જીત અપાવવાની છે ત્યારે ધંધા-રોજગાર અને નાની-મોટી પ્રવૃતિઓ ચાલુ કરવામાં આવી છે ત્યારે કોવિડ-19ની ગાઈડ લાઈન જાળવવી જરૂરી છે. મોટા ઉદ્યોગો અને ધંધાની પુરક કડી એવા નાના-મોટા વ્યવસાયો અને સ્વરોજગાર કામદારોની પ્રવૃતિથી જ ઉદ્યોગ-ધંધાઓ પૂર્ણ રીતે ચાલી શકે છે.
કોરોનાની લહેર ચરમસીમાએ હતી ત્યારે બિનજરૂરી લોકડાઉન નિવારીને રાજ્યના વધુ અસરગ્રસ્ત નાના-મોટા 36 શહેરોમાં આંશિક પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા. હવે કોરોના સંપૂર્ણપણે કાબુમાં છે ત્યારે આર્થિક વ્યવસ્થા પુન: ધબકતી થાય. નાના-મધ્યમ અને ગરીબ વર્ગના રોજગાર નીમીત બને, નાના ધંધાર્થીઓ કામ ધંધા કરી શકે તે માટે આજથી આંશિક પ્રતિબંધોમાં અપાયેલી છુટછાટ નાના-મધ્યમ વર્ગના વેપાર અને છેવાડાના કામદાર સુધીના વર્ગની તૂટી ગયેલી આર્થિક કડી સંધાઈ જશે.