હાલના આર્મી ચીફનો કાર્યકાળ વધારાશે અથવા નવા છ સેનાના અધિકારીઓને તક અપાશે: પાકિસ્તાનમાં રાજનીતિમાં પણ સેનાનો દબદબો
પાકિસ્તાની સેનાને આ મહિનાના અંત સુધીમાં નવા આર્મી ચીફ મળી શકે છે. જનરલ કમર જાવેદ બાજવા 29 નવેમ્બરે નિવૃત્ત થવાના છે. નવા આર્મી ચીફની નિમણૂક ઉપર વિશ્વના ઘણા દેશોની મીટ છે. પાકિસ્તાનમાં આ નવી નિમણૂકે ભારે ચર્ચા જગાવી છે. બીજી તરફ નવા વડાના વલણ ઉપર ભારત પાકિસ્તાનના સંબંધો નિર્ભર હશે તે પણ સ્પષ્ટ છે.
પાકિસ્તાનમાં નવા આર્મી ચીફની નિમણૂક એ માત્ર સૈન્ય જ નહીં પરંતુ રાજકીય દ્રષ્ટિએ પણ એક મોટો મૂદો છે, જેના પરિણામો પર પડોશી દેશ ભારત સહિત ઘણા દેશોની નજર રહી છે. બાજવાને ત્રણ વર્ષનું એક્સટેન્શન મળ્યું હતું. 2016 માં, તેમને આર્મી સ્ટાફના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્રણ વર્ષની મુદત પછી, 2019 માં, તત્કાલીન ઇમરાન ખાનની આગેવાનીવાળી સરકારે તેમની સેવાને વધુ ત્રણ વર્ષ માટે લંબાવી હતી. લશ્કર એ પાકિસ્તાનની સૌથી પ્રભાવશાળી સંસ્થા છે, જેની સરકારની રચના અને શાસનમાં દખલગીરી રહે છે. પાકિસ્તાનમાં 75માંથી 36 વર્ષ સૈન્ય શાસનના રહ્યા છે. બધા જાણે છે કે પાકિસ્તાનમાં કોઈ પણ સરકાર સેનાની ઈચ્છા વિરુદ્ધ લાંબો સમય ટકી શકતી નથી.
પાકિસ્તાનમાં નવા આર્મી ચીફની નિમણૂક પર પણ ભારત ચાંપતી નજર રાખી રહ્યું છે. ભારત-પાકિસ્તાનના સંબંધો અને કાશ્મીર પર પાકિસ્તાનનું વલણ નવા આર્મી ચીફના હાથમાં રહેશે. 2021 ની શરૂઆતમાં, બાજવાએ એલઓસી પર ભારત સાથે યુદ્ધવિરામ કરારને પુન:સ્થાપિત કરવાની મંજૂરી આપી હતી. હવે જોવાનું એ રહેશે કે નવા આર્મી ચીફના આગમન બાદ એલઓસી પર શાંતિ રહેશે કે પછી પાકિસ્તાન સેના દ્વારા સીઝફાયરનું ઉલ્લંઘન થશે અને સરહદ પારથી આતંકવાદી ગતિવિધિઓ અને ઘૂસણખોરી અટકશે કે વધશે.હાલમાં જનરલ બાજવાનું સ્થાન લેનારાઓમાં છ નામો સામે આવી રહ્યા છે. લે.જનરલ અસીમ મુનીર, લેફ્ટનન્ટ. જનરલ સાહિર શમશાદ મિર્ઝા, લે. જનરલ અઝહર અબ્બાસ, લે.જનરલ નૌમાન મેહમૂદ, લે. જનરલ ફૈઝ હમીદ અને લે. જનરલ મોહમ્મદ અમીર. એવા સંકેતો મળી રહ્યા છે કે શાહબાઝ સરકાર બાજવાનો કાર્યકાળ વધારવા માંગે છે. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા એમ. આસિફે કહ્યું કે સરકાર આર્મી ચીફની નિમણૂક અને સેવાના વિસ્તરણના સંદર્ભમાં વધુ સત્તા આપવા માટે 1952ના આર્મી એક્ટમાં સુધારો કરવાની યોજના બનાવી રહી છે. પ્રસ્તાવિત સુધારો પાકિસ્તાનના વડા પ્રધાનને નવા સૈન્ય વડાની નિમણૂક અને સેવા વધારવા માટે સૂચના જારી કરવાની સત્તા આપે છે, જેના માટે રાષ્ટ્રપતિની મંજૂરી ફરજિયાત રહેશે નહીં.
પાકિસ્તાનમાં નવા આર્મી ચીફની ભૂમિકા ઉપર વિશ્ભવરની મીટ
નવા આર્મી ચીફ ભારત સિવાય અફઘાનિસ્તાનમાં તાલિબાન સાથે પાકિસ્તાનના સંબંધોનું ભવિષ્ય નક્કી કરશે. આવનારા સમયમાં પાકિસ્તાન ચીન કે અમેરિકા તરફ ઝુકાવશે કે કેમ તે નવા આર્મી ચીફના હાથમાં રહેશે. પાકિસ્તાનમાં સેના પર પોતાની વર્ચસ્વ જાળવી રાખવા માટે આંતરિક પ્રક્રિયાઓમાં હસ્તક્ષેપ કરવાનો આરોપ છે. પાકિસ્તાનમાં આજ સુધી કોઈ પણ વડાપ્રધાન પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરી શક્યા નથી. પાકિસ્તાન હાલમાં રાજકીય અને આર્થિક સંકટથી ઝઝૂમી રહ્યું છે અને નવા આર્મી ચીફ તેમાંથી બહાર આવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.