- હિંદુઓ ઉપર વધતા હુમલાને પગલે અમેરિકાએ પણ બાંગ્લાદેશ સરકારને ચેતવી
બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હિંસક ઘટનાઓ વચ્ચે મોહમ્મદ યુનુસ સરકારે અગરતલા કેસમાં ભારતીય હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યું છે. તાજેતરમાં જ અગરતલામાં બાંગ્લાદેશના રાજદ્વારી મિશનમાં તોડફોડની ઘટના બની હતી. બાંગ્લાદેશ સરકારે આ ઘટના અંગે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. વચગાળાની સરકારમાં કાયદાકીય બાબતોના સલાહકારે વિરોધ નોંધાવતા કહ્યું કે ભારતે સમજવું જોઈએ કે આ શેખ હસીનાનું બાંગ્લાદેશ નથી.
વાસ્તવમાં મામલો એવો છે કે બાંગ્લાદેશમાં હિન્દુ સંત ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ અને હિન્દુ સમુદાય પર હુમલાના વિરોધમાં ઉત્તર-પૂર્વીય રાજ્ય ત્રિપુરાની રાજધાની અગરતલામાં સોમવારે હજારો લોકોએ વિશાળ પ્રદર્શન કર્યું હતું. દેખાવકારો બાંગ્લાદેશના આસિસ્ટન્ટ હાઈ કમિશનમાં ઘૂસી ગયા અને કથિત રીતે તોડફોડ કરી. વિદેશ મંત્રાલયે આ ઘટનાને ખૂબ જ ખેદજનક ગણાવી છે. બાંગ્લાદેશના રાજદ્વારી મિશનમાં તોડફોડ કરવા બદલ સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે અને સાત પોલીસકર્મીઓ સામે બેદરકારી બદલ કાર્યવાહી કરવામાં આવી છે.
મંગળવારે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વધતા તણાવ વચ્ચે, સમાચાર આવ્યા કે બાંગ્લાદેશની વચગાળાની સરકારે ભારતીય હાઈ કમિશનર પ્રણય વર્માને બોલાવ્યા. ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ બાંગ્લાદેશમાં ભારતીય હાઈ કમિશનર પ્રણય વર્માએ કહ્યું કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વ્યાપક અને બહુપરિમાણીય સંબંધો છે, જેને કોઈ એક મુદ્દા સુધી સીમિત ન કરી શકાય. તેમણે એમ પણ કહ્યું કે ભારત બાંગ્લાદેશ સાથે સતત, સ્થિર અને રચનાત્મક સંબંધો બનાવવા માંગે છે. વિદેશ મંત્રાલયમાં કાર્યવાહક વિદેશ સચિવ રિયાઝ હમીદુલ્લા સાથેની બેઠક બાદ તેમણે આ ટિપ્પણી કરી હતી.
કાનૂની બાબતોના સલાહકાર આસિફ નઝરુલે ફેસબુક પોસ્ટમાં લખ્યું, અમે સમાનતા અને પરસ્પર સન્માન પર આધારિત મિત્રતામાં વિશ્વાસ કરીએ છીએ. શેખ હસીનાની સરકારે ચૂંટણી વિના સત્તામાં રહેવા માટે ભારત તરફી નીતિ અપનાવી હતી, પરંતુ ભારતે સમજવું જોઈએ કે આ શેખ હસીનાનું બાંગ્લાદેશ નથી.
અમેરિકાએ બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ ચાલી રહેલી હિંસા પર દુ:ખ વ્યક્ત કર્યું છે. ગયા મંગળવારે (3 ડિસેમ્બર), અમેરિકન કોંગ્રેસમેન બ્રાડ શેરમેને એક નિવેદન જારી કરીને બાંગ્લાદેશની વચગાળાની સરકારને હિંદુ લઘુમતીઓનું રક્ષણ કરવા જણાવ્યું હતું. શર્મને બાંગ્લાદેશ હિંદુ બૌદ્ધ ખ્રિસ્તી એકતા પરિષદ અને સંયુક્ત રાષ્ટ્રના માનવ અધિકાર માટેના હાઈ કમિશનર વોલ્કર તુર્ક પાસેથી હિંદુઓ પર થઈ રહેલા અત્યાચાર અંગે તપાસની માંગ કરી હતી.