રેખા ગુપ્તાના રૂપમાં દિલ્હીને નવા મુખ્યમંત્રી મળ્યા છે. રેખા ગુપ્તાએ પીએમ મોદીની હાજરીમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. આ ઉપરાંત, કેબિનેટ મંત્રીઓને પણ શપથ આપવામાં આવ્યા હતા.
રેખા ગુપ્તાએ દિલ્હીની શાલીમાર બાગ વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના બંદના કુમારીને હરાવ્યા હતા. રેખા ગુપ્તાએ આ બેઠક 29000 થી વધુ મતોથી જીતી હતી. રેખા ગુપ્તા સાથે, પ્રવેશ વર્મા, આશિષ સૂદ, પંકજ સિંહ, મનજિન્દર સિંહ સિરસા, કપિલ મિશ્રા અને રવિન્દ્ર ઇન્દ્રજ પણ શપથ લીધા છે.
પ્રવેશ વર્મા સહિત 6 ધારાસભ્યોએ મંત્રી પદના શપથ લીધા
પ્રવેશ વર્મા સહિત છ લોકોએ મંત્રી તરીકે શપથ લીધા. આ યાદીમાં પંકજ સિંહ, આશિષ સૂદ, રવિન્દ્ર ઇન્દ્રરાજ, કપિલ મિશ્રા અને મનજિંદર સિંહ સિરસાના નામ સામેલ છે. આજે મોડી સાંજ સુધીમાં મંત્રાલય અને તેમનો કાર્યભાર પણ સોંપવામાં આવી શકે છે. પંકજ સિંહ બિહારનો રહેવાસી છે અને રાજપૂત ચહેરો છે. આ ઉપરાંત, રવિન્દ્ર ઇન્દ્રજ એક દલિત ચહેરો છે. ભાજપે મંત્રીમંડળમાં તમામ વર્ગોને સ્થાન આપ્યું છે.
પીએમ મોદી સહિત ઘણા મોટા નેતાઓ હાજર રહ્યા હતા
દિલ્હીના મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી સહિત ઘણા મોટા નેતાઓ હાજર રહ્યા હતા. પીએમ મોદી ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ, જેડીયુના કેન્દ્રીય મંત્રી લલ્લન સિંહ, બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી પણ હાજર રહ્યા હતા. શપથ ગ્રહણ સમારોહ દરમિયાન NDA નેતાઓનો મેળાવડો જોવા મળ્યો.
જાણો કોણ છે રેખા ગુપ્તા
રેખા ગુપ્તા મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા તે પહેલા ભાજપમાં તેમની કોઈ મોટી નામના નહતી. જોકે, એવું પણ નથી કે પાર્ટીએ તેમને તક આપી નથી. રેખા ગુપ્તાને વર્ષ 2015 અને 2020ની વિધાનસભા ચૂંટણીમાં શાલીમાર બાગ બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. પરંતુ તે બંને ચૂંટણી હારી ગયા હતા. વર્ષ 2023 માં, તેઓ મેયરની ચૂંટણીમાં પણ શૈલી ઓબેરોય સામે મેદાનમાં ઉતર્યા હતા. ત્યાં પણ રેખાનાં હાથે નિરાશજ લાગી હતી. પરંતુ કોને ખબર હતી કે બે વર્ષ પહેલા મેયરની ચૂંટણી ન જીતી શકનાર એ જ રેખા ગુપ્તા દિલ્હીમાં સત્તાના ટોચના સ્થાને બિરાજશે.
રેખા ગુપ્તા શાલીમાર બાગથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. રેખા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સક્રિય સભ્ય છે. વર્ષ 1996-97માં DUSUના ભૂતપૂર્વ મહાસચિવ અને પ્રમુખ રહી ચૂક્યા છે. 2003-2004 સુધી તેમણે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દિલ્હી રાજ્યના સચિવનું પદ સંભાળ્યું. ઉપરાંત 2004-2006માં તેઓ ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય સચિવ બન્યા. તેઓ 2007-2009 સુધી સતત બે વર્ષ માટે મહિલા કલ્યાણ અને બાળ વિકાસ સમિતિ, MCDના અધ્યક્ષ બન્યા.
રેખા ગુપ્તા વર્ષ 2009માં દિલ્હી ભાજપ મહિલા મોરચાના મહાસચિવ રહી ચૂક્યા છે. તેઓ માર્ચ 2010 થી ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી સભ્ય છે. તે 2007 અને અને 2012માં ઉત્તર પીતમપુરા (વોર્ડ 54)થી બે વાર ચૂંટાયેલા કાઉન્સિલર રહી ચૂક્યા છે. તેઓ 2013 થી સતત વિધાનસભા ચૂંટણી લડી રહ્યાં છે અને 2025માં જીત્યા છે. 1992માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા તેમણે પોતાની રાજકીય સફર શરૂ કરી હતી.