આગામી સમયમાં જરૂરિયાતવાળા લોકોને રાશનકિટ આપવાનો પણ નિર્ધાર
રાજકોટ ખાતે આવેલા નવજીવન ટ્રસ્ટ દ્વારા કોરોનાના કહેર વચ્ચે અને લોકડાઉનની સ્થિતિને અનુસરી જરૂરિયાતમંદ લોકોને ભોજન આપવામાં આવ્યું હતું. નવજીવન ટ્રસ્ટના ફાધર થોમસ દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું હતું. ‘અબતક’ સાથે વાતચીત કરતા ફાધર થોમસે જણાવ્યું હતું કે, કોરોના કહેર પહેલા પણ નવજીવન ટ્રસ્ટ જરૂરિયાતમંદ લોકોને અનેકવિધ પ્રકારે સેવાકાર્ય કરી રહ્યું હતું. ત્યારે હાલ સંસ્થા માટે આ નૈતિક ફરજ બની છે. આ તકે તેમના જણાવ્યાનુસાર રાજકોટના ઘણા ખરા વિસ્તારો કે જ્યાં જરૂરિયાતમંદ લોકોને યોગ્ય સહાય મળતી નથી તે તમામ સ્થળ પર જઈ જરૂરિયાતમંદ લોકોને ભોજન આપવામાં આવે છે.
વધુમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ઘણા ખરા લાભાર્થી ટ્રસ્ટનો સંપર્ક કરી રહ્યાં છે અને જરૂરી ચીજવસ્તુની માંગણી પણ કરે છે. ત્યારે તેઓની સમસ્યાને ધ્યાને લઈ હાલ ગુગલ મારફતે ડેટાબેઝ તૈયાર કરવામાં આવ્યો છે અને તમામને રાશનકીટ પણ આપવામાં આવશે. જ્યારે બીજી તરફ તેઓએ લોકોને અપીલ પણ કરી હતી અને જણાવ્યું હતું કે, આ સમયમાં આપણે એક થઈ સમસ્યાથી મુક્ત થવાનું છે. જેથી તમામ લોકોએ તેમની નૈતિક જવાબદારીઓ સંભાળવી જોઈએ અને તેમને અનુસરવું જોઈએ.
નવજીવન ટ્રસ્ટ દ્વારા આજે અનેકવિધ લોકોએ બપોરનું ભોજન આપવામાં આવ્યું હતું. આ તકે ફાધર થોમસના જણાવ્યા મુજબ નવજીવન ટ્રસ્ટ બપોર અને રાત્રી સમયે તમામ જરૂરિયાતવાળા લોકોને જમવાનું પહોંચાડે છે.