રેકી કરી વેપારીની પુત્રીનું અપહરણ કર્યું’તું
અંજારનાં ત્રણ શખ્સો ઝડપાયા, એક શખ્સની શોધખોળ
અંજારમાંથી વેપારીની પુત્રીનું અપહરણ કરી દસ કરોડની ખંડણી માગવાના ગુનામાં અંજાર પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. આ કેસમાં સંડોવાયેલો અન્ય એક શખ્સ ફરાર હોયતેને પકડવા પોલીસે ઘનિષ્ઠ શોધખોળ હાથ ધરી છે.
આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ગત તા.15.1.21ના રોજ અંજારમાંથી એક વેપારીની દિકરીનું ચાર શખ્સોએ અપહરણ કરી તેની મૂકિત માટે રૂ.10 કરોડની ખંડણી માગી હતી આ અંગે અંજાર પોલીસ પંથકમાં ફરિયાદ કરવામાં આવી હતી.
સરહદી રેન્જ ભૂજનાં પોલીસ મહાનિર્દેશક જે.આર. મોથાલીયા, પર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિકારી મયુર પાટીલે પુર્વ કચ્છ ગાંધીધામ પોલીસને ગુનાનો ભેદ ઉકેલવા આદેશ કરતા અંજાર ડી.વાય.એસ.પી. ડી.એસ. વાઘેલાના માર્ગદર્શન હેઠળ પી.આઈ. એમ.એન. રાણાએ અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી.
દરમિયાન ખાનગી માહિતી મળી હતી કે આરોપીઓ અંજારમાં હોવાથી તેના આધારે વોચ ગોઠવી અંજારમા જૂની કોર્ટ સામે વિજયનગરમા રહેતા હિતેશ ઉર્ફે રાજ જયંતિ કાતરીયા (સોરઠીયા) અંજારનાં સંજયનગરમાં રહેતા રવજી ઉર્ફે રવિ ખીમજી હડીયા (સોરઠીયા) અંજારમાં રાજાકાપડીદાડાનગરમાં રહેતા વિકાસ દયારામ કાતરીયા (સોરઠીયા) અને અંજારમા ચિત્રકુટ 2માં રહેતા હસમુખ બાબુ માળીને પકડી પાડી તેના કબજામાંથી બે કાર 58 મોબાઈલ મળી રૂ. 6.35 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
આ શખ્સોની પૂછપરછમાં ઉપેન્દ્ર વિશ્ર્વકર્માનું નામ ખઊલતા તેની પણ શોધખોળ હાથ ધરાઈ છે.
પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા જાણવા મળ્યા મુજબ હિતેશ ઉર્ફે રાજ ફિલ્મ માર્કેટીંગનું કામ કરતા હોય અને રવજી ઉર્ફે રવિને વિદેશ જવાની હોવાથી રૂપીયાની જરૂરત હતી આથી હિતેશ રાજ અને વેપારીની દુકાનમાં કામ કરતા ઉપેન્દ્ર વિશ્ર્વકમાએ વેપારી પાસે ખૂબ નાણા હોવાનું કહેતા બધાએ સાથે મળી એકાદમાસ પહેલા વેપારીની દિકરીનું અપહરણ કરી તેની મૂકિત માટે દસ કરોડની ખંડણી માગી હતી. આ શખ્સોએ રેકી કરી અપહરણ કર્યું હતુ.
આ ગુનામાં પકડાયેલો હિતેશ ઉર્ફે રાજ, હસમુખ બાબુ અને ઉપેન્દ્ર વિશ્ર્વર્ક્મા એકાદ માસ પહેલા ભૂજમાં હોસ્પિટલ રોડ ઉપર સ્કુટર પર જતા સોની વેપારી પર મરચાની ભૂકી છાંટી તેના થેલામાંથી સોનાનો ચેન તથા મોબાઈલની લૂંટ કરી હોવાનું ખૂલ્યું છે. આ અંગે અંજાર પીઆઈ એમ.એન. રાણાએ વધુ તપાસ હાથ ધરી છે.