બિનખેતીની પ્રક્રિયા ઓનલાઇન થવાથી ભ્રષ્ટાચારીઓને જોરદાર ફટકો પડશે

વિજયભાઈની સરકારે નોકરીથી લઈ RTO અને અનેક સરકારી કામગીરીમાં ટેકનોલોજીનો ઉપયોગ વધારીને કરપ્શન પર જબરદસ્ત કાબૂ મેળવ્યો

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગઈકાલે જાહેરાત કરી કે, બિનખેતીની કામગીરી પણ ઓનલાઈન કરી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરીને સરકાર ભ્રષ્ટાચાર પર કાબૂ મેળવવા વધુ એક નક્કર પગલું લેવા જઈ રહી છે. ગુજરાતમાં જે પ્રકારે ડિજિટલાઈઝેશન થકી ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહી થઈ રહી છે તેની ચોતરફ નોંધ લેવાઈ રહી છે. ભ્રષ્ટાચારના વિરાટ વડલાની ડાળીઓ કાપ્યે કે ટેટા ઉતાર્યે કશું જ ન વળે, આજે એક ડાળખી કાપો તો કાલે દસ નવી ઊગી જાય. તેનાં મૂળમાં સલ્ફયુરિક એસિડનું ટેન્કર ઠાલવો તો આપમેળે વડલો સૂકાતો જાય. વિજયભાઈ અત્યારે મૂળ પર જ પ્રહાર કરી રહ્યાં છે, આ વડલા પર માળો બાંધીને રહેતા ચિબરાઓ, ઘુવડ અને કાગડાઓ એટલે જ ભારે કાગારોળ મચાવે છે. રાજ્યમાં આવેલાં દરેક જિલ્લાની તમામ વિભાગોની પ્રત્યેક ફાઈલ પર CM ડેશબોર્ડ થકી મુખ્યમંત્રીની બાજનજર છે.

ભ્રષ્ટાચાર માટે કોઈ અધિકારી ફાઈલ દબાવી રાખે એ લગભગ અસંભવ છે. બીજી તરફ દરેક વિભાગોમાં પારદર્શકતા આણવા ગંભીર અને નિષ્ઠાસભર પ્રયાસો થઈ રહ્યા છે. GPSC, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ જેવા વિભાગો દ્વારા નોકરી માટે ઓનલાઈન અરજીઓ જ મંગાવાય છે. ગત એક વર્ષમાં રૂપાણી સરકારે 90 હજાર નોકરીઓ આપી, જે તમામ જગ્યાઓ લાયકાત મુજબ ભરવામાં આવી. ખાણોની હરાજી પણ આ વર્ષથી ઓનલાઈન થઈ ગઈ.

RTOમાં લાયસન્સની આખી પ્રક્રિયાનું ડિજિટલાઈઝેશન થઈ ગયું.કોઈ મરદ મૂછાળો જો એમ કહે કે, જેન્યુઈન ટ્રાયલ આપ્યા વગર, પૈસાના કે ઓળખાણના જોરે લાયસન્સ બની જશે તો એ ખોટું બોલે છે. કોઈ દાવો કરી જ ન શકે કે, GPSCની કસોટી અવળા રસ્તે એ પાસ કરાવી દેશે. ઘણાં દોસ્તો કટાક્ષમાં પૂછતાં હોય કે, “અચ્છે દિન ક્યાં છે?” વેલ, અચ્છે દિન એટલે? શું એવો દિવસ ઉગે એટલે વાંસળીના સૂર વહેતા થાય? શું વાતાવરણ હિલ સ્ટેશન બની જાય? નર્મદામાં પાણીની જગ્યાએ શિંગતેલ વહેવા માંડે? શું સાબરમતીમાં ગીર ગાયના A2 દૂધનો પ્રવાહ ધસમસવા લાગે? ના. મેરિટ પર નોકરી મળતી થઈ જાય, ગરીબોને 10 રૂપિયામાં ભરપેટ સાત્વિક ભોજન મળે, ઘેરબેઠાં પણ 7/12 કે 8અ વગેરેની નકલની પ્રિન્ટ કાઢી શકો… આ બધાં સંકેતો પણ અચ્છે દિનના જ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.