વિશ્ર્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસને ભારતમાં ફેલાતો અટકાવવા અગમચેતીનાં પગલા રૂપે દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનનાં કારણે ભારતમાં વિશ્ર્વના અન્ય દેશોની સરખામણીમાં કોરોનાથી ઓછી માનવ ખૂવારી થવા પામી છે. પરંતુ વિશાળ વિસ્તારનાં કારણે દેશભરમાં કોરોનાના કેસો દિન પ્રતિદિન બહાર આવતા રહે છે. જેથી કેન્દ્ર સરકારને લોકડાઉનના સમયગાળામાં ત્રણ વખત વધારો કરવો પડયો છે. વધતા લોકડાઉનના સમયગાળાના કારણે પહેલેથી મંદ પડેલા દેશના અર્થતંત્રને ભારે નુકશાની વેઠવી પડી રહી છે. જેથી કેન્દ્ર સરકારે માંદગીના બિછાને પડેલા અર્થતંત્રને ધબકતુ કરવા શહેરી વિસ્તાર બહારનાં ઔદ્યોગિક એકમોને અમુક શરતોને આધીન ફરીથી પ્રારંભ કરવાની મંજૂરી આપી છે. આ મંજૂરીના પગલે રાજકોટના ઔદ્યોગિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવનારા શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોનના મોટાભાગના ઔદ્યોગિક એકમો ધમધમવા લાગ્યા છે. પરંતુ, લોકડાઉનના કારણે આ ઉદ્યોગોને અનેક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. જેની ‘અબતક’ની ટીમ દ્વારા શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોનનું ગ્રાઉન્ડ ઝીરો રીપોર્ટીંગ કરીને સ્થિતિનો કયાસ મેળવ્યો હતો.
અબતક સાથેની વાતચિત દરમિયાન ડી.કે.ડીઝલના મેનેજર આશિષભાઈ ગઢીયાએ જણાવ્યું હતુ કે અમારે ત્યાં ઈનહાઉસ જેટલા કારીગરો છે જેઓ યુપી બિહારના છે તથા લોકલ બે ત્રણ ઓફીસ સ્ટાફ મારફતે ઉદ્યોગ કરેલ. અમારી પાસે ફકત આઠથી દસ દિવસ ચાલે તેટલું જ મટીરીયલ ઉપલબ્ધ છે. અને પરપ્રાંતીય કારીગરોને અમારાથી બનતી તમામ મદદ કરીએ છીએ. અગર જે કોઈને પોતાના વતન જવું પડે તો તેને સપોર્ટ કરીએ છીએ. ઉદ્યોગોનું ભવિષ્ય ઉજજવળ જ છે. સરકાર અમને મદદરૂપ થશે તો પહેલા જેવા જ ઉદ્યોગો ધમધમશે.
હાલમાં દરરોજ પાંચથી છ કલાક કામ કરવામાં આવે જેમાં સેફટી મજૂરને ધ્યાનમાં રાખવામાં આવે છે. સેનેટાઈઝર મશીન મૂકેલ, માસ્ક આપીએ છીએ અને સોશ્યલ ડીસ્ટન્સ જાળવીએ હાલમાં ટ્રાન્સપોર્ટેશનના અભાવના કારણે રો-મટીરીયલ આવતું નથી. તેથી જેટલું મટીરીયલ ઉપલબ્ધ છે. તેમાં કામ શરૂ કર્યું છે. તંત્ર અને સરકાર પાસે એટલી અપેક્ષા છે કે ધીમેધીમે લોકડાઉન ખૂલે જેથી દૂરથી આવતા લોકો માટે સરળતા રહે.