2 લાખથી વધુ બાકીદારોને વેરાની નોટિસ મોકલી દેવાઇ: નવેમ્બરથી મિલકત સીલ, જપ્તી અને હરાજી સહિતની કાર્યવાહી
રાજકોટ મહાનગર પાલિકા ટેક્સ બ્રાન્ચને ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં રૂ.340 કરોડનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. પ્રથમ છ માસમાં 201 કરોડની આવક થવા પામી છે. દરમિયાન 139 કરોડ રૂપિયાની વસૂલાત માટે આગામી દિવસોમાં ટેક્સની હાર્ડ રિક્વરી શરૂ કરવામાં આવશે.
દિવાળી બાદ ટેક્સ બ્રાન્ચ બાકીદારો પર ધોંસ બોલાવશે. વર્ષોથી વેરો ન ભરનાર બાકીદારોની મિલકત સીલ કરવા, જપ્ત કરવા કે જાહેર હરાજી કરવા સહિતની આકરી કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે ટેક્સ બ્રાન્ચના સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ નાણાકીય વર્ષના પ્રથમ છ માસમાં 3.40 લાખ કરદાતાઓએ ટેક્સ પેટે કોર્પોરેશનની તીજોરીમાં રૂ.201 કરોડ ઠાલવી દીધા છે.
340 કરોડનો ટાર્ગેટ પૂરો કરવા માટે હજુ 139 કરોડની વસૂલાત બાકી છે. આવામાં 2.1 લાખ મિલકતધારકોને બાકી વેરાના બિલ કમ નોટિસ આપી દેવામાં આવી છે. 50 હજાર કે તેથી વધુની બાકી રકમ ધરાવતા બાકીદારોનું હિટ લીસ્ટ તૈયાર કરી દેવામાં આવ્યું છે. રિક્વરી સેલ દ્વારા રૂબરૂ નોટિસ આપી ઉઘરાણી કરવામાં આવી રહી છે. દિવાળીના તહેવાર પૂર્ણ થતાંની સાથે જ હાર્ડ રિક્વરીનો દોર શરૂ કરવામાં આવશે. જેમાં બાકીદારોની મિલકત સીલ કરવા, ડ્રેનેજ કે નળ જોડાણ કાપવા, મિલકત ટાંચ જપ્તીમાં લેવા, મિલકતની જાહેર હરાજી કરવા સહિતની આકરી કાર્યવાહી કરવામાં આવશે.