- ‘ટી.બી.હારેગા, દેશ જીતેગા’ની કર્તવ્ય ભાવના સાથે કાર્યરત જિલ્લા ક્ષય નિવારણ કેન્દ્ર
- સચોટ અને વિનામૂલ્યે સારવારથી ટી.બી. મુક્ત થઈ સ્વસ્થ બનતા આશરે 90% દર્દીઓ
ક્ષય રોગ એ અતિ ચેપી રોગ છે, જે માઈકો બેક્ટેરીયમ ટ્યુબરક્લોસીસ નામના બેકટેરિયાને કારણે થાય છે. દર્દીના છીંકવા-ખાંસવાથી ક્ષયના જીવાણું હવા મારફતે ફેલાય છે. બે અઠવાડિયા કે વધુ સમયથી ગળફા સાથે ખાંસી તેમજ તાવ આવવો, છાતીનો દુ:ખાવો, ગળફામાં લોહી, વજન ઘટવું જેવા લક્ષણો ક્ષય રોગ હોવાનો સંકેત કરે છે. ક્ષય રોગને નાબૂદ કરવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2025 સુધીમાં દેશભરમાં ’ટી.બી. મુક્ત ભારત’ અભિયાન ચાલી રહ્યું છે. રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત રાજકોટ ખાતે જિલ્લા ક્ષય નિવારણ કેન્દ્રમાં ક્ષયની તપાસ અને સારવાર વિના મૂલ્યે કરવામાં આવે છે.
જિલ્લા ક્ષય નિવારણ કેન્દ્રના ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર રોનકભાઈ વેકરીયાએ જણાવ્યું છે કે, કેન્દ્ર સરકાર દ્વારા “ટી.બી. મુક્ત ભારત અભિયાન” અંતર્ગત નિક્ષય પોષણ સહાય યોજના હેઠળ પોષણ યુક્ત આહાર માટે દર્દીઓને સારવાર દરમિયાન દર માસે રૂ. 500 ડાયરેક્ટ બેનિફિશીયરી ટ્રાન્સફર મારફતે બેંક એકાઉન્ટમાં ચુકવવામાં આવે છે. તેમજ આ અભિયાન હેઠળ આશા બહેનો અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા દર મહિનાના બીજા અને ચોથા મંગળવારે ટી.બી. હાઈરિસ્ક ગ્રુપમાં એક્ટિવ કેસ ફાઇન્ડ (અઈઋ) અંગેનો સર્વે કરાય છે.
કેન્દ્ર સરકારના આ અભિયાનને વધુ સફળ બનાવવા માટે વિવિધ સેવાકીય સંસ્થાઓ, સામાજિક આગેવાનો અને દાતાઓ દ્વારા ક્ષયના દર્દીઓને કઠોળ, અનાજ, દાળ, દૂધ સહીતના પોષણક્ષમ પદાર્થોની કીટ આપવામાં આવે છે. જિલ્લામાં દર મહિને સરેરાશ 60 કીટ લેખે વાર્ષિક આશરે 720 જેટલી પોષણકીટ તેમજ દર મહિને 50 પ્રોટીન પાઉડરના પેકેટનું ટી.બી.ના દર્દીઓને નિ:શુલ્ક વિતરણ કરવામાં આવે છે.
2631 દર્દીઓ હાલ સારવાર હેઠળ
ડીસ્ટ્રીકટ ટી.બી. મેડીકલ ઓફિસર ડો. સમીર દવેએ જણાવ્યું છે કે વર્ષ 2020 થી 2022 દરમિયાન નોંધાયેલા કુલ દર્દીઓ પૈકી હાલ 2631 દર્દીઓ સારવાર હેઠળ છે. સામાન્ય રીતે, 90% જેટલા દર્દીઓ ટી.બી. મુક્ત થઇ જાય છે. વર્ષ 2021માં 24 માર્ચના રોજ “વિશ્વ ક્ષય દિને” રાજ્ય સરકાર તરફથી રાજકોટ જિલ્લાને વર્ષ 2015ની સાપેક્ષમાં 20%થી 39% જેટલો ટી.બી.ના દર્દીઓમાં ઘટાડો થવા બદલ બ્રોન્ઝ મેડલ અર્પણ કરવામાં આવ્યો છે. જિલ્લા ક્ષય નિવારણ કેન્દ્ર ખાતે ઉપલબ્ધ ઈઇગઅઅઝ અને ઝછઞઊગઅઅઝ મશીનોમાં ક્ષય રોગનું બે કલાકમાં નિદાન થઈ શકે છે. દર્દીઓની સારવાર ચાલુ હોય ત્યારે બીજા અને છઠ્ઠા મહિને તથા જરૂર પડ્યે હોમ વિઝીટ અને ફોલોઅપ પણ લેવામાં આવે છે. તેમજ નિક્ષય એપ્લીકેશન મારફત ટી.બી.ના દર્દીઓનું મોનીટરીંગ પણ કરાય છે. ક્ષયના દર્દીઓને હોસ્પિટલમાં સારવાર આપવાની જરૂર પડે તો પંડિત દિનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવે છે, જ્યાં સ્ત્રી-પુરુષ માટે બે-બે બેડની સુવિધા છે.
દર્દીઓ સાથે આત્મીયતા કેળવવી જોઈએ
ડીસ્ટ્રીકટ ટી.બી. ઓફિસર ડો.જી. જે.મહેતાએ જણાવ્યું છે કે નિયમિત અને પૂરા સમયની સારવારથી ટી.બી.ચોક્કસ મટી શકે છે. ટી.બી.ના લક્ષણો જણાય તો તુરંત તપાસ કરાવવી જોઈએ. રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત ’ટી.બી. હારેગા, દેશ જીતેગા’ સૂત્રને ધ્યાનમાં રાખીને કર્તવ્ય ભાવના સાથે જિલ્લા ક્ષય નિવારણ કેન્દ્ર કાર્યરત છે. આથી, દર્દીઓ જૂની કલેક્ટર ઓફિસની બાજુમાં આવેલા ટી.બી. સેન્ટર ખાતે ટી.બી.ના વિનામૂલ્યે નિદાન અને સારવાર માટે ગભરાયા વિના નિ:સંકોચ આવે. તેમજ સમાજ પણ ક્ષયના દર્દીઓ સાથે આત્મીયતા કેળવી તેઓને પ્રેમ અને સહકાર આપે, તેવી મારી અપીલ છે.