રાજ્ય ઉપર જાણે ઘાત હોય તેમ સમયાંતરે મોટી દુર્ઘટનાઓ સર્જાયા રાખે છે. તાઉતે અને બીપરજોય જેવી કુદરતી આફતોએ જેટલી જાનહાનિ નથી સર્જી એટલી તો માનવસર્જિત આફતોએ જાનહાની સર્જી છે. અગાઉ સુરત, બાદમાં મોરબી અને હવે વડોદરામાં સર્જાયેલ દુર્ઘટનાએ એક જ પ્રશ્ન ઉભો કર્યો છે કે શા માટે સૂક્ષ્મ લાગતી હોય એવી આગમચેતી રાખવામાં કેમ નિષ્ફળ નિવડીએ છીએ.
જાગૃત નાગરિકો દ્વારા કોઈ પણ ક્ષતિઓ ઉજાગર થાય ત્યારે મામલો સૂક્ષ્મ લાગે પણ ઘણી વખત પરિણામો બિહામણા આવી શકે
વડોદરાના ગુરુવારે હરણી તળાવમાં છાત્રોને લઈને જતી એક હોડી પલટી મારી ગઈ હતી. આ ઘટનામાં મૃત્યુઆંક 14 થયો છે જેમાં 12 બાળકો અને બે શિક્ષકોનો સમાવેશ થાય છે. આ મામલો હવે ગુજરાતા હોઈકોર્ટ સુધી પહોંચ્યો છે. હાઈકોર્ટમાં સુઓમોટો દાખલ કરવાની રજૂઆતનો સ્વીકાર કરવામાં આવ્યો છે. હાઈકોર્ટે ઝાટકણી કાઢતા કહ્યું કે, બેદરકારીના કારણે નિર્દોષ બાળકોના જીવ ગયા તે સાંખી નહીં લેવાય.
આ દુર્ઘટનામાં ઘણી બેદરકારીઓ સામે આવી છે. બોટની ક્ષમતા 16 લોકોની હોવા છતા તેમાં 34 લોકોને બેસાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત બીજી બેદરકારી એ હતી કે બાળકોને લાઈફ જેકેટ પહેરાવવામાં આવ્યા ન હતા. આ બન્ને બેદરકારીઓ દુર્ઘટના પૂર્વે સાવ સૂક્ષ્મ લાગતી હશે. પણ બાળકોના જીવ લેવા માટે પૂરતી હતી.
આ દુર્ઘટના બાદ તમામ જિલ્લાઓમાં જ્યાં તળાવ છે ત્યાં તંત્ર દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. ઇતિહાસ સાક્ષી છે કે અત્યાર સુધીમાં કોઈ પણ દુર્ઘટના સર્જાઈ છે. તંત્ર ઘોડા છૂટી ગયા બાદ તબેલે તાળા મારવા માફક દુર્ઘટના સર્જાયા પછી જ તકેદારી રાખવા નીકળે છે.
મોરબીની દુર્ઘટના પણ સાક્ષી છે કે 135 લોકોના જીવ ગયા હતા. જોઈએ બ્રિજની મજબૂતાઇ તપાસવાની દરકાર લીધી ન હતી. પણ દુર્ઘટના સર્જાઈ ગયા બાદ તંત્ર તમામ બ્રિજ તપાસવા નીકળ્યું હતું. આવી જ રીતે સુરતમાં આગની જે ઘટના બની હતી તેમાં પણ ઘટના સર્જાઈ ગયા બાદ ટ્યૂશન ક્લાસમાં ફાયર સેફટીની તપાસ કરવા તંત્ર નીકળ્યું હતું.
એક તથ્ય એ છે કે જ્યારે કોઈ પણ નાની મોટી ક્ષતિઓ ધ્યાને આવતી હોય છે ત્યારે તેને ઠીક કરવી ખૂબ જરૂરી બને છે. કારણ કે કોઈ પણ નાની ક્ષતિ ક્યારે મોટી દુર્ઘટના સર્જે તેનું કોઈ નક્કી રહેતું નથી. વર્ષોથી ઓખા થી બેટ દ્વારકા સુધી ફેરી બોટ ચાલે છે જેમાં ઘેટા બકરાની જેમ પેસેન્જરને બેસાડવામાં આવે છે ઉપરાંત લાઈફ જેકેટ પણ આપવામાં આવતા નથી. આ સિલસિલો વર્ષો સુધી યથાવત રહે છે જોકે આ સ્થળ એના માટે ખાસ જાણીતું છે કે રાજ્યમાં કોઈ પણ દુર્ઘટના સર્જાય એટલે અહીં બે દિવસ કાર્યવાહી કરીને સંતોષ માની લેવામાં આવે છે પણ જો આ સિલસિલાને અહીં રોકવામાં નહીં આવે તો અત્યાર સુધીની સૌથી મોટી દુર્ઘટના પણ આ જ સ્થળે બને તેવી દહેશત સેવાઈ રહી છે.