• ફોર્મમાં ભુલ હોય કે અન્ય કોઇ સુધારો કરવો હોય તો 7મી જૂનથી 10મી જૂન સુધી કરી શકાશે

દેશમાં પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલમાં પ્રવેશ માટે લેવાનારી નીટ માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આગામી 6 મે સુધી વિદ્યાર્થીઓ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકશે. ચાલુવર્ષે 23મી જૂને પી.જી.નીટ લેવામાં આવશે. હાલમાં દેશમાં અંદાજે 60 હજારથી વધારે બેઠકો છે. જેની સામે આગામી શૈક્ષણિક સત્રમાં અંદાજે 7 હજારથી વધારે બેઠકોનો વધારો થાય તેવી શકયતાં છે. ગુજરાતમાં પણ 400 બેઠકોનો વધારો માંગવામાં આવ્યો છે.નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા પી.જી.નીટ માટેની તારીખ સહિતનું શીડ્યુલ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં આગામી 6 મે સુધી રજિસ્ટ્રેશન, 10મી મેથી 16મી મે સુધી ફી ભરવાની રહેશે. ફોર્મમાં ભુલ હોય કે અન્ય કોઇ સુધારો કરવો હોય તો 7મી જૂનથી 10મી જૂન સુધી કરી શકશે.

પરીક્ષા માટેના એડમીટ કાર્ડ 18મી જૂને જાહેર કરાશે. જેના આધારે 23મી જૂને પી.જી.નીટ લેવામાં આવશે. આ પરીક્ષાનું પરિણામ 15મી જુલાઇએ જાહેર કરાશે. મહત્વની વાત એ કે નીટ પીજીમાં પ્રવેશ માટે 15મી ઓગસ્ટ સુધીમાં ઇન્ટર્નશીપ પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે. મેડિકલના તજજ્ઞો કહે છે કે, દેશમાં હાલમાં 1050 અરજીઓ જુદી જુદી કોલેજો દ્વારા પી.જી.કોર્સ શરૂ કરવા માટે કરવામાં આવી છે. આજ રીતે 700થી વધારે અરજીઓ હયાત બેઠકોમાં વધારો કરવા માટે કરવામાં આવી છે. આમ, હાલમાં નેશનલ મેડિકલ કમીશન સમક્ષ 1700થી વધારે જુદી જુદી અરજીઓ પહોંચી ચુકી છે.

કમીશન દ્વારા હવે પી.જી.મેડિકલની મંજુરી માટે ઇન્સ્પેક્શન બંધ કરવામાં આવ્યું હોવાથી હવે માત્ર જે તે કોલેજના ડીન દ્વારા તમામ વિગતો કમીશન સમક્ષ રજૂ કરવાની હોવાથી અરજીઓમાં વધારો થયો છે. ગુજરાતમાં પણ પોસ્ટ ગ્રેજ્યુએશનની 400 બેઠકોનો વધારો થાય તેવી શકયતાં છે. આજ રીતે અંડર ગ્રેજ્યુએશનમાં પણ ચાલુવર્ષે ત્રણ નવી મેડિકલ કોલેજો જૂનાગઢ, આટકોટ અને કડીમાં શરૂ થાય તેમ હોવાથી કુલ 7050 બેઠકોમાં 400 બેઠકોનો વધારો થાય તેવી શકયતાં છે. મહત્વની વાત એ કે, હાલમાં અંડર ગ્રેજ્યુએશનની બેઠકોની સામે પી.જી.મેડિકલની અડધી બેઠકો પણ ન હોવાથી ભારે મુશ્કેલી નડી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.