ગુજરાતમાં આગામી લાભપાંચમથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરવામાં આવશે તેમ આજે વિધાનસભાના બે દિવસીય ચોમાસુ સત્રમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું.
રાજ્યભરના ખેડૂતો પાસે ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે નોંધણીનો આગામી તારીખ 01 ઓક્ટોબર 2021થી પ્રારંભ કરવામાં આવશે. ખેડૂતોએ આ માટે ’આઇ ખેડૂત પોર્ટલ’ ઉપર ઓનલાઈન નોંધણી કરવાની રહેશે તેમ વધુ વિગતો આપતાં કૃષિ મંત્રીએ ઉમેર્યું હતું.
મંત્રીએ પૂરક પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે વર્ષ 2020-21માં ગુજરાતમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. 5,275 અને વર્ષ 2021-22માં રૂ.5,550ના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી છે. આ ઉપરાંત વર્ષ 2019-20માં 5,00,546 મેટ્રિક ટન અને વર્ષ 2020-21માં 2,02,591 મે. ટન એમ છેલ્લાં બે વર્ષમાં કુલ 7,03,137 મેટ્રિક ટન મગફળીની ટેકાના ભાવે ખરીદી કરીને ખેડૂતોને તેમના ઉત્પાદનના પુરતા ભાવ આપ્યા છે.
ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદી બાદ તરત જ તેમની રકમ પણ ચુકવી દેવામાં આવે છે તેમ કૃષિમંત્રીએ વધુ વિગતો આપતા ગૃહમાં જણાવ્યું હતું.