- રજિસ્ટ્રેશન વખતે વર્ગ દીઠ 5 હજારની ફી પણ ઓનલાઈન ભરવાની રહેશે
Gujarat News : આખરે રાજ્યમાં આવેલી પ્રિ-પ્રાઈમરી સ્કૂલોના રજિસ્ટ્રેશનની કાર્યવાહી હાથ પર લેવાઈ છે. શિક્ષણ વિભાગ દ્વારા 15 મે, 2023ના રોજ પ્રિ-પ્રાઈમરી સ્કૂલોના રજિસ્ટ્રેશન અંગે સત્તાવાર ઠરાવ બહાર પડાયા બાદ 9 મહિના પછી રજિસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ કરવાનું આયોજન કરાયું છે. જેમાં હાલમાં રાજ્યમાં આવેલી પ્રિ-પ્રાઈમરી સ્કૂલોએ એક વર્ષની અંદર રજિસ્ટ્રેશનની કાર્યવાહી પૂર્ણ કરવાની રહેશે. જ્યારે નવી પ્રિ-સ્કૂલ શરૂ કરવા માટે સંસ્થાઓએ 19 ફેબ્રુઆરીથી રજિસ્ટ્રેશનની કાર્યવાહી હાથ ધરવાની રહેશે. આ માટે અલગથી પોર્ટલ પણ તૈયાર કરાયું છે. રજિસ્ટ્રેશન વખતે વર્ગ દીઠ 5 હજારની ફી પણ ઓનલાઈન ભરવાની રહેશે. રાજ્યમાં આવેલી પ્રિ-પ્રાઈમરી સ્કૂલો પર લગામ કસવા માટે શિક્ષણ વિભાગ દ્વારા જાહેરાત કરાયા બાદ 15 મેના રોજ સત્તાવાર ઠરાવ બહાર પડાયો હતો. આ ઠરાવ બહાર પાડવામાં આવ્યાને લાંબો સમય થવા આવ્યો છતાં પ્રિ-પ્રાઈમરીના રજિસ્ટ્રેશન અંગેની કોઈ કાર્યવાહી હાથ ધરાઈ ન હતી.
રાજ્યમાં ગેરકાયદેસર રીતે તથા મકાનોમાં અને કોમ્પેલક્ષમાં ચાલતી પ્રિ-પ્રાઈમરી સ્કૂલો સામે કાર્યવાહી કરી શકાય તે માટે તમામ પ્રિ-પ્રાઈમરી સ્કૂલોનું રજિસ્ટ્રેશન કરવાનું નક્કી કરાયું હતું. 30 જાન્યુઆરી, 2023ના રોજ સરકારના શિક્ષણ વિભાગ, આદિજાતિ વિભાગ, મહિલા અને બાળ કલ્યાણ તેમજ સામાજિક ન્યાય તથા અધિકારીતા વિભાગના અધિકારીઓની બેઠક મળી હતી. જેમાં નવી શિક્ષણનીતિની અમલવારી માટે રચવામાં આવેલી ટાસ્ક ફોર્સના સભ્યોની બેઠક મળી હતી. બેઠકમાં ખાનગી સ્કૂલોમાં ચાલતી પ્રિ-પ્રાઈમરી સ્કૂલોની પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી હેઠળ ફરજિયાત નોંધણી કરાવવાની રહેશે તેવો નિર્ણય લેવાયો હતો. આ સિવાય પ્રિ-પ્રાઈમરી, બાલવાટિકામાં પ્રવેશ લેતા બાળકોની નોંધણી પણ ફરજિયાત કરાશે. ત્યારબાદ સરકાર દ્વારા 15 મે, 2023ના રોજ ખાનગી પ્રિ-પ્રાઈમરી શાળાઓના રેગ્યુલેશન પ્રસિદ્ધ કરાયા હતા. ત્યારબાદ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા 20 મેના રોજ તમામ જિલ્લાઓમાં પણ જરૂરી કાર્યવાહી કરવા માટે સૂચના આપી હતી.
જોકે, ત્યારબાદ રજિસ્ટ્રેશનની કાર્યવાહી અભરાઈએ ચઢાવી દેવામાં આવી હતી. જોકે, હવે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા નવી તથા હયાત પ્રિ-પ્રાઈમરી સ્કૂલોના રજિસ્ટ્રેશન અંગેની સત્તાવાર જાહેરાત કરી છે. જે અનુસાર, રાજ્યમાં આવેલી હયાત પ્રિ- સ્કૂલ માટે સંસ્થાએ જાહેરાત પ્રસિદ્ધ થયાનાં એક વર્ષની સમય મર્યાદામાં તથા નવી પ્રિ-સ્કૂલ સંસ્થા શરૂ કરવા ઈચ્છુક સંસ્થાએ પ્રિ-સ્કૂલ શરૂ કરતા પહેલાં 19 ફેબ્રુઆરી, 2024 સોમવારના રોજથી પોર્ટલ પર રજિસ્ટ્રેશન માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. નવી તથા હયાત પ્રિ-સ્કૂલના રજિસ્ટ્રેશન માટે વર્ગ દીઠ 5 હજાર ફી ઓનલાઈન અરજી કરતી વખતે ભરવાની રહેશે.