- નાણાકીય વર્ષ 2022-23ની સરખામણીમાં વર્ષ 2023-24ની આવકમાં રૂ. 31 કરોડનો વધારો
નવા વાહનોની નોંધણીએ રાજકોટ આરટીઓ કચેરીને માલામાલ કરી દીધી છે. આરટીઓ કચેરીમાંથી મળેલી માહિતી મુજબ નાણાકીય વર્ષ 2023-24માં આરટીઓ કચેરીને નવા વાહનોણી નોંધણી પેટે રૂ. 202 કરોડની આવક થઇ છે. નાણાકીય વર્ષ 2022-23માં આ આંકડો રૂ. 171 કરોડ રહ્યો હતો. પરિણામે ગત નાણાકીય વર્ષમાં આવકમાં રૂ. 31 કરોડનો નોંધપાત્ર વધારો થયો છે. પ્રાપ્ત વિગત અનુસાર ગત નાણાકીય વર્ષ 2023-24માં કુલ 1,13,220 વાહનોની નોંધણી થઇ છે. જેમાં ટુ-વ્હીલર-73,982, થ્રી-વ્હીલર-4731, એમ્બ્યુલન્સ-40, ફોર- વ્હીલર- 23576, એડેપ્ટેડ વ્હીકલ-113, બસ- 240, પ્રાઇવેટ સર્વિસ વ્હીકલ-27, ગુડ્ઝ વ્હીકલ-4206, ક્ધશટ્રકશન વ્હીકલ- 476, ટ્રેકટર અને ટ્રોલી- 5829 ની નોંધણી થઇ છે.
બીજી બાજુ ઇલેક્ટ્રિક વ્હીકલની જો વાત કરવામાં આવે તો નાણાકીય વર્ષ 2023-24માં કુલ 6706 ઇલેક્ટ્રિક વાહનની નોંધણી થઇ છે. જેમાં ટૂ વ્હીલર – 5966, ફોર વ્હીલર -415, અડેપટીવ વ્હીકલ- 2, થ્રી વ્હીલર – 248, બસ -50, ગૂડ્સ વ્હીકલ 25ની નોંધણી થઇ છે. આ તમામ વાહનોની નોંધણી પેટે આરટીઓ કચેરીને રૂ. 2,02,85,87,836ની આવક થઇ છે.
નાણાકીય વર્ષ 2022-2023 નાણાકીય વર્ષમાં કુલ નવા 96,715 વાહનોની નોંધણી થઇ હતી. જેના પેટે કચેરીને રૂ. 1,71,62,21,882ની આવક થઇ હતી. જેની સરખામણીમાં ગત નાણાકીય વર્ષ 2023-24માં કુલ 1,13,220 વાહનોની નોંધણી પેટે કચેરીને રૂ. 2,02,85,87,836ની આવક થઇ છે.
ઇલેક્ટ્રિક વાહનોની બોલબાલા વધી : 50 બસ અને 25 ગુડ્સ વ્હીકલ સહિત 6706 વાહનોની નોંધણી
ઇલેક્ટ્રિક વ્હીકલની જો વાત કરવામાં આવે તો નાણાકીય વર્ષ 2023-24માં કુલ 6706 ઇલેક્ટ્રિક વાહનની નોંધણી થઇ છે. જેમાં ટૂ વ્હીલર – 5966, ફોર વ્હીલર -415, અડેપટીવ વ્હીકલ- 2, થ્રી વ્હીલર – 248, બસ -50, ગૂડ્સ વ્હીકલ 25ની નોંધણી થઇ છે.
પસંદગીના નંબર પેટે રૂ. 15 કરોડની આવક
ગત નાણાકીય વર્ષ 2023-24માં આરટીઓ કચેરીને ધમધોકાર આવક વાહન નોંધણી પેટે તો થઇ જ છે સાથોસાથ પસંદગીના નંબર પેટે પણ આરટીઓને નોંધપાત્ર રૂ. 15 કરોડની આવક થવા પામી છે. રંગીલા રાજકોટીયન્સ પસંદગીના વાહન નંબર મેળવવા માટે કરોડની બોલી લગાવતા હોય તેવા પણ દાખલ ભૂતકાળમાં બનેલા છે ત્યારે ગત નાણાકીય વર્ષ 2023-24માં પસંદગીના વાહન નંબર પેટે આરટીઓને 29,422 વાહનોમાંથી રૂ. 15,03,36,000ની આવક થવા પામી છે.