રાજ્યમાં યોજનારા આગામી ખેલ મહાકુંભને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં ખેલ મહાકુંભ માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયાનો શનિવારથી પ્રારંભ થયા બાદ ત્રણ જ દિવસના ટૂંકા ગાળામાં 1.63 લાખ રમતવીરોએ નોંધણી કરાવી છે. જેમાં અમદાવાદ જિલ્લાની સ્કૂલો રજિસ્ટ્રેશનમાં મોખરે રહી હોવાનું જાણવા મળે છે. અમદાવાદ જિલ્લાની સ્કૂલોમાં ત્રણ જ દિવસમાં 43 હજાર વિદ્યાર્થીઓ જુદીજુદી રમત માટે નોંધાઈ ચૂક્યા છે. બીજી બાજુ શૈક્ષણિક સંકલન સમિતિ દ્વારા શરૂ કરાયેલા આંદોલનના ભાગરૂપે ખેલ મહાકુંભથી અળગા રહેવાનું નક્કી કરાયું છે અને તેના પગલે રજિસ્ટ્રેશન સહિતની કામગીરીમાં સ્કૂલો મદદ નહીં કરે તેમ જાણવા મળે છે.

અમદાવાદ જિલ્લાની સ્કૂલોમાં ત્રણ જ દિવસમાં 43 હજાર વિદ્યાર્થીઓ જુદીજુદી રમત માટે નોંધાઈ ચૂક્યા

પ્રાપ્ત માહિતી અનુસાર, ખેલ મહાકુંભ 2.0ને લઈને રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહીનો પ્રારંભ થતાની સાથે જ સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં નોંધણી થઈ હોવાનું જાણવા મળે છે. 3 જ દિવસમાં રાજ્યના 1.63 લાખ જેટલા રમતવીરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હોવાનું જાણવા મળે છે. જેમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તાબા હેઠળની સ્કૂલોના વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થયું છે. ખેલ મહાકુંભ માટે જેટલા ઉમેદવારોનું રજિસ્ટ્રેશન થયું છે તેમાં મહિલા રમતવીરોની સંખ્યા પણ નોંધપાત્ર છે.

કુલ રમતવીરોના રજિસ્ટ્રેશનમાં મહિલા રમતવીરોની સંખ્યા 65 હજાર છે. જ્યારે પુરુષ રમતવીરોની સંખ્યા 98 હજાર છે. મોટી સંખ્યામાં વ્યક્તિગત રજિસ્ટ્રેશન સાથે ટીમ રજિસ્ટ્રેશન પણ મોટી સંખ્યામાં જોવા મળ્યું છે. ખેલ મહાકુંભ માટે કુલ 4651 ટીમ રજિસ્ટ્રેશન થયું છે, જેમાં મહિલાઓની 1675 ટીમ અને પુરુષોની 2976 ટીમ નોંધાઈ ચૂકી છે. સૌથી ધીમી ગતિએ ગાંધીનગર મહાનગર પાલિકામાં રજિસ્ટ્રેશન થઈ રહ્યું છે. જેમાં અત્યાર સુધી માત્ર 437 રમતવીરો જ નોંધાયા છે. અમદાવાદ જિલ્લા બાદ બીજા ક્રમે નવસારી જિલ્લામાં 15 હજાર રમતવીરો નોંધાયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.