ચાઈલ્ડ મેરેજ એક્ટમાં સુધારાથી હવે પુખ્ત થઈને લગ્ન કરવા પણ મુશ્કેલ બનશે
દેશમાં બાળલગ્નોના કિસ્સા અટકાવવા માટે કેન્દ્ર સરકાર ચાઈલ્ડ મેરેજ એક્ટમાં સુધારા કરવા જઈ રહી છે. આ સુધારા મુજબ ટૂંક સમયમાં ગેરકાયદે બાળલગ્નને નોંધવા ફરજિયાત બનશે. બાળ અને મહિલા કલ્યાણ મંત્રી સ્મૃતિ ઈરાનીએ આ બાબતે તાજેતરમાં વિગતો આપી હતી.
દેશમાં ઘણા સમયથી બાળ લગ્નો અટકાવવા મુદ્દે સરકાર ચિંતીત જણાય રહી છે. દરમિયાન ૧૮ વર્ષથી નીચેની તરુણીઓ ગર્ભવતી બનતી હોય તેવા કિસ્સામાં સતત વધારો થયો છે. આવા કેસ ૨૧ ટકાએ પહોંચ્યા છે. જેમાં બાળલગ્નો જવાબદાર હોવાનું માનવામાં આવે છે. આ બાબતે વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બાળ અને મહિલા કલ્યાણ મંત્રી સ્મૃતિ ઈરાનીએ ચર્ચા કરી હતી. જે રીતે પોકસોમાં સરકાર પાસે નોંધણી કરાવી ફરિયાદ ફરજિયાત છે તેવી જ રીતે હવે બાળ લગ્નના કિસ્સામાં પણ નોંધણી ફરજિયાત બનાવાશે. જેનાથી ચાઈલ્ડ એક્ટ મેરેજ વધુ શક્તિશાળી બનશે તેવું સરકારનું માનવું છે.
ગેરકાયદે ગણાતા બાળ લગ્નની નોંધણી હવે તંત્ર પાસે રહેશે. પરિણામે જ્યારે બાળ લગ્ન કરનાર પુખ્ત થશે ત્યારે ફરીથી તેનું રજિસ્ટ્રેશન કરાવવામાં મુશ્કેલી પડી શકે. આવી રીતે કાયદાની ઘણી છટકબારીને ફરજિયાત નોંધણીના નિયમથી બંધ કરી શકાશે તેવી અપેક્ષા કેન્દ્ર સરકારને છે.
આ મામલે સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે, પોકસોમાં નોંધણી ફરજિયાત બનાવવાથી અનેક કેસ સામે આવ્યા હતા અને લોકોમાં પણ જાગૃતિ વધી હતી. આવી જ રીતે ચાઈલ્ડ મેરેજ એકટમાં બાળ લગ્નોની નોંધણી ફરજિયાત બનાવાશે. ભારતમાં લગ્ન કરવાની કાયદેસરની ઉંમર મહિલા માટે ૧૮ અને પુરુષ માટે ૨૧ વર્ષની છે. ૨૦૧૧ની વસ્તી ગણતરીના આંકડા મુજબ દેશમાં ૨.૩ કરોડ બાળ વધુઓ છે. નેશનલ ફેમીલી હેલ્થ સર્વે (એનએફએચએસ ૨૦૧૫-૧૬)ના આંકડા પરથી જાણવા મળે છે કે, દેશમાં ૨૬.૮ ટકા મહિલાઓના લગ્ન ૧૮ વર્ષની થાય તે પહેલા યા હતા. જેમાં ૧૫ થી ૧૯ વર્ષની હોય અને ગર્ભવતી બની હોય તેવી ૮ ટકા કિશોરીઓ હતી. આવા સંજોગોમાં ભારતમાં બાળ લગ્નનું પ્રમાણ ઘટાડવું ખૂબ જ જરૂરી છે. દરમિયાન બાળ અને મહિલા કલ્યાણ મંત્રાલય દ્વારા બાળ લગ્નની નોંધણી કરી ભવિષ્યમાં થનાર કિસ્સાઓ પર લગામ લગાવવાની તૈયારીઓ થઇ છે.