સુપરિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ અને નોંધણીસર નિરિક્ષકની કચેરી દ્વારા ગરવી 2.0 વેબસાઈટમાં ઓનલાઈન રિફંડ પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું

રાજ્યના કોઈપણ નાગરિકે નોંધણી ફી કે સ્ટેમ્પ ડ્યૂટી ઈ-ચલણથી ભરી હોય તેમાં રિફંડ મેળવવા માટેની હાલની એસઓપી મુજબની કાર્યવાહી અમલમાં છે પરંતુ તે મુજબ રિફંડ માટેની અરજી સબ-રજિસ્ટ્રારની કચેરીમાં કરવી પડે છે. જેમાં અરજી તથા બિડાણ કરાયેલા કાગળો (દસ્તાવેજો)ની ચકાસણી બાદ તે નોંધણી નિરિક્ષકો દ્વારા વડી કચેરીએ અરજી મોકલી અપાય છે.

જેના કારણે રિફંડ મેળવવામાં વિલંબ થાય છે અને સમયનો પણ બગાડ થઈ રહ્યો છે. તેના નિવારણ માટે હવે, સુપરિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ અને નોંધણીસર નિરિક્ષકની કચેરી દ્વારા ગરવી 2.0 વેબસાઈટમાં ઓનલાઈન રિફંડ પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે એટલે હવે, અરજદારો ઈ-ચલણના રિફંડ મેળવવા માટે સબ રજિસ્ટ્રારની કચેરીમાં અરજી કરવાને બદલે આ ઓનલાઈન રિફંડ પોર્ટલ ઉપર સીધી અરજી કરીને તેની સાથે જરુરી કાગળો બિડાણ કરી શકશે.

સુપરિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ અને નોંધણીસર નિરિક્ષક જેનુ દેવાન દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં કહેવાયું છે કે, ઈ-પેમેન્ટથી ભરાયેલી નોંધણી ફી કે સ્ટેમ્પ ડ્યૂટી રિફંડ મેળવવા માટે અરજદાર, ગરવી વેબસાઈટ ઉપર જે લોગઇન આઈડીથી નાણાં જમા કરાવ્યા હશે તે જ લોગઇનથી ચલણનું રિફંડ મેળવી શકશે. જો અરજદાર પાસે લોગઇન આઈડી કે પાસવર્ડ ઉપલબ્ધ ન હોય તો, તેવા અરજદાર હોમપેજ પરથી નવું લોગઇન આઈડી ક્રિએટ કરી શકશે. જે ખાતામાંથી પેમેન્ટ કર્યુ હોય તે જ ખાતામાં રિફંડ જમા કરાવવાનું હોય તો તે મુજબનું અરજદારની સહી સાથેનું એકરારનામુ દર્શાવવું પડશે.આ ઉપરાંત આ સમગ્ર નિર્ણય બાબતે કઈ રીતે અરજી કરીને રિફંડ મેળવવું તેની પ્રક્રિયા દર્શાવવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.