ગત વર્ષ કરતા વધુ ૨૩૧૪ ખેડૂતોએ કરાવી નોંધણી
આ વર્ષે ખેડૂતોને મગફળીના વધુ રૂપિયા ૧૫૫ ભાવ મળશે
જામનગર જિલ્લામાં વરસાદના કારણે આજથી શરૂ થતી મગફળી ખરીદી મોકૂફ રાખી હવે તા.૨૬ થી ૯૦ દિવસો માટે સરકાર દ્વારા મણના રૂા.૧૦૫૫ના ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયા શરૂ થશે. જિલ્લામાં આ માટે અત્યાર સુધીમાં ૬૦,૯૦૦ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યા હોવાનું અને ગત વર્ષની માફક તમામને એસ.એમ.એસ. દ્વારા મગફળી લઇને આવવાની સુચના આપવામાં આવશે. તેમ જિલ્લા પુવરઠા તંત્રએ જણાવ્યું હતું.
હાપા માર્કેટીંગ યાર્ડ સહિતના તમામ તાલુકાના યાર્ડોમાં મગફળીની ગુણવત્તા ચકાસીને બાદમાં તેના ગ્રેડ પ્રમાણે ૨૫-૨૫ કિલોની ગુણીમાં મગફળી ભરીને જોખીને સ્ટોક જે તે ગોદામોમાં મોકલવામાં આવશે. જિલ્લા પુરવઠા વિભાગે જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાં અત્યાર સુધીમાં ૬૦,૯૦૦ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેંચવા માટે તા.૨૦ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
જે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે તે ખેડૂતોને ગત વર્ષની માફક એસએમએસ સીસ્ટમથી મેસેજ કરવામાં આવ્યા બાદ તેઓએ જે તે નિયત કરેલા માર્કેટીંગ યાર્ડમાં પહોંચવાનું રહેશે. જામનગરમાં હાપા માર્કેટીંગ યાર્ડ ઉપરાંત જોડીયા, ધ્રોલ, જામજોધપુર, કાલાવડ અને લાલપુર ખાતે ખરીદીના કેન્દ્રો શરૂ કરી દેવામાં આવ્યા છે. જામનગર જિલ્લામાં કાલાવડમાં ૧૨,૮૦૭, જામજોધપુરમાં ૧૦,૭૨૯, જામનગર ગ્રામ્યમાં ૧૦,૪૭૦, જામનગર શહેરમાં ૫૭, જોડીયામાં ૬,૨૩૧, ધ્રોલમાં ૯,૭૪૮ અને લાલપુરમાં ૧૦,૫૫૮ ખેડૂતોના મગફળીની ખરીદી માટે રજીસ્ટ્રેશન લઇ ચુકયા છે.
જામનગર જિલ્લામાં ગત વર્ષે ખેડૂતોને ૧ મણના રૂા.૯૦૦ના ભાવે વેંચાણ પેટે રૂા.૩૬૮ કરોડ, ૯૯ લાખ, ૮ હજાર સરકારે ચુકવ્યા હતા. જેમાં ગત વર્ષે ૫૮,૫૮૬ ખેડૂતો નોંધાયેલ હતા. જેમાંથી ૩૩,૭૯૪ ખેડૂતોએ મગફળી વેંચી હતી. જામનગર જિલ્લામાં શહેર ઉપરાંત તમામ ખરીદ કેન્દ્ર ઉપર મગફળીની ખરીદી શરૂ કરાઇ હતી. ગત વર્ષે બારદાન ઘટી પડવાની ઘટનાને ધ્યાને લઇ સરકાર દ્વારા ૧૧ લાખ બારદાનો જામનગર આવી ચુકયા છે.