ગત વર્ષ સોરઠમાંથી 75 મેટ્રીક ટન કેરીની થઇ હતી નિકાસ
ગીર પંથકની કેસર કેરીનો રસાસ્વાદ વિદેશના કેરી રશિયાઓ માણી શકે તે માટે સોરઠ પંથકના 400 જેટલા ખેડૂતોએ કેરીની નિકાસ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હોવાનાં સમાચારો મળી રહ્યા છે.
ફળોના રાજા કેરી અને કેરીની મહારાણી કેસર કેરી એ માત્ર ગુજરાત અને ભારત જ નહીં પરંતુ સમગ્ર દુનિયાના કેરી રશિયાઓને ઘેલા કર્યા છે. ત્યારે ખાસ કરીને સોરઠ અને ગીર પંથકની કેસર કેરી સમગ્ર વિશ્વમાં મોટા પ્રમાણમાં ખવાય છે અને આ કેરીની માંગ વિશ્વની બજારમાં ખૂબ મોટી ઊભી થવા પામી છે. ત્યારે વિશ્વભરના કેરી રશિયાઓ સોરઠ અને ગીર પંથકની કેસર કેરીનો રસાસ્વાદ માણી શકે તે માટે આ વિસ્તારના લગભગ 400 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
આમ જોઈએ તો, કેરીની નિકાસ કોઈ ખેડૂતો ડાયરેક્ટ કરી શકતું નથી. આ માટે અપેડા નામની એક સંસ્થા છે. તેમાં કેરી સહિતની કોઈ પણ ખેત ઉત્પાદનની નિકાસ કરવા માટે પ્રથમ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત હોય છે, અને આ માટે બાગાયત વિભાગ નિકાસ કરવા ઈચ્છતા ખેડૂતોને પ્લેટફોર્મ પૂરું પાડે છે. તે સાથે આવી નિકાસ કરવા માટે જૂનાગઢ જિલ્લામાં બે યુનિટ કાર્યરત છે, જે નિકાસ માટેની કામગીરીમાં સહભાગી થાય છે. આ સાથે અમદાવાદ, બરોડા અને સુરતમાં પણ ખેડૂતો પોતાની કેરી સહિતની ખેત ઉત્પાદનની વસ્તુઓ વિદેશના માર્કેટ માટે મોકલી શકે તે માટે યુનિટો કામ કરી રહ્યા છે.
આમ, બગાયત વિભાગના પ્લેટફોર્મ અને નીકાસ માટે કાર્ય કરતા યુનિટો તથા નીકાસ માટે રજીસ્ટ્રેશન કરતી અપેડા સંસ્થાના પ્રયાસો દ્વારા ગત વર્ષે ગુજરાતમાંથી કેસર કેરીની નિકાસ માટે 400 જેટલા રજીસ્ટ્રેશન થવા પામ્યા હતા. અને 449 મેટ્રિક ટન કેસર કેરીની ગુજરાતમાંથી નિકાસ થવા પામી હતી. જેમાં સોરઠ અને ગીર પંથકમાંથી 75 મેટ્રિક ટન કેરીની નિકાસ થઈ હતી.
ઉચ્ચ ક્વોલિટીની કેસર કેરીની જ નિકાસ થઈ શકે
વિદેશમાં મોકલાતી કેરીની ક્વોલિટી ખૂબ જ ઊંચા પ્રકારની હોય છે. આ કેરીમાં કોઈપણ દાગ કે બગાડ ન હોવો જોઈએ, જો નિકાસ કરતા એ મોકલેલ જથ્થામાં કોઈ કેરી નીચી ગુણવત્તાની કે દાગ વાળી માલુમ પડે તો, કેરીની નિકાસ અટકાવાય છે અથવા તો મોકલાયેલી કેરી પરત કરવામાં આવે છે. આમ વિદેશમાં ઉચ્ચ કવોલેટીની કેસર કેરીની જ નીકાશ થઈ શકે છે.