તમામ વીસી સેન્ટરોમાં કાલે જાહેર રજાના દિવસે પણ રજિસ્ટ્રેશનની કામગીરી ચાલુ રહેશે: પ્રથમ દિવસે માર્કેટ યાર્ડમાં ૧ કલાક મોડુ કામ શરૂ થતાં ભારે ભીડ સર્જાય: ખેડૂતોને રૂા.૧૦ના ચુકવણામાંથી પણ મુક્તિ અપાય
મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે આજી ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. આજી ૩૦ દિવસ સુધી આ ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા ચાલવાની છે. હાલ જિલ્લાના ૮ માર્કેટીંગ યાર્ડો અને ૨૦૦ વીસી ખાતે આ પ્રક્રિયા વિધિવત રીતે શરૂ થઈ ચૂકી છે. આજરોજ પ્રથમ દિવસે જ માર્કેટ યાર્ડમાં ૧ કલાક કામ મોડુ શરૂ થતાં ખેડૂતોની ભારે ભીડ સર્જાય હતી. વધુમાં આવતીકાલે જાહેર રજા હોવા છતાં પણ જિલ્લાના તમામ ૨૦૦ વીસી સેન્ટરોમાં રજિસ્ટ્રેશનની કામગીરી ચાલુ રાખવામાં આવનાર છે.
સરકારે આ વર્ષે મગફળીનો ટેકાના ભાવ રૂા.૧૦૧૮ જાહેર કર્યો છે. આ ભાવે મગફળી વેંચવા ઈચ્છુક ખેડૂતો માટે સરકારે આજી ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયાનો શુભારંભ કર્યો છે. આ પ્રક્રિયા આગામી ૩૦ દિવસ ચાલવાની છે. ગ્રામ્ય વિસ્તારના લોકોને તાલુકા મથકે જવું ન પડે તે માટે જિલ્લા ૬૦૦ ગામો વચ્ચે ૨૦૦ વિલેજ કમ્પ્યુટર સેન્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વીસી સેન્ટરોમાં પણ જિલ્લાની ૮ માર્કેટીંગ યાર્ડોની સાથો સાથ આજી ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જો કે આજરોજ માર્કેટીંગ યાર્ડોમાં સવારે કામગીરી શરૂ થવામાં ૧ કલાકનો વિલંબ થતા ખેડૂતોની ભારે ભીડ જોવા મળી હતી. વધુમાં અધિક જિલ્લા કલેકટર પરિમલ પંડયાએ જણાવ્યું છે કે, ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ વીસી સેન્ટરોમાં જ રજિસ્ટ્રેશન કરાવવાનો આગ્રહ રાખવા જોઈએ. તેઓએ તાલુકા મથક સુધી ધક્કો ખાવાની જરૂર નથી. વીસી સેન્ટરોમાં ભીડની સમસ્યા પણ હોતી નથી જેથી તેઓને સરળતા રહેશે. તેઓએ ઉમેર્યું કે, આ વખતે રજિસ્ટ્રેશનના રૂા.૧૦ના ચાર્જમાંથી ખેડૂતોને મુક્તિ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, એક વીસી સેન્ટરમાં ૪નો સ્ટાફ કાર્યરત કરાવવામાં આવ્યો છે. વીસી સેન્ટરો માટે હેલ્પલાઈન નંબર ૮૪૬૦૩ ૪૫૩૪૫ તેમજ ખેડૂતો માટે હેલ્પ લાઈન નંબર.૦૨૮૧ ૨૪૫૨૫૮ જાહેર કરવામાં આવ્યો છે.