Gujarat News
ધો.12 સાયન્સ પછી ડિગ્રી એન્જિનિયરિંગ સહિતની ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ માટે આગામી 4થી 15મી એપ્રિલ વચ્ચે બીજા તબક્કાની જોઇન્ટ એન્ટ્રન્સ એકઝામ(મેઇન) લેવાશે. આ પરીક્ષા માટે વિદ્યાર્થીઓને આગામી 2જી માર્ચ સુધી રજિસ્ટ્રેશન કરવા માટે તાકીદ કરાઇ છે. પહેલા તબક્કાની પરીક્ષા તાજેતરમાં જાન્યુઆરીમાં લેવામાં આવી હતી. જેમાં 95.8 ટકા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ટેકનિકલ કોલેજોમાં પ્રવેશ માટે જેઇઇ-મેઇન લેવામાં આવે છે. વર્ષમાં બે વખત જેઇઇ-મેઇનનું આયોજન કરાતું હોય છે.
તાજેતરમાં 27મી જાન્યુઆરીથી 1લી ફેબ્રુઆરી વચ્ચે લેવાયેલી પહેલા તબક્કાની જેઇઇ મેઇનમાં કુલ 1221615 વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતુ. જે પૈકી 1170036 એટલે કે 95.8 ટકા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજ રીતે પેપર 2 એટલે કે આર્કીટેક માટેની જેઇઇ-મેઇન 24મી જાન્યુઆરીએ લેવાઇ હતી. જેમાં 74002 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતુ તે પૈકી 55493 એટલે કે 75 ટકા વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. આમ, પહેલાં તબક્કાની પરીક્ષામાં ગતવર્ષ જેટલા જ 95.8 ટકા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. પહેલાં તબક્કાની પરીક્ષા માટે 291 શહેરોના 544 સેન્ટરોમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
ગુજરાતી સહિતની કુલ 13 ભાષામાં પરીક્ષાનું આયોજન કરાયું હતુ. ભારત બહારના 21 શહેરોમાં પણ આ પરીક્ષા લેવાઇ હતી. હવે બીજા તબક્કાની જેઇઇ મેઇન આગામી 4 એપ્રિલથી 15મી એપ્રિલ વચ્ચે લેવાશે. આ માટે વિદ્યાર્થીઓ આગામી 2 માર્ચ સુધી ઓનલાઇન ફોર્મ ભરીને આજ દિવસ સુધી ફી ભરી શકાશે. રજિસ્ટ્રેશન કરી ચૂકેલા વિદ્યાર્થીઓ પરીક્ષાનું માધ્યમ, શહેર સહિતની વિગતો પસંદ કરી શકશે. આગામી દિવસોમાં બીજા તબક્કાની પરીક્ષા પૂરી થયા બાદ એપ્રિલ અંતમાં પરિણામ જાહેર કરાશે.