- આમી 15મી મેથી 31મી મે સુધીમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવશે
દેશની જુદી જુદી યુનિવર્સિટીઓ અને સંલગ્ન કોલેજોમાં પ્રવેશ માટે આગામી મે માસમાં લેવાનારી કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ માટે રજિસ્ટ્રેશન કરવાની મુદત આજે એટલે કે મંગળવારે પુરી થવાની હતી. યુજીસી દ્વારા હવે આગામી 31મી માર્ચ સુધી મુદત વધારવાની જાહેરાત કરી દેવામાં આવી છે. હવે બાકી રહેલા ઉમેદવારો આ સમયમર્યાદા સુધીમાં ઓનલાઇન અરજી કરી શકશે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમીશન દ્વારા વર્ષ 2022થી દેશના જુદી જુદી રાજયોની સરકારી યુનિવર્સિટીઓ, સેન્ટ્રલ યુનિવર્સિટીઓ અને કેટલીક સરકારી કોલેજો અને પ્રાઇવેટ યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ લાગુ કરવામાં આવી છે. નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા આ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે.
એજન્સીએ પરીક્ષાના જાહેર કરેલા શીડ્યુલ પ્રમાણે 26મી માર્ચ રાત્રે 11 વાગ્યા સુધીમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાની સૂચના આપવામાં આવી હતી. યુજીસીના ચેરમેન દ્વારા આજે આ સમયમર્યાદ લંબાવવાની જાહેરાત કરી દેવામાં આવી છે. દેશના જુદા જુદા રાજયોમાંથી આવેલી રજૂઆતના આધારે તારીખ લંબાવવામાં આવી હોવાની સ્પષ્ટતાં પણ કરવામાં આવી છે. જેમાં હવે વિદ્યાર્થીઓ આગામી 31મી માર્ચે રાતના 9.50 સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકશે. આ પરીક્ષા પેન એન્ડ પેપર અને કોમ્પ્યુટર આધારિત એમ, બન્ને પ્રકારે લેવામાં આવતી હોય છે. આ પરીક્ષા લેવાનું શરૂ કર્યા બાદ અગાઉના વર્ષોમાં સમગ્ર દેશમાંથી 14.9 લાખ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતુ. આમ, ચાલુવર્ષે પણ મોટી સંખ્યામાં રજિસ્ટ્રેશન થાય તેવી શકયતાં છે.
31મી માર્ચ સુધી રજિસ્ટ્રેશન ચાલુ રાખ્યા બાદ આગામી 15મી મેથી 31મી મે સુધીમાં પરીક્ષાનું આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે, આ દિવસોમાં જ દેશના કેટલાક રાજ્યોમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે. આ સ્થિતિમાં પરીક્ષામાં પણ મુશ્કેલી ઉભી થાય તેમ છે. જોકે, યુજીસી દ્વારા તાજેતરમાં એવી સ્પષ્ટતાં કરવામાં આવી હતી કે, લોકસભાની ચૂંટણી હોવાછતાં પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પરીક્ષાની તારીખમાં ફેરફાર કરી શકાય તેમ નથી. મહત્વની વાત એ કે, ગુજરાતમાં સેન્ટ્રલ યુનિવર્સિટી અને ગુજરાત વિદ્યાપીઠમાં પ્રવેશ લેવા ઇચ્છતાં વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપવી પડે છે. બાકીની યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે ચાલુવર્ષે કોમન એડમીશન પોર્ટલ શરૂ કરાયું છે.