રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓ અને યુવાનોને રમત-ગમત અને ખેલકુદનો અવસર મળે અને તેમનામાં રહેલી શક્તિઓ ખીલે તે માટે દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. ગીર-સોમનાથ જિલ્લામાં ખેલ મહાકુંભ 2019 માટે જિલ્લા રમત-ગમત અધિકારી કચેરી અને સંસ્થાઓ તેમજ વ્યાયામ શિક્ષકો દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. જે અન્વયે જિલ્લા સેવાસદન, ઇણાજ ખાતે અધિક કલેકટર એચ.આર.મોદીનાં અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.ગીર-સોમનાથ જિલ્લામાં આગામી ખેલ મહાકુંભ માટે અત્યાર સુધી અંદાજે 20 હજાર એન્ટ્રી થયેલી છે.
આ મિટિંગમાં જિલ્લામાં હજુ વધુ એન્ટ્રીનું રજીસ્ટ્રેશન થાય અને લક્ષ્યાંક પ્રમાણે ખેલાડીઓ જોડાય તે માટે સુચના આપવામાં આવી હતી. જિલ્લામાં શાળા અને ગ્રામ્યકક્ષા સ્પર્ધા તા. 28 ઓગષ્ટ19 થી તા. 31 ઓગષ્ટ 19 તેમજ તાલુકાકક્ષાની સ્પર્ધા તા. 1 સપ્ટે.19 અને તા. 8 સપ્ટે.19 ઉપરાંત જિલ્લાકક્ષાની સ્પર્ધા સંભવિત તા.9 સપ્ટે.19 થી તા. 20 સપ્ટે.19 દરમિયાન યોજાશે. આગામી તા. 15 ઓગષ્ટ19 સુધી રજીસ્ટ્રેશન ઓનલાઇન કરાવી શકાશે. વિજેતા ખેલાડીઓને પુરષ્કાર આપવામાં આવશે. શ્રેષ્ઠ શાળાઓને રાજ્યકક્ષાએ રૂા. 5 લાખ પ્રથમ ક્રમને અને રૂા. ૩ લાખ બીજાક્રમને તેમજ તૃતીય ક્રમને રૂા. 2 લાખ નું પુરસ્કાર આપવામાં આવશે. જિલ્લાકક્ષાએ તેમજ તાલુકાકક્ષાએ પણ શ્રેષ્ઠ શાળાને ઇનામ આપવામાં આવશે.