પાર્ટીમાં સ્વયંશિસ્ત સાથે જુથવાદ નહીં, બુથવાદથી કામ કરવા નેતાઓનો એક સુર
જુનાગઢ ગઈકાલે સોમનાથ મહાદેવ મંદિરે શીશ નમાવી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતાની આગેવાનીમાં જનસંપર્ક અભિયાનની શરૂઆત કરાઈ હતી. આ અભિયાનના ભાગરૂપે જુનાગઢ ગઈકાલે દોમડીયાવાડી ખાતે કારોબારી મળી હતી. જેમાં કોંગ્રેસના સ્થાનિક પાયાના પથ્થર ગણાતા નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જોકે આ કારોબારી મળવાના સમયમાં બે કલાક જેવો સમયનો લોચો લાગ્યો હતો. બપોરે બે વાગ્યે શહેર કોંગ્રેસ દ્વારા આ કારોબારી મળવાની જાહેરાત બાદ નેતાઓ છેક પોણા ચાર વાગ્યે સભાના સ્થળે પહોંચ્યા હતા. કાળઝાળ ગરમી અને ધોમ ધખતા તાપમાં કોંગ્રેસી કાર્યકરો નેતાઓની રાહ જોઈ ખરેખરો ઉત્સાહ બતાવ્યો હતો.
આ અંગે વધુ વિગત અનુસાર જુનાગઢના કોંગ્રેસની પ્રદેશ કારોબારી સમિતિ મળી હતી. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ બન્યા બાદ પહેલી વાર અમીત ચાવડા અને ગુજરાતના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ગુજરાત વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કારોબારીના કાર્યકર્તાને સંબોધતા જણાવ્યું હતું કે, જિલ્લામાં પાયાના કાર્યકરોને આગળ વધવા મોકો આપવો પડશે સાચો નેતા તેને કહેવાય જે એકબીજાને નેતાને પેદા કરે એટલે કે મોટા નેતાઓ નાના કાર્યકરોને પ્રોત્સાહન આપવું જોઈએ. આ દરમિયાન પરેશભાઈ ધાનાણીએ કહ્યું હતું કે ચુંટણી આવે ત્યારે મોટા નેતાઓ નાના કાર્યકર્તાઓને ભગવાન સમજે છે અને ચુંટણી પછી આજ નેતા કાર્યકર્તાઓને ચોર ગણે છે.
આ નિવેદનથી ધારાસભ્ય ભીખાભાઈ જોષી અને પૂર્વ મેયર લાખાભાઈ પરમાર નારાજ થયા હતા. જોકે અન્ય લોકોએ તમને નથી કહેતા કહી મામલો થાળે પાડયો હતો. આ સાથે પરેશ ધાનાણીએ પાર્ટીંમાં સ્વયં શિસ્તની જરૂર હોવાનું કહ્યું હતું. તેમજ આ તકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, પાર્ટીમાં યુવા નેતાઓ આવકાર્ય છે અને ભાજપ સરકાર આર.એસ.એસ.ના રીમોટ કંટ્રોલથી ચાલે છે અને લોકોની સ્વતંત્રતા છીનવાઈ ગઈ છે. ચાવડાએ હું નહીં આપણેની વિચારધારાથી આગળ વધવાનું આહવાન કર્યું હતું.
પ્રદેશ પ્રમુખે સોમનાથ મંદિરે દર્શન કરી પોતાના જન સંપર્ક અભિયાનની શ‚આત કરી હતી. તેમજ સાજોકા ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓને અંદરો અંદરની ખેંચતાણ બંધ કરી યુવાનોને તક આપવા જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં કોંગ્રેસના પાયાના નેતા નાનજીભાઈ વેકરીયા, જેઠાભાઈ જોરા, જવાહરભાઈ ચાવડા, હર્ષદભાઈ રીબડીયા, સતીષભાઈ વીરડા સહિતના સ્થાનિક નેતાઓ હાજર રહ્યા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com