રાજકોટ જિલ્લાના અંદાજે 50 જેટલા ગામો છે. જ્યાં લોકોએ વેકસીન લેવા માટે અસહમતી દર્શાવી છે. જેને લઈને આરોગ્ય વિભાગ ધંધે લાગ્યું છે. આ ગામના અગ્રણીઓને મનાવવાના હાલ પુરજોશમાં પ્રયાસો ચાલી રહ્યા છે. તંત્રએ તાલુકા કક્ષાએ ટિમો બનાવીને વેકસીન અંગે લોકોને જાગૃત કરવાની કવાયત હાથ ધરી છે.
રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં કોરોના વેકસીનેશનની ઝુંબેશ ચાલી રહી છે. જેમાં ફ્રન્ટ લાઇન કોરોના વોરીયર્સને કોરોના વેકસીન આપ્યા બાદ હાલ 60 વર્ષથી વધુની ઉંમરના સિનિયર સીટીઝન અને બીમાર લોકોને વેકસીનના ડોઝ આપવામાં આવી રહ્યા છે. રાજકોટ જિલ્લામાં 576 જેટલા ગામડાઓ છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 2 લાખ લોકોને વેકસીનનો ડોઝ આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. હાલ વેકસીનેશનની કામગીરી પુરજોશમાં ચલાવવામાં આવી રહી છે. 40 ટકા જેટલી કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે.
જિલ્લામાં 310 જેટલા સીએચસી અને પીએચસી સેન્ટરો ઉપરાંત પબ્લિક બિલ્ડીંગનો ઉપયોગ વેકસીનેશનની કામગીરી માટે થઈ રહ્યો છે. કોરોનાના કેસમાં ફરી આવેલા ઉછાળાને પગલે વેકસીનેશનની કામગીરી તંત્રએ વધુ સઘન બનાવી છે. આ દરમિયાન 50 જેટલા ગામોએ વેકસીન લેવા નનૈયો ભણી દીધો છે. ગ્રામ્ય ક્ષેત્રમાં મોટી ઉપરના લોકોમાં હજુ પણ વેકસીન અંગે ભ્રામકતા જોવા મળી રહી છે. લોકોના મનમાં હજુ પણ વેકસીનને લઈને ડર જોવા મળી રહ્યો છે. જેને પગલે વહીવટી તંત્ર દ્વારા વેકસીનેશન કરતા વેકસીનેશન અંગેની જાગૃતિ ફેલાવવા ઉપર વધુ ધ્યાન આપવાની ફરજ પડી છે.
50 જેટલા ગામોમાં વેકસીનેશનની પ્રક્રિયા ટલ્લે ચડતા તંત્ર પણ ધંધે લાગ્યું છે. ધીમે ધીમે આ ગામના અગ્રણીઓને વારાફરતે સમજાવવાના પ્રયત્નો ચલાવવામાં આવી રહ્યા છે. આ ગામોમાં જાગૃત લોકોને વેકસીન લેવડાવીને તેઓને કોઈ આડઅસર ન થઈ હોવાની વાત તેઓ દ્વારા જ પ્રસરાવીને વેકસીન અંગે જાગૃતિ ફેલાવવાનો તંત્ર પ્રયત્ન કરી રહ્યું છે. આ ઉપરાંત સામાજિક આગેવાનો, અગ્રણીઓની પણ તંત્રએ મદદ લીધી છે. આ આગેવાનો અને અગ્રણીઓ પોતાના ગામમાં જાગૃતિ ફેલાવીને લોકોમાં રહેલી વેકસીન અંગેની ગેરમાન્યતાઓ દૂર કરે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે કેરાળા, ફતેહપુર, નવા માત્રાવાડ, પીપરડી, નાના મહિકા, જસવંતપુર, નાની વાવડી સહિતના 12 ગામોમાં 100 ટકા વેકસીનેશન કરવામાં આવ્યું છે. અહીંના તમામ 60થી વધુ ઉંમર ધરાવતા સિનિયર સિટીઝનો અને બીમાર વ્યક્તિને કોરોનાની રસી આપી દેવામાં આવી છે. હવે બાકીના ગામોમાં પણ 100 ટકા વેકસીનેશન કરવા તંત્ર સજ્જ છે. હાલ તંત્ર મિશન મોડ ઉપર આ માટે કામ પણ કરી રહ્યું છે.
રાજકોટ જિલ્લાનાં કુલ ગામો: 576
- રસી આપવામાં અસહમત ગામો: 50
- રસી આપવાનો લક્ષ્યાંક: 2 લાખ લોકો
- 310 સીએચસી અને પીએચસીમાં વેકસીનેશનની કામગીરી
- 40% વેકસીનેશનનું કામ પૂર્ણ
- 12 ગામોમાં 100 ટકા વેકસીનેશન
ધાર્મિક આગેવાનો, પદાધિકારીઓની મદદથી દરેક ગામોમાં વેકિસન અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે : ડીડીઓ
રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ 50 ગામોમાં લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ પ્રમુખ ભુપતભાઇ બોદર સહિતના પદાધિકારીઓ સાથે બેઠક મળી હતી. તેઓ દ્વારા પાર્ટી વાઇઝ તાલુકા કક્ષાએ નોડલની નિમણુંક કરવામાં આવી છે. તેઓ વેકસીન અંગે જાગૃતિ લાવવા પ્રયાસ કરી રહ્યા છે. આ ઉપરાંત તંત્ર દ્વારા પણ જે તે ધર્મના અને જે તે સમાજના અગ્રણીને વેકસીન અપાવી તેઓનો વીડિયો બનાવવામાં આવે છે. જેમાં તેઓ વેકસીન લીધા બાદના અનુભવો વર્ણવે છે. આ ઉપરાંત જે ગામમાં સિનિયર સીટીઝનો વેકસીન લેવાની ના પાડે તેઓના દીકરા કે દીકરીઓને વેકસીન અંગે સમજાવવામાં આવે છે. વધુમાં તંત્ર દ્વારા પણ તાલુકા કક્ષાએ ટિમો બનાવવામાં આવી છે. જે વિવિધ વિસ્તારોમાં ફરીને વેકસીન અંગે લોકોને સમજાવે છે. અંતમાં ડીડીઓ અનિલ રાણાવસિયાએ (અનુ.આઠમા પાને) જણાવ્યું કે કોરોના વેકસીન લોકો માટે નવી વસ્તુ છે. ગ્રામ્ય વિસ્તારોમાં શરૂઆતમાં લોકો વેકસીન લેવાની ના પાડે છે. પણ તંત્ર અને અન્ય આગેવાનો વેકસીનની સમજ આપે છે બાદમાં લોકો માની જાય છે. એટલે ધીમે ધીમે જિલ્લાભરમાં કોરોના વેકસીન અંગેની જાગૃતિ ફેલાઈ જશે અને તંત્રનો 100 ટકા વેકસીનેશનનો લક્ષ્યાંક પૂર્ણ થઈ જશે.