આજે વિશ્વ ધરોહર દિવસ
રાજકોટ, જૂનાગઢ, કચ્છ, માંગરોળ, મોરબીના પ્રાચીન વારસાઓના સ્તંભોમાં આજે પણ સંસ્કૃતિ નિહાળી શકાય છે: રાજકોટમાં ગાંધી મ્યુઝિયમ, રણજીત વિલાસ પેલેસ, લેંગ લાયબ્રેરી, મોરબીમાં ઝુલતો પુલ, કચ્છનો પ્રાગ મહેલ અને જૂનાગઢના અનેક સ્થળો આજે પણ સંભારણું
ભારતનો સાંસ્કૃતિક વારસો જ દેશ-દુનિયામાં પ્રચલિત છે. દેશના તમામ રાજયો અલગ-અલગ સંસ્કૃતિ પ્રદર્શિત કરે છે ત્યારે ગુજરાત વિસ્તાર અને વસ્તી દ્રષ્ટિએ અગ્ર ક્રમે હોય ત્યારે રાજયના ઘણા નાના-મોટા શહેરોમાં અતિ કિંમતી એવા પ્રાચીન વારસાની ઝલક જોવા મળે છે. ગુજરાત રાજય વિકાસમાં જે રીતે આગળ પડતું છે તે રીતે સૌથી વધુ અહીં પ્રાચીન સ્થળો પણ ધરાવે છે અને તેની જાળવણી અને સલામતીનું પણ તંત્ર દ્વારા એટલું જ ધ્યાન રખાય છે. દેશ-દુનિયાના ખૂણે-ખૂણેથી સહેલાણીઓ ઉમટી પડી પ્રાચીન વારસાને, પ્રાચીન સંસ્કૃતિને નિહાળી સ્તબ્ધ બને છે અને કંઈ નવું જાણે છે નિહાળે છે.
૧૯૮૨માં સ્મારકો સાઈટસ પર આંતરરાષ્ટ્રીય પરિષદ (આઈસીઓએમઓએસ)એ જાહેર કર્યું કે, ૧૮ એપ્રીલ, ૧૯૮૩માં યુનેસ્કો દ્વારા મંજુર કરવામાં આવેલ ‘વર્લ્ડ હેરીટેજ ડે’ માનવજાતની સંસ્કૃતિક વારસાની મહત્વતા વિશે જાગૃતતા વધારવાના હેતુથી માનવ વારસાની સુરક્ષા અને બચાવના પ્રયત્નો ફરીથી કરવાના હેતુથી વર્લ્ડ હેરીટેજ ડે મનાવવામાં આવે છે. સૌરાષ્ટ્રના મેગાસીટી જેવા કે રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જુનાગઢ, માંગરોળ, વાંકાનેર ઐતિહાસિક વારસો ધરાવે છે. વિશ્વમાં પ્રખ્યાત એવા ગાંધીજીની સ્મૃતિ ધરાવતુ ગાંધી મ્યુઝિયમ રાજકોટમાં આવેલ છે. ગોંડલ, વાંકાનેર, જુનાગઢમાં આવેલ અતિપ્રાચીન મહેલો, મંદિરો, ગઢ, ઈમારતો, સૌરાષ્ટ્રનો ઈતિહાસિક વારસો દુનિયાભરના લોકોનું આકર્ષણનું કેન્દ્ર બને છે.
પ્રોજેકટ મેનેજર ગાંધી મ્યુઝિયમના વિપુલ ગોણીયાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં જ ૩૦,સપ્ટેમ્બર-૨૦૧૮ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હાથે લોકાર્પણ કરવામાં આવતું. રાજકોટની શાન ગણાતું મહાત્મા ગાંધી મ્યુઝિયમની માહિતી આપતા પ્રોજેકટ મેનેજર વિપુલ ગોણીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજી અહીં શિક્ષણ મેળવ્યું છે અને સાત વર્ષ સુધી અહીં અભ્યાસ કરેલો છે. આ ગાંધી મ્યુઝિયમ ગાંધીબાપુની શાળાને જ રીનોવેટ કરી તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્રિમાઈસિસ અંદાજિત ૧૬૪ વર્ષ જૂનું છે. આ બિલ્ડીંગમાં આરએમસી દ્વારા ગાંધી મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યું.
મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં ગાંધીબાપુની જીવનની યાત્રાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જીવનમાં જન્મથી લઈ આંદોલન, શિક્ષણ વિશે માહિતગાર કરવામાં આવ્યું છે. આ મ્યુઝિયમમાં નીચે ટોટલ ૨૦ ગેલેરી છે. તથા ફર્સ્ટ ફલોર પર ૨૦ ગેલેરી છે. ગાંધીજીના વિવિધ સિદ્ધાંતો જેવા કે સત્ય, અહિંસા, જાત મહેનત, સાત્વીક ભોજન, સ્વચ્છતા જેવા ૧૧ સિદ્ધાંતોને આવરી તૈયાર કરવામાં આવી છે.
મ્યુઝિયમમાં લોકરૂમની સુવિધા છે. વી.આઈ.પી. લોંજ છે. વિશાળ ગાર્ડન, અદ્યતન પાર્કિંગ લાઈબ્રેરી ગાંધીજીને લઈ વિવિધ વસ્તુની શોપ પણ સમાવેશ કરવામાં આવી છે. તેમજ બહારથી આવતા મુલાકાતી માટે ઈંગ્લીશ, ગુજરાતી ભાષાના જાણકાર પણ ઉપલબ્ધ છે. છેલ્લા ૭ મહિનામાં લગભગ ૭૩૦૦૦ લોકોએ આ મ્યુઝિયમની મુલાકાત લીધી છે જે રાજકોટ માટે ગર્વની વાત છે.
* રણજિત વિલાસ પેલેસ:-
૧૬૨૦માં આજી નદીના કાંઠે જયારે રાજકોટની સ્થાપના થઈ એ પછી રાજવી પરીવાર દ્વારા આ પેલેસની સ્થાપના કરવામાં આવી હતી. ઐતિહાસિક રાજવીના રહેઠાણથી લઈ ડાયનેસ્ટીક સુધી આ પેલેસની રચના થઈ હતી. રાજવી પરીવાર અહીં રહેતા આ પેલેસ લગભગ ૧૭૦ વર્ષ જુનો છે.
રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજાએ રણજીત વિલાસ પેલેસ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજકોટ રાજયની સ્થાપના, રાજકોટના મુળ પુરુષ વિભાજીબાપુએ ચિભડામાં ગાદી સ્થાપી અને વર્ષ ૧૬૧૦ની અન્દર રાજકોટના આજી નદીના કાંઠે, રાજકોટ સ્થાપવામાં આવ્યું. ચિભડા ગાદી હતી ત્યારબાદ સરધારની અંદર એ ગાદી ફરીથી સ્થાપવામાં આવી અને પછી એ સીટ ઓફ પાવર અને સીટ ઓફ એડમીનીસ્ટ્રેશન સરધારથી રાજકોટમાં સ્થાપવામાં આવ્યું જયારે જયારે રાજવી પરીવાર અને શાસન કરતા જયારે પણ કોઈ એક પ્રદેશમાંથી શાસન કરતા હતા.
ત્યારે સૌરાષ્ટ્રમાં ખુબ પ્રચલિત શબ્દ દરબારગઢએ કહેવાતો હતો અને બધા જ સ્થળોએ દરબારગઢ સ્થાપીત થયેલા પછીએ ચિભડા હોય, સરધાર દરબારગઢ હોય કે પછી રાજકોટની અંદર, રાજકોટ દરબારગઢ હોય અને રાજકોટ દરબારગઢ પછી રણજીત વિલાસ પેલેસ હોય આ બધા જ ઐતિહાસિક રાજવીના, રેસ્ડેનશીયલ, ડાઈનેસ્ટીક, એકોમોડેશન હતા.
કે જેની અંદર સુશાસન સાથે રાજવી પરિવાર રહેતા પણ હતા. આજે આપણે આ રણજીત વિલાસની વાત કરીએ તો એ ૧૭૦ વર્ષ જુનો પેલેસ છે. રાજકોટ દરબારગઢની વાત કરીએ તો ૨૦૦ વર્ષ જુનો પેલેસ દરબારગઢ છે. સરધાર દરબારગઢની વાત કરીએ તો ૩૫૦ વર્ષ થયા છે. આ બધા જ દરબારગઢની ખાસીયત જોઈએ તો લાઈમ સ્ટોનથી બનેલા આ દરબારગઢની ખાસીયત એ છે કે શિયાળામાં ઠંડીના લાગે.
* ‘ગાંડુ ઝાડ’ (વૃક્ષ):-
આ મહેલમાં વર્ષો જુનું જે ભારતનાં જુના ઝાડોમાં સમાવિષ્ટ થતું એક ઝાડ છે. આ વૃક્ષ માટે માનતા રાખવામાં આવે છે. જુની ઉધરસ થઈ હોય તે માટે અહીં માનતા રખાય છે. લગભગ ૭૦૦ વર્ષ જુનું આ ઝાડ ભારતના સૌથી જુના બે વૃક્ષમાંનું એક છે. દુર દુર ગામડેથી અહીં લોકો માનતા પુરી કરવા આવે છે.
લેંગ લાઈબ્રેરી :- લેંગ લાઈબ્રેરીના પ્રમુખ ડો.નિરંજનભાઈ પારેખે જણાવ્યું હતું કે, રાજકોટમાં આવેલ સૌરાષ્ટ્રની સૌથી જુની પુસ્તકાલયોમાંથી એક પુસ્તકાલય એટલે કે લેંગ લાયબ્રેરી. ૧૮૫૬માં ગુન્ગ્રાહક મંડળીના નામથી શરૂ થયેલ આ લાયબ્રેરી લગભગ ૧૮૬૪માં કોઠી કમ્પાઉન્ડ વિસ્તારમાંથી સ્વતંત્ર રીતે બિલ્ડીંગમાં ખસેડવામાં આવી તથા ૧૮૯૩માં જયુબેલી ગાર્ડનમાં તેની રચના થઈ.
પુસ્તકાલયને કર્નલ લેંગની યાદમાં લેંગ લાઈબ્રેરીનું નામ અપાયું જે કાઠિયાવાડના રાજકીય એજન્ટ હતા. આ પુસ્તકાલય એક સ્થાપત્ય અજાયબી છે જેનું માળખુ વિકટોરિયન શૈલીમાં બનાવવામાં આવ્યું જેમાં સ્થાનિક રેતીના પથ્થરમાંથી બનેલા ગોથિક કમાનો છે. લેંગ લાઈબ્રેરી ગુજરાતના સાહિત્યમાં રસ ધરાવતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. જુના ઐતિહાસિક પુસ્તકોથી લઈ તાજેતરમાં આવતા દરેક પુસ્તકોને સમાવી લેતી આ પુસ્તકાલય સૌરાષ્ટ્ર રાજકોટની મહત્વની પુસ્તકાલય છે.
* જુનાગઢ:-
ગિરનારની તળેટીમાં વસેલું જુનાગઢ જિલ્લા અને જુનાગઢ તાલુકાનું મુખ્ય મથક તેમજ ગુજરાતનું સાતમું મોટું શકે પ્રાચીન વારસાનું ગઢ છે. કવિ દયારામે આ શહેરનો ઉલ્લેખ પોતાના કાવ્ય રાંસકવલ્લભમાં ર્જીણગઢ તરીકે કર્યો. જુનાગઢનો સામાન્ય અર્થ ‘જૂનો ગઢ’ થાય છે.
* ઉપરકોટ:-
જુનાગઢની મધ્યમાં આવેલો આ કિલ્લો ત્રીજી સદીમાં મોટા સામ્રાજય દ્વારા બનાવવામાં આવ્યો હતો. જે અંદાજે આઠમી સદી સુધી વલભીના શાસકોના કબજામાં રહ્યો હતો. ત્યારબાદ આ કિલ્લાનો ર્જીણોદ્વાર ચુડાસમા રાજાઓ દ્વારા થયો. જે અનુક્રમે ચુડાસમા, સોલંકી અને મુધલરાજાઓના કબજાઓમાં હતો. ઉપરકોટના કિલ્લામાં અડીકડીવાવ નવઘણકુવો, બૌદ્ધ ગુફાઓ, રાણકદેવીનો મહેલ, નિલમ તથા કડીનાળ તોપ, અનાજના કોઠારો તથા સાત તળાવ તરીકે ઓળખાતો વોટર ફિલ્ટર પ્લાન્ટ જોવા લાયક સ્થળો છે.
* મોહબ્બતનો મકબરો:-
જુનાગઢ તાજ મંજીલની વાત કરીએ તો તે મોહબ્બતનો મકબરો પણ કહેવાય છે. જે નવાબ મહબત ખાન દ્વારા ૧૯૫૧માં બનાવવામાં આવ્યો હતો.
* અશોક શિલાલેખ:-
બૌદ્ધ ગુફાઓને આવરી લેતી શિલાલેખ એક સમયે ગુજરાત પ્રવાસ માટે આકર્ષણનું સ્થળ હતું. પાળી ભાષામાં લખાયેલી આ શીલાલેખ પર કંઈ સમજી શકાય એ ભાષા ન હોવા છતાં તે આકર્ષણ છે. આ પ્રાચીન શિલાલેખ રાજા અશોકના સમયનો છે.
* મજેવડી ગેટ:-
રંગીન કિલ્લાની દિવાલ ધરાવતો મજેવડી ગેટ નવિનીકરણ હેઠળ છે. મજેવડી દરવાજા પહેલા લાકડાના દરવાજાનો હતો. આ ગેટની રચના ખુબ સુંદર રીતે કરવામાં આવી છે.
જુનાગઢના કિરણ વરીયાએ જણાવ્યું હતું કે, હાલ જુનાગઢ વિસ્તારમાં ત્રણ જગ્યાએ મ્યુઝિયમ આવેલા છે. ૨૦૧૪માં આ ત્રણ જગ્યાએથી બે મ્યુઝિયમનું સ્થળાંતર કરવામાં આવ્યું. તાજ મંજીલ ખાતે તેણે ફરીથી શરૂ કરવામાં આવ્યું. જુનાગઢમાં મ્યુઝિયમ ખાતે અલગ-અલગ એકિટીવીટી કરવામાં આવે છે. જેમાં લોકોનું જ્ઞાન વધે તેમજ વારસાનું મહત્વ સમજાય તે માટે આ એકિટીવીટી થાય છે.
જેમાં માટી અને એના દ્વારા વસ્તુઓ કઈ રીતે બનાવવામાં આવે છે. નૈસર્ગિંક સંપદાને લગતી મુશ્કેલીઓને કઈ રીતે દુર કરાય તથા લોકોમાં વારસાની જાળવણીની જાગૃતતા વધે તે માટે જાગૃત કરવામાં આવે છે. અલગ-અલગ ડ્રોઈંગ કોમ્પીટીશન જેના વિષય વારસાની જાળવણીનો હોય છે.
* ‘કચ્છ’ પ્રાગ મહેલ:-
પ્રાગ મહેલનું નામ રાવ પ્રગમજીએ રાખ્યું છે જેની બાંધકામની શરૂઆત ૧૮૬૫માં થઈ હતી. આની રચના ઈટાલિયન ગોથિક શૈલીમાં કર્નલ હેની સેટ વિઝીટ દ્વારા થઈ હતી. કહેવાય છે આ મહેલના કારીગરોનું વેતન સોનાના સિકકામાં ચુકવવામાં આવતું તે જમાનામાં આ મહેલનું નિર્માણ ૩.૧ મિલિયન રૂપિયાનું હતું.
* ‘માંગરોળ’ જય ભવાની મંદિર:-
જુનાગઢ જીલ્લાના માંગરોળના દરબારગઢ ખાતે માં ભવાની બિરાજે છે. આ દરબારગઢ આશરે ૧૩૦૦ વર્ષ જુનો હોવાનું લોકમુર્ખે ચર્ચાઈ રહ્યું છે. કુમારપાળ નામના રાજાએ આ દરબારગઢ બંધાવ્યો હતો. આ ઉપરાંત અનેક હિન્દુ-મુસ્લિમ રજવાડાએ રાજ કરેલુ હતું. આ પ્રાચીન મંદિર ઈતિહાસ સાથે જોડાયેલ છે. આ મંદિરે રાજાશાહી વખતથી સુદ નવરાત્રી ઉજવવામાં આવે છે.
* ‘મોરબી’ ઝુલતો પુલ
મોરબી તરીકે ઓળખાતું સૌરાષ્ટ્રમાં સ્થિત નાનકડું પરંતુ સુંદર શહેર એટલે કે મોરબી. મોરબી, જામનગર, વાંકાનેર, ગાંધીધામ જેવા મહત્વનાં નગરો સાથે રાજય ધોરીમાર્ગ વડે જોડાયેલું છે. મોરબી શહેર વચ્ચેથી મચ્છુ નદી વહે છે. જેના પર બાંધવામાં આવેલ પુલ એટલે કે ઝુલતો પુલ મોરબી. જે એક યુરોપિયન શૈલીનું સ્થાપત્ય છે. આજથી સવા સો વર્ષ પહેલા લંડનના મહારાણી વિકટોરીયાએ નાઈટ કમાન્ડર ઓફ ધ સ્ટેટ ઓફ ઈન્ડિયાનો ખિતાબ જેમણે આપ્યો હતો એવા મોરબીના મહારાજા વાઘજી ઠાકોરે બનાવડાવ્યો હતો.