આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસનાં ભાવમાં ઘટાડો: ગૃહિણીઓ માટે આનંદો
કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં વેચાતા બિનસબસીડી એલપીજીનાં બાટલામાં બાટલા દીઠ રૂા.૧૦૦નો ઘટાડો કરવાનો અમલ રવિવારથી કરી દેવામાં આવ્યો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસનાં ભાવમાં ઘટાડો થતા આ ભાવ ઓછા થયા હોવાનું ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનનાં પ્રવકતાએ જણાવ્યું હતું. રવિવારથી અમલમાં આવેલા નવા ભાવ ઘટાડાથી ગેસનો બાટલો ૧૦૦ રૂપિયા સસ્તુ થવા પામ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકાર તમામે ગૃહિણીઓને રસોઈ માટે ગેસની સવલત પુરી પાડવા પ્રતિબઘ્ધ બની છે.
દેશનાં છેવાડાને ગામડા સુધી મહિલાઓનાં રાંધણિયામાં છાણા-લાકડા પર રસોઈ કરવા માટે હવે મહિલાઓને ફુકણી ફુંકવાની કળાકુટમાં પડવું નથી પડતું. ઘેર-ઘેર ગેસ સિલિન્ડરની ઉપલબ્ધીમાં ૧૦૦ ટકા સિદ્ધિ પ્રાપ્ત કરવામાં નજીવું અંતર જ બાકી રહ્યું છે.
રવિવારથી બાટલા દીઠ ૧૦૦ રૂા.નાં થયેલા ઘટાડામાં દિલ્હીમાં હવે સબસીડી વગરનાં બાટલાનાં ભાવ અત્યાર સુધી ૭૩૭.૫૦ હતા જે આજે મધરાત્રીથી ઘટીને રૂા.૬૩૭ સુધી પહોંચ્યા છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસનાં ભાવો નીચે ઉતરતા હવે ગુજરાત સહિત દેશમાં સબસીડીપાત્ર બાટલો ૪૯૪.૩૫ પ્રતિ સિલિન્ડર રહેશે. આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસનાં ભાવમાં ઘટાડો થતાની સાથે જ દેશની ગૃહિણીઓમાં આનંદની લાગણી વ્યાપી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે વિચાર અને લક્ષ્ય છે કે, છેવાડાની મહિલાઓ પણ ગેસનાં બાટલાનો ઉપયોગ કરી શકે તે દિશામાં સરકાર આગળ વધી રહી છે અને તમામ પ્રયત્નો હાથ પણ ધરી રહી છે.