ગુવાર, ચોળી, કારેલા જેવી વેલાઓની શાકભાજીની આવક શરૂ
તહેવારો ની રજા પૂર્ણ થતાં ફરીવાર રાજકોટ ના પોપટભાઈ સોરઠીયા સબ યાર્ડ ખાતે શાકભાજીની આવક શરૂ થઈ છે. નવા શાકભાજીની આવક થતા ભાવ માં પણ નિયંત્રણ આવ્યો છે. તહેવાર બાદ શાકભાજી ના ભાવ માં વધારો આવશે તેવી શક્યતાઓ સેવાઇ રહી હતી જેની સામે ચોમાસુ સફળ રહેતા ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે અને લીલા શાકભાજીની આવકો શરૂ થઈ છે.
ખાસ ચોમાસુ માફક રહેતા આગામી દિવસોમાં વેલામાં આવતા શાકભાજીઓની આવક પણ પુષ્કળ થશે તેવી પણ શક્યતાઓ પ્રબળ છે. ઘીસોડા, ગલકા, કારેલા અને દૂધી જેવા લીલા શાકભાજીની આવક ટૂંક સમયમાં વધી જશે તેવું સ્પષ્ટપણે મનાઈ રહ્યું છે.
શાકભાજીના ભાવમાં આશરે ૧૫ થી ૨૦ ટકાનો ઘટાડો નોંધાયો: રસિકભાઈ લુણાગરીયા
રસિકભાઈ લુણાગરિયા (ઇન્સ્પેકટર – શાકભાજી)એ આ બાબતે ‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ શાકભાજીની આવક ધીમે ધીમે વધી રહી છે અને ભાવમાં પણ આશરે ૧૫ થી ૨૦ ટકાનો ઘટાડો નોંધાયો છે.
તેમણે જણાવ્યું હતું કે હાલ ગુવાર, ચોળી, કારેલા જેવી વેલાઓની શાકભાજીની આવક શરૂ થઈ ચૂકી છે ઉપરાંત બીજા શાકભાજીની આવક તો ચાલુ છે.
તેમણે વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થતી શકભાજીઓ જેવી કે ટામેટાની આવક અને ભાવ વિશે જણાવતા કહ્યું હતું કે હાલ ટામેટાંમાં લોકલ આવક ખૂબ ઓછી છે પરંતુ તેની સામે બહાર ગામની આવક શરૂ થતાં કોઈ ખાસ ફેરફાર નોંધાયો નથી અને આગામી દિવસોમાં બહારગામની આવક વધે તેવી શકયતા છે જેના કારણે ભાવ માં ઘટાડો નોંધાશે. તેમણે ખાસ ડુંગળીના વધતા ભાવો વિશે કહ્યું હતું ડુંગળીની મુખ્ય આવક મહારાષ્ટ્રથી થતી હોય છે જે હાલ ખૂબ ઓછી હોવાથી ભાવમાં આશરે ૩૦ % ટકાનો વધારો છે અને જો આવક નહિ વધે તો ભાવમાં હજુ પણ ઉછાળો આવે તેવી સંપૂર્ણ શક્યતા છે.