વર્ષ ૨૦૧૭-૧૮ માટે પીએફ પર મળતા વ્યાજનો દર ૮.૬૫%ને બદલે હવે ૮.૫૫% જાહેર કરાયો
એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશનએ વર્ષ ૨૦૧૭-૧૮માટે પીએફ પર મળતા વ્યાજના દર ૮.૬૫ ટકાથી ઘટાડીને ૮.૫૫ ટકા જાહેર કર્યા છે. આમ, પાંચ કરોડથી વધુ પીએફ ખાતેદારોને ૨૦૧૭-૧૮માં ૦.૧૦ ટકા ઓછું વ્યાજ મળશે.
ઇપીએફઓએ સતત ત્રીજી વાર વ્યાજદર ઘટાડ્યા છે. સરકારે નાની બચતો પર વ્યાજદર ઘટાડીને મધ્યમ વર્ગની મુશ્કેલીમાં અગાઉથી જ વધારો કરી દીધો હતો, હવે તેમને મળતા પીએફના વિકલ્પમાં પણ વ્યાજદર ઘટાડીને પીએફ કપાત માટે હતાશ કરી દેવા જેવો આ નિર્ણય લીધો છે. ઇપીએફઓએ વર્ષ ૨૦૧૬-૧૭ માટે ૮.૬૫ ટકા વ્યાજદર નક્કી કર્યા હતા જે આ વર્ષે વધે નહીં તો કંઈ નહીં, પણ કદાચ ઘટશે પણ નહીં તેવી ખાતેદારોને આશા હતી. કારણ કે એવું ચિત્ર ઉપસાવવામાં આવ્યું હતું કે શ્રમમંત્રાલયે વ્યાજદર યથાવત્ રાખવા કહ્યું છે. પરંતુ આ વર્ષે પણ વ્યાજમાં ૦.૧૦ ટકાનો કાપ મૂકી દેવાયો છે. ૨૦૧૫-૧૬માં પીએફ પર વ્યાજદર ૮.૮ ટકા હતો.
ઇપીએફઓ ખાતેદારોને પીએફ પર વધુ વ્યાજદર આપી શકે તે માટે ઇપીએફઓને ઇક્વિટી માર્કેટમાં રોકાણ કરવા સહિતના વિકલ્પો આપવામાં આવ્યા છે. તેનો તેણે ઉપયોગ પણ કર્યો છે. ઇપીએફઓ ઓગસ્ટ ૨૦૧૫થી ઇટીએફ અર્થાત્ એક્સ્ચેન્જ ટ્રેડેડ ફંડ્સમાં રોકાણ કરી રહ્યું છે.
અત્યાર સુધીમાં તેણે ઇટીએફમાં રૂ.૪૪,૦૦૦ કરોડનું જંગી રોકાણ કરી નાખ્યું છે. તેના પર તાજેતરના અંદાજ મુજબ તેને ૧૬ ટકા જેવું સારું કહી શકાય તેવું વળતર મળી રહ્યું છે. તેણે આ મહિનામાં જ આ રોકાણનો ૨,૮૮૬ કરોડ રૂપિયાનો હિસ્સો વેચી દીધો છે અને નફો બૂક કર્યો છે. તેના પર તેને રૂ.૧,૦૫૪ કરોડનું તગડું વળતર મળ્યું છે. જોકે ખાતેદારોને તો વ્યાજદર ઘટવાથી નુકસાન જ થયું છે.