સ્થાનિક લોકો સાથે ચર્ચા બાદ ઈકો સેન્સીટીવ ઝોનની હદ ઘટાડવાના નિર્ણયને મંજૂરી
ગુજરાત સરકાર દ્વારા ઈકો સેન્સીટીવ ઝોનની મર્યાદા ઘટાડવા નિર્ણય કરવામાં આવ્યો છે. જેને કેન્દ્ર દ્વારા પણ મંજૂરી આપવામાં આવી છે. આ કામગીરીના ભાગ‚પે નળ સરોવરની હદ ઘટાડવામાં આવી છે. નળ સરોવરની હદ ઘટાડવાની દરખાસ્તને ઈકો સેન્સીટીવ ઝોન કમીટી દ્વારા મંજૂરી આપવામાં આવતા હવે આ વિસ્તાર ૬૯ ટકા જેટલો રહ્યો છે.
ગીરમાં ઈકો સેન્સીટીવ ઝોનની હદ ઘટાડવા મુદ્દે વિરોધ ઉભો થયો હતો પરંતુ નળ સરોવર બાબતે કોઈપણ જાતનો વિરોધ થયો નથી. હવે ઈકો સેન્સીટીવ ઝોન કમીટી દ્વારા છેલ્લો રિપોર્ટ જારી કરવામાં આવશે. જેમાં કોઈપણ પ્રકારના વાંધા અરજીઓને રજૂ કરી શકાશે. જો આ સમય મર્યાદામાં કોઈ વાંધા સુચનો ન આવ્યા તો નળ સરોવરની હદ ઘટાડવાનો નિર્ણય કોઈપણ પ્રશ્ર્નો વિના પસાર થશે. અગાઉ નળ સરોવરની મર્યાદા ૨.૫ કિ.મી.થી ૧૩ કિ.મી. સુધીની હતી. જો કે હવે નળ સરોવરની ઈકો સેન્સીટીવ ઝોનની મર્યાદા ૧.૩૪ કિ.મી.થી ૪.૮૪ કિ.મી. સુધીની રહેશે. પ્રિન્સીપલ ચીફ ક્ધઝર્વેટર ઓફ ફોરેસ્ટ જી.કે.સિન્હાએ કહ્યું હતું કે, સ્થાનિક લોકો અને જમીનદારો સાથે નળ સરોવરની હદ ઘટાડવા બાબતે બેઠક થઈ હતી. જેમાં લોકો સમક્ષ સંપૂર્ણ દરખાસ્ત મુકવામાં આવી હતી. આ બેઠકમાં લોકોના સુચનોને પણ ધ્યાને લેવામાં આવ્યા હતા. જો કે સ્થાનિક લોકો દ્વારા કોઈપણ જાતનો વાંધો ઉઠાવવામાં આવ્યો ન હતો.